રહસ્યમયી નોર્થ કોરિયાની ‘ફૂટબોલ ડિપ્લોમેસી’:16 વર્ષ પછી એશિયન મંચ પર પરત ફરી રહી છે મહિલા ટીમ, ઓસ્ટ્રેલિયામાં રમશે




દુનિયાના સૌથી રહસ્યમયી દેશોમાં ગણાતું નોર્થ કોરિયા ફરી એકવાર ચર્ચામાં છે. 1 માર્ચથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થઈ રહેલા વુમન્સ એશિયન કપમાં નોર્થ કોરિયાની મહિલા ફૂટબોલ ટીમ ભાગ લેવા જઈ રહી છે. લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાંથી લગભગ ગાયબ રહ્યાના 16 વર્ષ પછી વર્લ્ડ નંબર-9 ટીમ ટુર્નામેન્ટમાં ઉતરી રહી છે. નોર્થ કોરિયાના મહિલા ફૂટબોલની કહાની 1986માં શરૂ થઈ હતી. કહેવાય છે કે જ્યારે ફીફા કોંગ્રેસમાં મહિલાઓ માટે વર્લ્ડ કપની માગ ઉઠી, ત્યારે નોર્થ કોરિયન પ્રતિનિધિઓએ તેને પોતાની ઘટતી રાજકીય શાખ બચાવવાની એક તક તરીકે જોયું. નોર્થ કોરિયાએ એક સુવિચારિત રણનીતિ હેઠળ મહિલાઓની રમતમાં ભારે રોકાણ કર્યું. શાળાના અભ્યાસક્રમમાં ફૂટબોલ કાર્યક્રમો ઉમેરવામાં આવ્યા, સેનામાં મહિલા ટીમો બનાવવામાં આવી અને દેશભરમાં ફૂટબોલ સંબંધિત સુવિધાઓ તૈયાર કરવામાં આવી. તત્કાલીન નેતા કિમ જોંગ-ઇલ (ફૂટબોલ પ્રેમી)એ મહિલા ફૂટબોલને ‘પોલિટિકલ પ્રોપેગેન્ડા’નું માધ્યમ બનાવ્યું. 2010 સુધીમાં નોર્થ કોરિયા એશિયાની સૌથી મજબૂત ટીમમાંની એક હતી. 2011માં ટીમની ગતિ પર ત્યારે બ્રેક લાગી ગઈ, જ્યારે વર્લ્ડ કપ દરમિયાન પાંચ ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહી. ત્યારે નોર્થ કોરિયાએ વિચિત્ર દલીલ આપી હતી. તેમણે કહ્યું કે ખેલાડીઓ પર વીજળી પડી હતી, જેની સારવાર માટે તેમને ‘કસ્તુરી મૃગ’ની ગ્રંથીઓમાંથી બનેલી પ્રાકૃતિક દવા આપવામાં આવી હતી. FIFAએ આ દલીલને ફગાવી દઈને ટીમ પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો. ત્યારબાદ આર્થિક પ્રતિબંધો, રાજકીય અલગતા અને કોરોનાને કારણે ટીમ ગાયબ રહી. જોકે, બેકગ્રાઉન્ડમાં કામ ચાલુ રહ્યું. 2013માં ‘પ્યોંગયાંગ ઇન્ટરનેશનલ ફૂટબોલ સ્કૂલ’ ખોલવામાં આવી. નોર્થ કોરિયાની અંડર-17 અને અંડર-20 ટીમ વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન છે. યુવાનોના સ્તરે નોર્થ કોરિયા પાસે રેકોર્ડ 14 ખિતાબ છે. મહિલા એશિયન કપમાં તેની વાપસી મહત્વની છે. નોર્થ કોરિયાનો શરૂઆતનો મેચ ઉઝબેકિસ્તાન સામે છે. જોવું રસપ્રદ રહેશે કે યુવા સ્તરની સફળતા સિનિયર મંચ પર કેટલી પ્રભાવી સાબિત થાય છે. સફળ ખેલાડીઓ ‘નેશનલ હીરો’ હતી, ઇનામમાં ઘર આપવામાં આવતા હતા નોર્થ કોરિયાએ 2001 થી 2008ની વચ્ચે ત્રણ એશિયન કપ ખિતાબ જીત્યા. પ્યોંગયાંગના 1.5 લાખની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં મહિલા ફૂટબોલ મેચ જોવા ભીડ ઉમટી પડતી હતી. સફળ ખેલાડીઓને ‘નેશનલ હીરો’ માનવામાં આવતા. ખેલાડીઓને સફળતાના બદલામાં એપાર્ટમેન્ટ અને રાજધાનીમાં રહેવાની તક મળતી હતી, જ્યાં જીવનધોરણ ગ્રામીણ વિસ્તારો કરતાં વધુ સારું માનવામાં આવે છે. સરકારે ટપાલ ટિકિટો, પોસ્ટરો અને ટીવી ધારાવાહિકોથી મહિલા ફૂટબોલને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે રજૂ કર્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *