અમદાવાદ: એકસાથે 1000 લોકોએ કોંગ્રેસને સમર્થન આપ્યું, ધોળકામાં નજીવી બાબતે ભાજપમાં ભંગાણ-1 thousand people left BJP and supported Congress on a trivial issue in Dholka | અમદાવાદ
Last Updated:
અમદાવાદના ધોળકા તાલુકામાં નજીવી બાબતે ભાજપમાં ભંગાણ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં એકસાથે 1 હજાર લોકોએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. જેથી આ મુદ્દો જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
અમદાવાદ: જિલ્લાના ધોળકા તાલુકાના રામપુર ગામે સિકોતર માતાના મંદિરની દીવાલ તોડી પાડવાના મુદ્દે ભભૂકેલા રોષ વચ્ચે ઠાકોર સમાજ દ્વારા જન આક્રોશ સભા યોજવામાં આવી હતી. જેના પગલે ભાજપને મોટો ફટકો પડ્યો છે. કેમકે જન આક્રોશ રેલીમાં ભાજપને મોટો ઝટકો પડ્યો છે. રામપુરા ગામના તેમજ આસપાસના અંદાજે 1000 જેટલા લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસને સમર્થન આપ્યું છે.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, રામપુર ગામે આવેલા સિકોતર માતાના મંદિરે ઠાકોર સમાજ દ્વારા રક્ષણ માટે દીવાલ બનાવવામાં આવી રહી હતી. સમાજનો આક્ષેપ છે કે, તંત્ર અને ભાજપના સ્થાનિક કાર્યકરો દ્વારા આ દીવાલને તોડી પાડવામાં આવી છે. ધાર્મિક લાગણી દુભાતા અને તંત્રની એકપક્ષીય કામગીરી સામે ઠાકોર સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
આ સમગ્ર મામલો હવે સામૂહિક પક્ષ પલટામાં પરિણમ્યો છે. આ આક્રોશ સભામાં કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત હતા. જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં સભા યોજાઈ હતી. જેમાં આ નેતાઓની હાજરીમાં અંદાજિત 1000 જેટલા ગ્રામજનોએ તેમજ આસપાસના ઠાકોર સમુદાયના લોકોએ કેસરિયો મૂકી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. એટલું જ નહીં સભાને સંબોધતા કોંગ્રેસી નેતાઓએ સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે કોંગ્રેસમાં જોડાયેલા લોકોએ ખાતરી આપી કે, અમે તમારી સાથે છીએ. જ્યાં જરૂર પડશે ત્યાં કોંગ્રેસ લડત આપશે. સરકારનો હાથો બનીને નાના માણસોને હેરાન કરવાનું બંધ કરો. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. સરકારના ઈશારે સામાન્ય જનતાને ડરાવવાનું બંધ કરે. આમ નજીવી બાબતે ભાજપમાં મોટું ભંગાણ પડ્યું અને એકસાથે અંદાજે 1000 જેટલા લોકોના પક્ષ પલટાની રાહ પકડી લીધી.
Ahmedabad,Gujarat
