વીજપોલથી ધોળકા-બાવળા-સાણંદના ખેડૂતોને જમીન અને પાકનું નુકસાન | અમદાવાદ
Last Updated:
ધોળકા, બાવળા, સાણંદના ખેડૂતો વીજ પોલના કારણે જમીન અને નીલગીરી પાક નષ્ટ થવાથી રોષે ભરાયા છે, વળતર અને સરકારી નોકરીની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી.
અમદાવાદ: રાજ્યભરમાં લોકોને પૂરતી વીજળી મળી રહે તે માટેના પૂરતા પ્રયાસ થઈ રહ્યા છે. તેના ભાગરૂપે વીજળીનું નેટવર્ક સ્ટ્રોંગ કરવામાં આવી રહ્યું છે. વીજળીનું નેટવર્ક સ્ટ્રોંગ થવાના કારણે ખેડૂતોની જમીનમાં કપાત આવી રહ્યું છે. કેમકે જ્યાં જ્યાં વીજ પોલ નાંખવામાં આવ્યા તેવા સ્થળોએ ખેડૂતોની જમીન પ્રભાવિત થઈ રહી છે. જમીનમાં નાખવામાં આવેલા વીજ પોલને કારણે ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોનું કહેવું છે કે, કોઈપણ પ્રકારની નોટિસ વિના કે ખેડૂતોની જાણકારી વિના અમારી જમીનમાં વીજ પોલ ઊભા કરી દીધા છે.
જેમાં ધોળકા, બાવળા અને સાણંદ તાલુકાના ખેડૂતો વીજ પોલનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, અમારા ખેતરની ચારે તરફ 72થી 74 મીટરની હાઈટ વાળા 765 કેવી હાઈ ટેન્શનના થાંભલા નાંખી દીધા છે. જેમાં હાલ 36 કેબલ વાયરો પસાર થઈ રહ્યા છે. આ વાયરો નાંખ્યા તેનું આજ દિવસ સુધી અમને કોઈપણ પ્રકારનું વળતર વીજ કંપનીઓ દ્વારા મળ્યું નથી. શરૂ થાય તે પૂર્વે ખેડૂતોને પૂછવામાં આવે પરંતુ ખેડૂતોને પૂછવા સુધ્ધા કોઈ વીજ કંપની આવી નથી. ઉલટાનું વીજ પોલ નાખવામાં અમારા ખેતરમાં ઊભા પાકને પણ નષ્ટ કરી નાખ્યો છે. તેનું પણ વળતર ખેડૂતોને મળ્યું નથી, પેઢી દર પેઢી મળી રહે તેવી નીલગીરીની ખેતી કરી હતી. જેને નષ્ટ કરવાના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન આવ્યું છે.

આમ તો ધોળકા તાલુકાના અનેક ખેડૂતોને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે ઘઉં ડાંગરનો જો પાક નષ્ટ કરીને વીજ પોલ નાખ્યા હોય તો એટલું નુકસાન ખેડૂતોને આવતી નહીં. પરંતુ જે ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં નીલગીરીનું વાવેતર કર્યું છે અને 35 વર્ષ સુધીની સમૃદ્ધ ખેતી કરવાના સ્વપ્ન જોયા તેવા ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાંખવા માટે નીલગીરીના ત્રણ વર્ષના ઉછેર કરેલા છોડનું નિકંદન કરી નાખ્યું છે. જેના કારણે ખેડૂતોને જાણે દશા બેઠી હોય તેવું બન્યું છે. કારણ કે આખા પટ્ટામાં જ્યાં હાઈ ટેન્શન વાયર પસાર થતા અંદાજે આખા હાઈ ટેન્શન વાયરો નાંખ્યા તે રૂટમાં અંદાજે 100 જેટલા ખેડૂતોને નુકસાન આવ્યું છે. પ્રત્યેક ખેડૂતોના ખેતરમાં વીજ પોલના રૂટના અંદાજે 30થી 35 હજાર જેટલા નીલગીરીના રોપા જે ત્રણ વર્ષથી ઊભા હતા તેને નષ્ટ કરી દેવામાં આવે છે. તેનું એક પણ રૂપિયાનું વળતર ચૂકવણું થયું નથી.
નુકસાન અંગે ખેડૂતોનું કહેવું છે કે, અમારા ખેતરની અંદર હાઈ ટેન્શન વાયર પસાર થાય છે. તેમાંથી અમને જો પૂરતું વળતર મળે તો સારું કહેવાય. કેમકે હાલ અમારા જમીનના વીઘાના ભાવ એક કરોડથી માંડીને બે કરોડ રૂપિયા સુધીના આંકવામાં આવી રહ્યા છે. પરંતુ વચ્ચેથી વીજ પોલ નીકળવાના કારણે અમારી જમીન પણ ઓછી થઈ ગઈ અને ભાવ પણ ના મળે અને ખેતી માટે જમીન પણ ઓછી થઈ ગઈ અને પાછા વીજ પોલ માટે વીજ કંપનીઓએ ધાકધમકી કરીને અમારી જમીનમાં વીજપોલ નાખી દીધા. હાલ તો ખેડૂતો જ્યારે જેમના ખેતરમાં વીજ પોલ લગાવ્યા છે અને તેમાં વળતર અંગેની માંગ કરવા તો ધક્કા ખાવાની નોબત આવી રહી છે. એક તો જમીન પણ ગઈ અને તેનું વળતર પણ મળતું નથી તેવું ખેડૂતોની સ્થિતિનું નિર્માણ વીજ પોલના કારણે સર્જાઈ રહી છે.

જે જમીન પરથી હાઈ ટેન્શન વાયરો દોડી રહ્યા છે. તેમાં અવાજ આવે છે. અને વીજ કરંટ પણ મેઘા વોટમાં દોડી રહ્યો છે. જેથી હવે ખેતી કામ કરવામાં પણ ખેડૂતોને ડર સતાવી રહ્યો છે. હાઈ ટેન્શન વાયર નીચે કામ કરતા કરતા ખેડૂતો જણાવે છે કે, ભવિષ્યમાં કોઈ ખેડૂતો વાયરો નીચે કામ કરે અને તેમાં કરંટ લાગે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો પણ કરી રહ્યા છે.
વીજપોલ જેના જેના ખેતરમાં પસાર થયા છે એમાં અનેક નાના ખેડૂતોનો પણ સમાવેશ થઈ રહ્યો છે કે જેમની પાસે અંદાજે પાંચથી છ વીઘા જેટલી જમીન ભાગમાં આવી હોય અને તેમાં પણ વીજપોલ આવવાના કારણે જાણે અડધી જમીન જતી રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે કે જાણે વીજ પોલમાં નાખતા જાણે જમીન કપાઈ ગઈ તેવી સ્થિતિ ખેડૂતોની થઈ છે. હવે જાણે જમીન સાવ જતી રહી હોય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. હવે નાના ખેડૂતોની જમીન આપવા છતાં તેની નુકસાની તો ગણાતી નથી અને જમીનનું પણ વળતર પૂરતું મળતું નથી. આજીવન ખેતી કરવાની જમીન જોઈએ તો કરોડોનું નુકસાન ખેડૂતોનું કહેવાય તેવું ખેડૂતો કહી રહ્યા છે.
ખેતરોમાં વીજપોલ ઊભા થવાથી ખેડૂતોની અનેક વીઘા જમીન ઉપયોગ બહાર થઈ જાય છે. પાકની ખેતીમાં અડચણ, જમીનની કિંમતમાં ઘટાડો અને લાંબા ગાળે આવક પર સીધી અસર પડે છે. છતાં ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી. જે અંગે ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાએ ખેડૂતો સાથે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરીને પ્રત્યેક ખેડૂતને રૂ. 50,000 વાર્ષિક ભાડું આપવામાં આવે. અથવા વીજ વાયર પસાર થવાના બદલે રૂ. 1 કરોડનું વળતર ચૂકવવામાં આવે. તેમજ અસરગ્રસ્ત ખેડૂતના એક કુટુંબજનને સરકારી નોકરી આપવામાં આવે. તેની માંગ કરી છે. આમ તો વિકાસના નામે ખેડૂતો પર ભાર ન પડે તે જરૂરી છે. ત્યારે ખેડૂતોના વળતર બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી અંગે આશ્વાસન રજૂઆત બાદ મળ્યું હોવાની જાણવા મળી રહ્યું છે. ત્યારે હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તે તરફ સમગ્ર ખેડૂત વર્ગની નજર મંડાઈ છે.
Ahmedabad,Gujarat
