સુરત: રસ્તાની સાઈડમાં ઊભેલા યુવકને ઇકો કારે ટક્કર મારી, હાથ અને પગમાં ફ્રેક્ચર, ઘટનાને લઈ ગામમાં રોષનો માહોલ-eco car driver hit a young man standing on the side of the road causing fractures in his arms and legs In Mora village of Surat | સુરત
Last Updated:
સુરતમાં મોરા ગ્રામ પંચાયત પર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઇકો કાર ચાલકે રસ્તાની સાઈડમાં ઊભેલા યુવકને અડફેટે લીધો જેના કારણે યુવકના હાથે અને પગે ફ્રેક્ચર થયું છે. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષનો માહોલ ફેલાયો છે.
સુરત: મોરા ગામ પંચાયત રોડ પર રોજબરોજ બેફામ દોડતા પેસેન્જર વાહનો સામે ગામલોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઓટો રિક્ષા, પ્રાઇવેટ પાર્સિંગ ઇકો ગાડીઓ, ટેમ્પો અને ખુલ્લી જીપ જેવા પેસેન્જર વાહનો દ્વારા ગામના મુખ્ય રસ્તાનો બેધડક ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે અકસ્માતોની ભીતિ વચ્ચે ગઈકાલે એક ગંભીર ઘટના બની હતી.
ગામના ગ્રામ પંચાયત રોડ પર ચાલતા એક યુવાનને બેફામ ગતિએ દોડતી ઇકો કારના ડ્રાઇવરે ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવાન રસ્તા પર ફેંકાઈ ગયો અને તેના હાથ તથા પગમાં ફ્રેક્ચર થયાનું જાણવા મળ્યું છે. હાલ ઇજાગ્રસ્ત યુવાન સારવાર હેઠળ છે. ગામલોકોના જણાવ્યા મુજબ સવારે 7:00 થી 9:00 અને સાંજે 6:00 થી 9:00 દરમિયાન આ પેસેન્જર કારો મોટી સંખ્યામાં ગામના રસ્તે અવરજવર કરે છે.
સાંજના સમયે ટ્યુશન માટે જતા વિદ્યાર્થીઓ સાયકલ પર જતા હોય છે, મહિલાઓ શાકભાજી અને ઘરગથ્થુ સામાન લેવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. આવા સમયે બેફામ દોડતા વાહનોના કારણે ગ્રામજનોમાં ભય અને ત્રાસ ફેલાયો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ઇકો ગાડીઓ પ્રાઇવેટ પાર્સિંગ હોવા છતાં પોલીસની નજરથી બચવા માટે ગામની અંદરના રસ્તાઓનો ઉપયોગ કરે છે. જેના કારણે ગામની વસ્તી વચ્ચે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે.
આ બનાવ પહેલા જ ગામના આગેવાનો, ગ્રામ પંચાયતની બોડી તેમજ સરપંચ દ્વારા ગામલોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ બે દિવસ પહેલા પંચાયત કાર્યાલય પાસે ઊભા રહી આવા પેસેન્જર વાહનોને અટકાવવામાં આવ્યા હતા. ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી હતી કે ગામના મુખ્ય રસ્તે બેફામ ગતિએ પેસેન્જર વાહનો દોડાવવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે. તેમ છતાં, કાર્યવાહી બાદ પણ કેટલાક વાહનચાલકો દ્વારા નિયમોની અવગણના કરવામાં આવી રહી હોવાના આક્ષેપો ઊઠી રહ્યા છે.
મોરા ગામ પંચાયત રોડ પર પેસેન્જર વાહનોની અવરજવર પર સમયબદ્ધ પ્રતિબંધ, સ્પીડ બ્રેકર અને ચેતવણી બોર્ડ લગાવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ પણ કરવામાં આવી છે. ગામના આગેવાનોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો મોટા અકસ્માતો સર્જાઈ શકે છે. હાલ ગ્રામજનો સુરક્ષાની માંગ સાથે એકજૂટ થયા છે અને જવાબદાર તંત્ર પાસે કડક કાર્યવાહી કરવાની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. મોરા ગામમાં બનેલી આ ઘટના બાદ ફરી એકવાર પ્રશ્ન ઊભો થયો છે કે ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ દોડતા પેસેન્જર વાહનો સામે કડક કાયદેસર કાર્યવાહી ક્યારે થશે?
Feb 23, 2026 10:08 PM IST
સુરત: રસ્તાની સાઈડમાં ઊભેલા યુવકને ઇકો કારે ટક્કર મારી, હાથ અને પગમાં ફ્રેક્ચર, ઘટનાને લઈ ગામમાં રોષનો માહોલ
