અમદાવાદમાં બેફામ રફતારનો કહેર, CCTV: પૂરપાટ આવેલી કારે ઘરનો લોખંડનો ગેટ તોડી દીવાલ પણ પાડી દીધી- Reckless speeding in Ahmedabad CCTV flooded car entered house broke iron gate and even knocked down wall | અમદાવાદ
Last Updated:
અમદાવાદના કે.કે.નગરમાં હોન્ડા સિટી કાર પૂરપાટ ગતિએ અકસ્માત સર્જતા ઘરનો લોખંડનો ગેટ તોડી દીવાલ પાડી, ટુ-વ્હીલર પણ નુકસાન કર્યું છે. CCTVમાં કેદ થયેલી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
અમદાવાદ: શહેરમાં બેફામ ગતિએ વાહન ચલાવવાનો જીવલેણ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આવો જ એક કિસ્સો હાલ શહેરના કે.કે. નગર વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં પૂરપાટ દોડતી એક હોન્ડા સિટી કારે કહેર વર્તાવ્યો હતો. પૂરપાટ ઝડપે આવતી આ કાર સીધી એક રહેણાંક મકાનમાં ઘૂસી જતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે આ ભયાનક ઘટનાના હાલ હચમચાવતા CCTV વીડિયો સામે આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ શહેરના કે.કે. નગર વિસ્તારમાં આવેલી સ્વી પાર્ક સોસાયટીમાં આ અકસ્માત સર્જાયો હતો. જ્યાં GJ-07-WE-4920 નંબરની હોન્ડા સિટી કારના ચાલકે બેફામ ગતિએ કાર ચલાવી અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો અને કાર સીધી ઘરના મુખ્ય ગેટને તોડીને અંદરના ભાગે ઘૂસી ગઈ હતી. કારની ગતિ એટલી પ્રચંડ હતી કે તે અંતે ઘરની દીવાલ સાથે અથડાઈને અટકી હતી.
અકસ્માતની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કારની ટક્કર એટલી ભયંકર હતી કે ઘર બહાર લગાવેલો મુખ્ય ગેટ લોખંડનો હોવા છતાં સંપૂર્ણપણે તૂટી પડ્યો હતો. આ ઉપરાંત ઘરની બહાર પાર્ક કરેલા એક ટુ-વ્હીલરનો પણ અકસ્માતને કારણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારનો આગળનો ભાગ પણ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, જે અકસ્માતની ગંભીરતા દર્શાવે છે.
હાલ આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બેફામ ગતિએ આવતી કાર અચાનક દિશા બદલીને સીધી ઘરમાં ઘૂસી જાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં લોકોએ શહેરમાં વાહન ચલાવતા લોકોની બેજવાબદારી સામે રોષ વ્યક્ત કર્યો છે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે ચાલકે નશો કર્યો હતો કે પછી અન્ય કોઈ કારણસર અકસ્માત સર્જાયો હતો.
નોંધનીય છે કે, તાજેતરમાં વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં પણ આવો જ એક ગંભીર બાઈક અકસ્માત સર્જાયો હતો. જ્યાં પેટ્રોલપંપ પાસે એક સ્પોર્ટ્સ બાઈક લઈને આવતા બાઈક સવાર યુવકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા સ્પોર્ટ્સ બાઈક પેટ્રોલપંપ પાસે હવા ભરવાના મશીન સાથે ટકરાયું હતું. જે આખી ઘટનાના હાલ CCTV વીડિયો સામે આવી રહ્યા છે, ત્યારે વારંવાર આવતી રફ્તારના કહેરની ઘટના લોકોમાં રોષ ફેલાવી રહી છે.
Ahmedabad,Gujarat
