ખેડા રાજકારણમાં ભારતસિંહ પરમારનું કોંગ્રેસમાં વાપસી, સ્થાનિક ગરમાવો | ખેડા


Last Updated:

ભારતસિંહ પરમારે અમદાવાદ ખાતે કોંગ્રેસના ટોચના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

ભારતસિંહ પરમારે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.
ભારતસિંહ પરમારે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.

ખેડા: રાજકારણમાં ક્યારે કયો નેતા કયો ખેસ પહેરી લે અને કઈ વિચારધારા અપનાવી લે, તે કહેવું સામાન્ય જનતા માટે ઘણું મુશ્કેલ છે. ચૂંટણીની મોસમ હોય કે સત્તાની ખેંચતાણ, નેતાઓની વફાદારી જાણે ઋતુઓની જેમ બદલાતી રહે છે. આવું જ એક ઉત્તમ ઉદાહરણ ખેડા જિલ્લાના રાજકારણમાં જોવા મળ્યું છે. મહુધા વિધાનસભાના જાણીતા નેતા ભારતસિંહ પરમારે ભાજપ સાથે છેડો ફાડીને ફરી એકવાર પોતાના જૂના ઘરે પરત ફરવાનો નિર્ણય લીધો છે. તેમણે અમદાવાદ ખાતે જઈને પુનઃ કોંગ્રેસનો ‘હાથ’ પકડી લેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભારતસિંહ પરમારે અમદાવાદ ખાતે કોંગ્રેસના ટોચના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસમાં જોડાયા બાદ તરત જ તેઓ નડિયાદ આવ્યા હતા અને અહીં કોંગ્રેસના પીઢ અને દિગ્ગજ નેતા દિનશા પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી. સત્તા અને પદ વગર અકળાયેલા નેતાજીને આખરે પોતાનું જૂનું ઘર જ યાદ આવ્યું છે.

ભારતસિંહ પરમારની રાજકીય સફર પક્ષપલટાના કેટલાક રસપ્રદ વળાંકોથી ભરેલી રહી છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં તેઓ ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેવી ખૂબ જ મહત્વની અને જવાબદાર પોસ્ટ પર કાર્યરત હતા. પરંતુ, તે સમયે ટિકિટ અને સત્તાની લાલચમાં તેમણે અચાનક કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો અને ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપે તેમને વધાવી લીધા અને મહુધા વિધાનસભા બેઠક પરથી ટિકિટ પણ આપી, પરંતુ પક્ષપલટુ નેતાઓને જનતા બરાબર ઓળખે છે. મહુધાના મતદાતાઓએ તેમને જાકારો આપ્યો અને ચૂંટણીમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભાજપમાં ગયા પછી પણ નેતાજી માટે બધું સમુંસૂતરું નહોતું ચાલ્યું. સત્તાધારી પક્ષમાં હોવા છતાં, થોડા સમય પહેલા યોજાયેલી ખેડા જિલ્લાની જીવાદોરી સમાન ‘અમૂલ ડેરી’ની ચૂંટણીમાં તેમણે પક્ષના મેન્ડેટ સામે જ ખુલ્લો બળવો પોકાર્યો હતો. આખરે, ભાજપમાં સાઈડલાઈન થઈ જતા તેમણે ફરી એકવાર પક્ષ બદલવાનું જ મુનાસિબ માન્યું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *