વડોદરામાં દુલ્હન સ્કૂટર પર લગ્ન કરવા પહોંચી, કારણ જાણીને ચોંકી જશો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ-Bride travels on scooter to get married due to traffic in Vadodara video goes viral | વડોદરાના સમાચાર
Last Updated:
વડોદરામાં એક દુલ્હન સ્કૂટર પર લગ્ન કરવા માટે પહોંચી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે દુલ્હન સ્કૂટર પર લગ્ન કરવા માટે શા માટે પહોંચી તેના વિશે તમે જાણશો તો તમે પણ ચોંકી જશો.
વડોદરા: લગ્નની સીઝનમાં અમુક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે, જેને લઈને લોકો નવાઈ પામી જતા હોય છે. હાલ વડોદરામાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમે નવાઈ પામી જશો. અહીંયા દુલ્હન પોતાના લગ્ન માટે સ્કૂટર પર લગ્ન સ્થળે પહોંચી હતી. દુલ્હનનો વીડિયો સામે આવ્યા બાદ આ કિસ્સો હાલ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, લગ્નના શુભ મુહૂર્તને સાચવવા માટે દુલ્હનને પરંપરાગત પાલખી કે સજાવટ કરેલી કારને બદલે સ્કૂટર પર લિફ્ટ લઈને લગ્નસ્થળે પહોંચવું પડ્યું હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે લગ્ન પ્રસંગોમાં ભવ્ય એન્ટ્રીની ચર્ચા થાય છે, પરંતુ આ વખતે દુલ્હનની એન્ટ્રી શહેરની ટ્રાફિક સમસ્યાઓને કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે.
જાન પાર્ટી પ્લોટ પર સમયસર પહોંચી ગઈ હતી, પરંતુ દુલ્હનની કાર ટ્રાફિકમાં અટવાઈ જતા મુહૂર્ત હાથમાંથી નીકળી જવાની ભીતિ ઊભી થઈ. પરિસ્થિતિની ગંભીરતા સમજતા દુલ્હને તાત્કાલિક નિર્ણય લીધો. લગ્ન પહેલાંનું ફોટોશૂટ રદ કરીને તેણે રસ્તા પરથી પસાર થતાં એક સ્કૂટરચાલક પાસે લિફ્ટ માગી અને સ્કૂટર પર જ લગ્નસ્થળે પહોંચી ગઈ.
વડોદરા શહેરમાં વિકાસકાર્યો માટે ઠેર-ઠેર ખોદેલા ખાડાઓના કારણે દુલ્હન ટ્રાફિકમાં અટવાઇ હતી…દુલ્હન ટુ વ્હીલર પર લિફ્ટ માંગીને લગ્નસ્થળે પહોંચી દુલ્હન#GujaratiNews #BreakingNews #News18Gujarati pic.twitter.com/3ZzoCkMLbl
— News18Gujarati (@News18Guj) February 22, 2026
લગ્નવેશમાં સ્કૂટર પર જઈ રહેલી દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં દુલ્હન ભારે ટ્રાફિક વચ્ચે સ્કૂટર પર બેસીને લગ્નસ્થળ તરફ જતી નજરે પડે છે. આ દૃશ્ય જોઈ લોકો શહેરમાં ચાલી રહેલા વિકાસકાર્યો અને મનપાની કામગીરી અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં વિકાસ જરૂરી છે, પરંતુ આયોજનના અભાવે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના માત્ર એક દુલ્હનની નથી, પરંતુ રોજબરોજ ટ્રાફિકમાં ફસાતા અનેક નાગરિકોની વ્યથા પણ રજૂ કરે છે. હાલ આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે અને મનપા દ્વારા રસ્તાના કામ અને ટ્રાફિક વ્યવસ્થાને લઈ યોગ્ય આયોજન કરવાની માગ ઊઠી રહી છે.
Vadodara,Gujarat
