ONGC પાઈપલાઈન લીકેજથી કનોડા ગામના ખેતરમાં ઓઈલ ફેલાતા ઘંઉના પાકમાં નુકસાન | મહેસાણા
Last Updated:
બહુચરાજીના કનોડા ગામે ખેડૂતના ઘઉંના ખેતરમાં ઓઇલ ફરી વળ્યું છે. કનોડા ગામના સુષ્માબેન પટેલના ખેતરમાં ઓઇલ ફરી વળતા ઘઉંના પાકમાં નુકસાન થયું છે.
મહેસાણા: આ વખતે હવામાનમાં વારંવાર પલટાને કારણે ગુજરાતના ખેડૂતો પહેલાથી જ પરેશાન છે. ત્યારે મહેસાણાના કનોડા ગામના એક ખેતરમાં ઓએનજીસીની પાઇપલાઇન લીકેજ થતા આખા ખેતરમાં ઓઇલ ફરી વળ્યું છે. ઓએનજીસીની બેદરકારીને કારણે હાલ ખેડૂતનો તૈયાર પાક બરબાદ થયો છે. ત્યારે આ ખેતરના ખેડૂત ઓએનજીસી આ અંગે તેમને વળતર આપે તેવી માગ કરી રહ્યા છે.
ONGCની બેદરકારીને કારણે પાઇપ લાઇન લીકેજ થતા ખેડૂતના ખેતરમાં ઓઇલ ફરી વળ્યું છે. બહુચરાજીના કનોડા ગામે ખેડૂતના ઘઉંના ખેતરમાં ઓઇલ ફરી વળ્યું છે. કનોડા ગામના સુષ્માબેન પટેલના ખેતરમાં ઓઇલ ફરી વળતા ઘઉંના પાકમાં નુકસાન થયું છે. ખેતરના સર્વે નંબર 359માંથી ONGCની પાઇપ લાઇન પસાર થાય છે. જેમાં પાઇપ લાઇન લીકેજ થવાના કારણે ક્રૂડ ઓઇલ ખેતરમાં ફરી વળ્યું છે. આ બેદરકારીને કારણે ખેડૂતનો તૈયાર પાક બરબાદ થઈ ગયો છે.

ખેડૂતોના માનવા પ્રમાણે, ખેતરમાં ઓઇલ ફરી વળવાને કારણે આગામી ચારથી પાંચ વર્ષ સુધી આ ખેતરમાં કોઈ પાક નહીં થાય કે જો પાક થશે તો નહીંવત્ થશે. જેના કારણે હવે આ વર્ષ જ નહીં પરંતુ આગામી ચારેક વર્ષ હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે. ઓઇલ ખેતરમાં ફેલાવવાને કારણે આગામી સમયમાં એટલે ચારથી પાંચ વર્ષની ઉપજ પર અસર થાય છે. જેના કારણે તેઓની ખેતી બરબાદ થઈ ગઈ હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે આ સમયે તેમને આશા છે કે, ઓએનજીસીના અધિકારીઓ અહીં આવીને આ ખેતરની હાલત જુએ અને તેમને યોગ્ય સહાય કરે.
તો બીજી બાજુ સ્થાનિક તંત્ર કે ઓએનજીસી તરફથી આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી. ઓએનજીસીના અધિકારીઓએ અહીં મુલાકાત લીધી છે. જોકે, હવે આ ખેડૂતને સહાય કે ન્યાય મળશે કે નહીં તે અંગે તો આગામી સમયમાં જ ખબર પડી શકે છે.
Mahesana,Gujarat
Feb 24, 2026 10:55 AM IST
