અમદાવાદમાં યુવાનોમાં ગાબાપેન્ટિન દવાનો વધતો દુરુપયોગ ડોક્ટરની સલાહ | અમદાવાદ


Last Updated:

10 રૂપિયામાં મળતી કમરમાં દુખાવાની દવા હવે નશા માટે ઉપયોગમાં લેવાતી હોય તેવું સામે આવ્યું છે. અમદાવાદના યુવાનો આ રવાડે ચઢી રહ્યા હોય તેવી આઘાતજનક માહિતી સામે આવી છે.

કોઈપણ દવા ડોક્ટરની સલાહ વગર લેવી જોઈએ નહીં.
કોઈપણ દવા ડોક્ટરની સલાહ વગર લેવી જોઈએ નહીં.

અમદાવાદ: શહેરમાં પરિવારો માટે લાલબત્તી સમાન ટ્રેન્ડ સામે આવ્યો છે. 10 રૂપિયામાં મળતી કમરમાં દુખાવાની દવા હવે નશા માટે ઉપયોગમાં લેવાતી હોય તેવું સામે આવ્યું છે. શહેરના યુવાનો આ રવાડે ચઢી રહ્યા હોય તેવી આઘાતજનક માહિતી સામે આવી છે. ગાબાપેન્ટિન નામની દવાનો દુરુપયોગનો ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો છે. ગાબાપેન્ટિન પરંપરાગત રીતે નાર્કોટિક્સ શિડ્યૂલમાં સામેલ દવા નથી જેથી તે સરળતાથી મેડિકલ સ્ટોરમાં મળી જાય છે. જેના કારણે યુવાનો ઠંડા પીણામાં આ દવાના વિવિધ ડોઝ નાંખીને પીવાનો ટ્રેન્ડ સામે આવ્યો છે. જોકે, નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, તેનો દુરુપયોગ સ્વાસ્થ્ય જોખમ ઊભું કરી શકે છે. કોઈપણ દવા ડોક્ટરની સલાહ વગર લેવી જોઈએ નહીં.

આના ઓવરડોઝથી મોતનું સંકટ?

કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ, જસુ પટેલે આ અંગે જણાવે છે કે, ગાબાપેન્ટિન સામાન્ય રીતે નસ દબાય ત્યારે થતી પીડા, ન્યૂરોપેથિક પેઇન, સાયટિકા, લાંબા સમયથી ચાલતા કમરના દુખાવા માટે આપવામાં આવે છે. ડોક્ટર દર્દીને ખાસ સૂચના આપે છે કે, આ દવા રાત્રે સૂતા પહેલા લેવી અને સવારમાં ઊઠતાં પહેલાં થોડી મિનિટ પથારીમાં બેસી રહેવું. કારણ કે, આનાથી ચક્કર, સંતુલન ગુમાવવાની શક્યતા રહે છે. જ્યારે બીજી તરફ નશા માટે કોલ્ડ ડ્રિંકમાં આ ગોળી નાંખીને પીવાનો ખતરનાક ટ્રેન્ડ સામે આવ્યો છે. કેટલાક યુવાનો 75mg થી 200mg ગોળીઓ ઠંડા પીણામાં ભેળવીને લેતા હોવાનું સામે આવ્યું છે. જ્યાં દર્દીને 75mg થી જ ચક્કર આવી શકે ત્યાં 300–400mg અથવા વધુ ડોઝ લેવાથી ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. આ સામાન્ય રીતે મેડિકલ સ્ટોરમાં મળી રહી છે. સસ્તી દવાનો નસ દબાવવાની પીડાથી મુક્ત થવા કરતા નશા માટે વધુ ઉપયોગ થઈ રહ્યો છે. આ સરળતાથી મળી જાય છે અને તેનો નશો પણ જલ્દી થઈ જાય છે. આના ઓવરડોઝથી મોત પણ થતું હોય છે.

“આદત પડી શકે છે”

અસારવા સિવિલના સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ વિભાગના વડા, ડૉ. પિયુષ મિતલે જણાવ્યું કે, આનાથી નસના દુખાવામાં રાહત મળે છે. પરંતુ જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તેનાથી ઊંઘ આવી શકે આ સાથે તમે ઘેનમાં હોવ તેવું અનુભવી શકો છો. જેથી તેનો પ્રિસ્ક્રાઇબ્ડ ડોઝ જ લેવો. વધુ લેવામાં આવે તો તમને તેની આદત પડી શકે છે.

આ પણ વાંચો: સુરતમાંથી 329 કિલો નકલી પનીર મળ્યું, આરોપી એક કિલો પનીર 220 રૂપિયા વેચતો હતો

સામાન્ય જાણકારી પ્રમાણે, ગાબાપેન્ટિન દવા ચેતા કોષોની કેલ્શિયમ ચેનલ પ્રવૃત્તિને સમાયોજિત કરીને અને મગજમાં અસામાન્ય ઉત્તેજના ઘટાડીને પીડા અને આંચકીમાં રાહત આપે છે. તેની સામાન્ય આડઅસરોમાં ચક્કર આવવા, ઊંઘ આવવી, થાક, અને ક્યારેક શરીરના ભાગોમાં સોજા આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ડોક્ટરની સલાહ મુજબ જ આ દવા લેવી જોઈએ. અચાનક દવા બંધ કરવાથી આંચકી વધી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *