MS Dhoni’s IPL 2026 CSK Match Availability Decision Soon
48 મિનિટ પેહલા
- કૉપી લિંક

મહેન્દ્ર સિંહ ધોની IPL 2026ની સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતા જોવા મળશે. ધોની આ વર્ષે જુલાઈમાં 45 વર્ષનો થશે. CSKના મેનેજમેન્ટે તેની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી દીધી છે, પરંતુ વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને તે કેટલીક મેચમાંથી બ્રેક લઈ શકે છે.
CSKના એક ટોચના સૂત્રના હવાલાથી ન્યૂઝ એજન્સી PTIએ જણાવ્યું કે, ‘અમે તેની પુષ્ટિ કરી શકીએ છીએ કે ધોની ચેન્નઈ આવી રહ્યા છે અને તેમણે આ સીઝન માટે પોતાની ઉપલબ્ધતા સ્પષ્ટ કરી દીધી છે. તેઓ બધી મેચ રમશે કે નહીં, તે હાલ કહેવું મુશ્કેલ છે.’
સંજુ સેમસનના આગમનથી વિકેટકીપિંગનો વિકલ્પ ખુલ્યો
આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સના સ્ક્વોડમાં સંજુ સેમસનની એન્ટ્રી થઈ છે. સેમસનના આગમનથી ટીમ પાસે વિકેટકીપિંગના મજબૂત વિકલ્પો ઉપલબ્ધ છે. મેનેજમેન્ટની યોજના છે કે જે મેચમાં ધોનીને આરામ આપવામાં આવશે, ત્યાં સેમસન ગ્લવ્ઝ સંભાળશે.
ધોની છેલ્લા કેટલાક સમયથી ઘૂંટણ અને પીઠની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. આવી સ્થિતિમાં, 45 વર્ષની ઉંમરે દરેક મેચમાં વિકેટકીપિંગ કરવું તેના શરીર માટે પડકારજનક બની શકે છે. સંજુ ઉપરાંત, ટીમમાં ઉર્વિલ પટેલ અને કાર્તિક શર્મા વિકેટકીપર તરીકે સામેલ છે. કાર્તિકને CSKએ 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને શિવમ દુબે સાથે ફિનિશર તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે.

IPLમાં ધોની સાથે સંજુ સેમસન.
ઇમ્પેક્ટ પ્લેયર રૂલનો ફાયદો મળી શકે છે
ગયા સીઝનની જેમ આ વખતે પણ ધોની ઇમ્પેક્ટ પ્લેયર તરીકે જોવા મળી શકે છે. તે નીચલા ક્રમમાં આવીને ફિનિશરની ભૂમિકા ભજવતો રહ્યો છે. ફિટ રહેવા માટે તેણે પોતાની બેટિંગને અમુક ખાસ ઓવરો સુધી જ સીમિત રાખી છે. ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે ધોની મેદાન પર રહે, ભલે પછી તે માત્ર છેલ્લાની અમુક ઓવરોમાં બેટિંગ કરે અથવા મેન્ટરની જેમ ટીમને ગાઇડ કરે.
ચેપોકના દરેક હોમ ગેમમાં દેખાવાની અપેક્ષા
ધોનીનો ચેન્નઈના ચેપોક સ્ટેડિયમ અને ત્યાંના ચાહકો સાથે એક ભાવનાત્મક સંબંધ છે. સૂત્રોનું કહેવું છે કે ધોની પ્રયાસ કરશે કે તે ચેન્નઈમાં થનારી બધી હોમ મેચ ચોક્કસ રમે. ચાહકો વચ્ચે તેની લોકપ્રિયતા આજે પણ તેવી જ છે અને તેના મેદાન પર પગ મૂકતા જ આખું સ્ટેડિયમ ‘ધોની-ધોની’ના નારાઓથી ગુંજી ઉઠે છે. ટીમમાં ઉર્વીલ પટેલ અને કાર્તિક શર્મા જેવા યુવા વિકેટકીપર પણ સામેલ છે, જે બેકઅપ તરીકે તૈયાર રહેશે.
છેલ્લી IPL મેચ દરમિયાન નિવૃત્તિની ચર્ચા થઈ હતી
છેલ્લી IPL સીઝનમાં જ્યારે તેના માતા-પિતા સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચ્યા ત્યારે તેની નિવૃત્તિની અટકળો લગાવવામાં આવી રહી હતી. માતા-પિતા સાથે તેની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા પણ હતી. મેચ પછી CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું હતું કે તેને ધોનીની નિવૃત્તિ વિશે કોઈ જાણકારી નથી. ધોનીના માતા-પિતા 20 વર્ષ પછી તેમની કોઈ મેચ જોવા પહોંચ્યા હતા.
ધોનીએ 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 2007માં કેપ્ટન બનીને તેણે ભારતને T20 વર્લ્ડ કપ જીતાડ્યો. 2011માં તેણે ભારતને વન-ડે વર્લ્ડ કપ પણ જીતાડ્યો. આ દરમિયાન પણ તેના પિતા પાન સિંહ અને માતા દેવકી દેવી ક્યારેય તેને જોવા માટે દુનિયાના કોઈ પણ સ્ટેડિયમમાં પહોંચ્યા નહોતા.

મેચ દરમિયાન ધોનીના પિતા (સફેદ કેપમાં) અને તેમની માતા. આ ફોટો ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. (ફોટો ક્રેડિટ- Chennai Super Kings)
IPLમાં સૌથી વધુ મેચ ધોનીના નામે
IPLમાં સૌથી વધુ મેચ રમનારાઓમાં મહેન્દ્ર સિંહ ધોની પ્રથમ સ્થાને છે. તે અત્યાર સુધી 278 મેચ રમી ચૂક્યો છે. ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વખત ખિતાબ જીતાડ્યો છે. તેણે 38.30ની સરેરાશથી 5439 રન બનાવ્યા છે. આ દરમિયાન ધોનીએ 24 ફિફ્ટી પણ ફટકારી છે. તેણે વિકેટકીપિંગમાં 47 સ્ટમ્પિંગ અને 158 કેચ પણ પકડ્યા છે.
IPLમાં 100 મેચ જીતનાર એકમાત્ર કેપ્ટન
ધોની IPLમાં 100 મેચ જીતનારા એકમાત્ર કેપ્ટન છે. તેણે IPLમાં સૌથી વધુ 226 મેચમાં કેપ્ટનશીપ કરી છે. આ યાદીમાં બીજા નંબર પર રોહિત શર્મા છે. તેણે 158 મેચમાં કેપ્ટનશીપ કરી છે.
ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં CSKને 2023માં છેલ્લીવાર ચેમ્પિયન બનાવ્યું હતું. તે જ ફાઇનલમાં તેણે છેલ્લીવાર કેપ્ટનશીપ પણ કરી હતી. ધોની પોતાની કેપ્ટનશીપમાં ટીમને 133 મેચમાં જીત અપાવી ચૂક્યો છે. જ્યારે 91માં ટીમને હાર મળી.
