ભારતીય સેનાના બહાદુર ડોગ 'ટાયસન'ની કહાની:જૈશના કમાન્ડર અને આતંકીઓને શોધી કાઢ્યા, પગમાં ગોળી વાગી છતાં લંગડાતા પગે સેનાને દોરી ગયો; એરલિફ્ટ કરી સારવાર અપાઈ




ભારતીય સેનામાં ફરજ બજાવતા ડોગ એ સેનાના જવાનો માટે માત્ર ડોગ નથી, પણ સાથી છે. અંતરિયાળ વિસ્તારમાં છુપાયેલા આતંકીઓેને શોધી કાઢે છે ને બહાદુરીથી લડે છે. હમણાં જ સેનાએ જાહેરાત કરી કે જમ્મુ- કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચતરુ વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ભારતીય સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા 326 દિવસથી મુશ્કેલ પહાડી વિસ્તારોમાં ચાલી રહેલા સતત સંયુક્ત ઓપરેશનમાં 7 ખતરનાક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી છુપાયા હોવાની માહિતી આર્મીને મળી હતી. તેમાં જૈશને કમાન્ડર સેફુલ્લાહ પણ હતો. આ ઓપરેશન અમારા માટે મહત્વનું હતું પણ સવાલ એ હતો કે જૈશના આતંકીઓ ક્યાં છુપાયા છે, તે ખબર નહોતી. આ આતંકીઓને શોધવાનું કામ સેનાના બહાદુર ડોગ ‘ટાયસન’ને સોંપવામાં આવ્યું. ટાયસન કિશ્તવાડના પહાડી વિસ્તારોમાં ધીમા પગલે સૂંઘતો સૂંઘતો ગયો ને આતંકીઓને શોધી કાઢ્યા. તરત તે સેનાના કેમ્પ તરફ પાછો ફરવા જતો હતો ત્યાં એક આતંકીએ ટાયસન પર ફાયરિંગ કર્યું. ટાયસનને આગળના પગમાં ગોળી વાગી. આ સ્થિતિમાં પણ તે આર્મી સુધી પહોંચી ગયો. સેનાએ જોયું કે ટાયસનને પગમાં લાગ્યું છે તો તરત પાટો બાંધી દીધો પણ બહાદુર ટાયસન ઈશારો કરીને સેનાના જવાનોને લઈ ગયો. લંગડાતા પગે પણ તે ત્યાં પહોંચી ગયો, જ્યાં જૈશનો કમાન્ડર અને બીજા બે આતંકીઓ છુપાયા હતા. ટાયસનને સર્ચની ટ્રેનિંગ આપવામાં આવી ટાયસન એક જર્મન શેફર્ડ સ્નિફર ડોગ છે જે ભારતીય સેનાના 2 પેરા (સ્પેશિયલ ફોર્સ) સાથે જોડાયેલો છે. કિશ્તવાડમાં એક ઓપરેશન દરમિયાન તેણે આતંકવાદીઓને ઓળખીને ખૂબ જ બહાદુરી દર્શાવી. પગમાં ગોળી વાગી હોવા છતાં ટાયસન સૈનિકોને આતંકવાદી ઠેકાણા તરફ દોરી ગયો અને તેને ખતમ કરવામાં મદદ કરી. અધિકારીઓના જણાવ્યા મુજબ, આતંકવાદીઓ લાંબા સમયથી સુરક્ષા દળો સાથે સંતાકૂકડી રમતા હતા. જો કે, ટાયસનને તેમના અડ્ડાને સમયસર શોધી કાઢ્યો એટલે સ્થિતિ બદલાઈ ગઈ. ટાયસને અનેક મોટા ઓપરેશનમાં ભાગ લીધો છે અને તેને વિસ્ફોટકો શોધવા, શંકાસ્પદ સ્થળો ઓળખવા અને મુશ્કેલ વિસ્તારોમાં આતંકવાદીઓને ટ્રેક કરવા માટે તાલીમ આપવામાં આવી છે. જ્યારે ટાયસન કિશ્તવાડમાં આતંકીઓના અડ્ડા શોધવા પહોંચ્યો ત્યારે એક આતંકીએ છુપાઈને તેના પર ગોળી છોડી હતી પણ ટાયસન એલર્ટ થયો ને સ્પીડમાં આર્મી કેમ્પ તરફ ભાગવા લાગ્યો. જો કે ટાયસનને પેટમાં ગોળી વાગવાના બદલે પગમાં ગોળી વાગી હતી છતાં તે હિંમત હાર્યો નહીં. ઓપરેશન પૂરું થયા પછી ટાયસનને ત્યાંથી ખાસ હેલિકોપ્ટરમાં ઉધમપુરની આર્મી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. હાલમાં તે સ્થિર છે અને સ્વસ્થ થઈ રહ્યો છે. આતંકવાદીઓ સામે ઓપરેશન શું હતું? 22 ફેબ્રુઆરી, રવિવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા-કિશ્તવાડ ક્ષેત્રના ચતરૂ જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ જોઈન્ટ સર્ચ દરમિયાન ગોળીબાર કર્યો ત્યારે આ કાર્યવાહી શરૂ થઈ. આ ઘટનાને કારણે ભારે અથડામણ શરૂ થઈ. સ્ટેટ પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને ભારતીય સેનાના વિશેષ દળોના સંયુક્ત દળ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. તેમાંથી એક સૈફુલ્લાહ હતો, જે જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર હતો. તે છેલ્લા બે વર્ષથી ફરાર હતો અને ઓછામાં ઓછા 20 વખત ધરપકડથી બચી ગયો હતો. ઓપરેશન દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી સેનાએ બે AK-47 રાઈફલ, દારૂગોળો અને અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી. ભારતીય સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સે X પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “JK પોલીસ, IB (ઇન્ટેલિજન્સ બ્યુરો) અને અમારા પોતાના ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલી વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે આ વિસ્તારમાં સક્રિય આતંકવાદીઓને શોધી કાઢવા અને તેનો નાશ કરવા માટે ઓપરેશન ત્રશી-I હેઠળ કિશ્તવાડ વિસ્તારમાં ટાર્ગેટેડ જોઈન્ટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.” એક અલગ X પોસ્ટમાં વ્હાઇટ નાઈટ કોર્પ્સે કહ્યું: “કિશ્તવાડમાં ત્રશી-I હેઠળ ચાલી રહેલા ઓપરેશનમાં CIF (D) વ્હાઇટ નાઈટ કોર્પ્સના સૈનિકોએ JK પોલીસ અને CRPF સાથે ત્રણ આતંકીને ઠાર માર્યા છે. આતંકવાદીની વસ્તુઓ અને હથિયાર મળી આવ્યા છે.” અગાઉના ઓપરેશનમાં આર્મી ડોગે મહત્વની ભૂમિકા ભજવી હતી ઓક્ટોબર 2024માં જમ્મુ અને કાશ્મીરના અખનૂરના સુંદરબની સેક્ટરમાં સમાન ઓપરેશન દરમિયાન ભારતીય સેનાના ડોગ ફેન્ટમે પોતાનો જીવ ગુમાવ્યો હતો. 25 મે, 2020 ના રોજ જન્મેલો ફેન્ટમ K9 યુનિટનો એસોલ્ટ ડોગ હતો. જે આતંકવાદ વિરોધી કામગીરીમાં રોકાયેલ એક વિશિષ્ટ કેનાઇન યુનિટ હતો. તેને મેરઠમાં રિમાઉન્ટ વેટરનરી કોર્પ્સમાંથી રિલિઝ કરવામાં આવ્યો હતો અને 12 ઓગસ્ટ, 2022 ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. જમ્મુ ક્ષેત્રના અખનૂર સેક્ટરમાં એક એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદીઓએ ગોળી મારતાં તેનું મૃત્યુ થયું. ભારતીય સેનાનો એક ચુનંદા એસોલ્ટ ડોગ એક્સેલ જુલાઈ 2022માં કાર્યવાહીમાં માર્યો ગયો હતો. 29 રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટ સાથે આતંકવાદ વિરોધી કામગીરી દરમિયાન બારામુલ્લામાં ગોળીબાર દરમિયાન આ જર્મન શેફર્ડ ડોગને ગોળી વાગી હતી. ગોળી વાગતા પહેલા એક્સેલે નજીકની મસ્જિદમાં છુપાયેલા આતંકવાદીનું ઠેકાણું શોધી કાઢ્યું હતું. 26 જૂન, 2020ના રોજ જન્મેલો આ ડોગ ડિસેમ્બર 2021માં ભારતીય સેનાના 26મા આર્મી ડોગ યુનિટમાં જોડાયો હતો. તેને હથિયાર જોતાં જ દુશ્મન પર હુમલો કરવા અને તેને બેઅસર કરવાની તાલીમ આપવામાં આવી હતી. તેને માઉન્ટેડ કેમેરાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ઓક્ટોબર 2022માં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં બે વાર ગોળી વાગ્યા પછી પણ ઝૂમ નામના લશ્કરી ડોગે લડવાનું ચાલુ રાખ્યું હતું, તેની સ્ટોરી વાયરલ થઈ હતી. બે વર્ષના બેલ્જિયન શેફર્ડ ડોગનું તેના ઘાવની સર્જરી કરાવ્યા બાદ મૃત્યુ થયું હતું. ઓગસ્ટ 2015માં ભારતીય સેનાના ટ્રેકર ડોગ યુનિટની સભ્ય અને ચાર વર્ષની લેબ્રાડોર રીટ્રીવર માનસીએ પણ ટાયસનની જેમ પહાડી વિસ્તારમાંથી આતંકવાદીઓને શોધી કાઢ્યા હતા. ઘૂસણખોર આતંકવાદીઓ તેના હેન્ડલર સાથે પ્રવેશ્યા હતા. તેઓ ગાઢ જંગલોમાં છુપાયા હતા જ્યાં માનસી પણ હાજર હતી. PoK બોર્ડર પર હલન-ચલન થતાં માનસી જોરજોરથી ભસવા લાગી અને ભારતીય સેનાને અલર્ટ કરી રહી હતી. આતંકીઓ ડોગ પર ગુસ્સે ભરાયા ને તેના પર ગોળીબાર કર્યો. જોકે માનસી જે દિશામાંથી ભસતી હતી તે દિશામાંથી ફાયરિંગનો અવાજ આવ્યો. આપણી ફોજના જવાનો એ દિશામાં પહોંચ્યા ને આતંકીઓને ઠાર કર્યા. માનસીને મરણોત્તર સન્માન અપાયું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *