છ વર્ષમાં રૂ. 92 લાખ પગાર! સુરત બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં આરોપી મહિલામિત્રના પરિવારની પણ શંકાસ્પદ ભૂમિકા?- Suspicious role of accused female friend Poonam Bhadorias family in Surat builder Tushar Ghelani case | સુરત
વિગતે વાત કરીએ તો, 1લી ફેબ્રુઆરી 2026ના રોજ સુરતના ઉમરા વિસ્તારમાં રહેલા બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાની પાસે રહેલી લાઇસન્સવાળી રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારી દીધી હતી, જે બાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં 5મી ફેબ્રુઆરીના રોજ ફરજ પરના ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. બાદમાં આ સમગ્ર મામલે મૃતક બિલ્ડર તુષાર ઘેલાણીની દીકરી તનવીએ 12મી ફેબ્રુઆરીએ પૂનમ ભદોરીયા નામની તુષાર ઘેલાણીની મહિલામિત્ર પર ગંભીર આરોપો લગાવી FIR નોંધાવી હતી.
તુષાર ઘેલાણીની દીકરી તનવીએ 12 ફેબ્રુઆરીએ નોંધાવેલી ફરિયાદમાં તેણીએ લખાવ્યું હતું કે, ‘પિતા તુષાર ઘેલાણી અને આરોપી પૂનમ ભદોરીયા વચ્ચે એક સ્કૂલની ભાગીદારી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી આ પુનમ ભદોરીયા, બિલ્ડર તુષાર ઘેલાણી પર માનસિક દબાણ અને હેરાનગતિ કરતી હતી. આ માનસિક તણાવ અને આર્થિક દબાણને કારણે તેઓ અત્યંત પરેશાન હતા. બનાવ સમયના થોડા દિવસ બાદ બિલ્ડર તુષાર ઘેલાણીના ઘરે લગ્ન પ્રસંગ હતો અને આ લગ્નપ્રસંગમાં પૂનમ આવીને હોબાળો મચાવશે, તેવી ધમકીઓ મળતા જ બિલ્ડર તુષારભાઈએ રિવોલ્વરથી આ આત્મઘાતી પગલું ભર્યું છે,’ ત્યારે દીકરી તનવીની આ ફરિયાદ મળતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી.
આરોપી પૂનમ કોણ? બાદમાં સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, બિલ્ડર તુષાર ઘેલાણી અને આરોપી પૂનમ બંનેની મુલાકાત આજથી સોળેક વર્ષ પહેલા વર્ષ 2010માં થઈ હતી. તે સમયે તેણે બિલ્ડર તુષાર ઘેલાણીની ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે જોડાઈ હતી અને બાદમાં બંને અલગ થયા હતા, જોકે વર્ષ બાદમાં 2012-13માં બંને ફરીથી મળ્યા અને બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. બાદમાં આરોપી પૂનમે એક ‘બચપન સ્કૂલ’ની ફ્રેન્ચાઇઝી લીધેલી હતી અને આ બચપન સ્કૂલ આરોપી પૂનમ ભદોરીયાએ મૃતક તુષાર ઘેલાણી સાથે 50 ટકા પાર્ટનરશિપમાં તુષાર ઘેલાણીની માલિકીની એક બિલ્ડિંગમાં શરૂ કરી હતી અને આગળ વધતા તેણીએ (પૂનમે) બ્લૂ પેપિલોન સ્કૂલ શરૂ કરી હતી.
હવે આજે(25મી ફેબ્રુઆરીએ) પોલીસે આપેલી માહિતી અનુસાર, આ સમગ્ર કેસની હાલની તપાસમાં મૃતક તુષાર ઘેલાણીની અને આરોપી પૂનમ ભદોરીયાની ભાગીદારીમાં જે સ્કૂલ ચાલતી હતી, તે સ્કૂલના સંચાલકમાં મોટી ગળબળી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાઈ રહ્યું છે. પોલીસ તપાસ દરમ્યાન સામે આવ્યું છે કે, પૂનમ ભદોરીયા શાળાની ભાગીદારી અંગે કોઈ સત્તાવાર ડીડ અથવા દસ્તાવેજ રજૂ કરી શકી નથી. છતાં તેના બેન્ક એકાઉન્ટમાં સ્કૂલ સાથે જોડાયેલા લાખો રુપિયાના શંકાસ્પદ આર્થિક વ્યવહાર મળી આવ્યા છે.
આ મામલે એસીપી દેસાઈના જણાવ્યા મુજબ, સ્કૂલ સંચાલનમાં આર્થિક વહિવટ બાબતે CA મારફતે છેલ્લા કેટલાય વર્ષોના આર્થિક વ્યવહારોની છાનબીન કરવામાં આવી છે. જેમાં બહાર આવ્યું કે, આરોપી પૂનમ ભદોરીયાએ છેલ્લા છ વર્ષમાં અંદાજે રૂ. 92 લાખ પગાર તરીકે મેળવી દીધા હતા. પરંતુ તેમના એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં તે મુજબનો સ્પષ્ટ રેકોર્ડ મળી આવ્યો નથી.
શાળામાં તેમની હાજરી અથવા જવાબદારી સંદર્ભે પણ કોઈ સત્તાવાર નોંધ અથવા પુરાવા મળ્યા નથી. છતાં આટલા લાખો રૂપિયાની રકમ તેને પગાર પેટે કઈ રીતે ચૂકવાઈ એ પણ હાલ તપાસનો વિષય છે. તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે, આરોપી પૂનમે મૃતક તુષારભાઈ પાસેથી વ્યાજ પેટે રૂ. 35 લાખ લીધા હતા, પરંતુ આ 35 લાખ રૂપિયા કઈ મુળીના વ્યાજ પેટે લીધા તે અંગે પણ હાલ સુધી કોઈ પુરાવા મળી શક્યા નથી.
વધુમાં આરોપી પૂનમે શાળામામં ભાગીદારી હોવાનું કહી રૂ. 57 લાખ પ્રોફિટ તરીકે દર્શાવ્યા છે. આટલું જ નહીં આરોપી પૂનમના માતા, પિતા અને બહેન (પ્રિયાબેન)ને પણ આ શાળાના સંચાનલમાંથી દર મહિને રૂ. 40,000 પગાર ચૂકવાતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં આશરે ₹35 લાખ જેટલો પગાર તેમના પરિવારને ચુકવાયો હોવાનું બતાવવામાં આવ્યું છે, પરંતુ તે અંગે પણ સંતોષકારક દસ્તાવેજી પુરાવા મળ્યા નથી, ત્યારે પોલીસ તેમના પરિવારજનોની પુછપરછની દીશામાં પણ આગળ વધી રહી છે.
નોંધનીય છે કે, શાળામાં નફાની વહેંચણી 50-50 ટકાના આધારે થતી હોવાનો દાવો છે. જોકે આ મામલે આરોપી પૂનમબેન કોર્ટમાં કોઈ મજબૂત ભૌતિક પુરાવા રજૂ કરી શક્યા નથી કે ભાગીદારી ડીડ પણ રજૂ કરવામાં આવી નથી. આ મામસે પોલીસે જણાવ્યું કે, તુષારભાઈ અને પૂનમબેન વચ્ચે વોટ્સએપ કોલ દ્વારા સતત વાતચીત થતી હતી. જેથી આ બંનેના IDPR (ડિજિટલ કોલ રેકોર્ડ) મંગાવવામાં આવ્યા છે, જેની ઉંડાણપૂર્વક તપાસ બાદ જ આ મામલે સાચી હકિકત જાણી શકાશે, માટે હાલ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ છે. ત્યારે હાલ આ કેસમાં રોજ નવા ખુલાસાઓ સામે આવતા સુરત શહેરમાં ભારે ચર્ચા જાગી છે.