ગુજરાત બજેટ સત્ર 2026-27: આજે નવમા દિવસે અમદાવાદના આ મહત્ત્વના મુદ્દા વિધાનસભામાં ચર્ચાયા- Gujarat Budget Session 2026-27 These important issues of Ahmedabad were discussed in Assembly on ninth day today | અમદાવાદ
Last Updated:
ગુજરાત વિધાનસભા બજેટ સત્ર 2026-27ના આજે 9માં દિવસે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ હેલિકોપ્ટર જોય રાઇડિંગ અને અમદાવાદની 13થી વધુ પોલીસ કચેરીઓ ભાડા પર હોવાનો મુદ્દો ગૃહમાં ઉઠાવ્યો હતો.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું વર્ષ 2026 અને 27નું બજેટ સત્ર ચાલી રહ્યું છે. વર્ષ 2026 અને 27ના બજેટ સત્રનો આજે નવમો દિવસ હતો. ત્યારે આ બજેટ સત્ર દરમિયાન આજે અમદાવાદ શહેરના મહત્ત્વના બે મુદ્દા ચર્ચામાં રહ્યા હતા. જેમાં એક અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હેલિકોપ્ટર જોય રાઇડિંગ તથા અમદાવાદ શહેરમાં ભાડાની જગ્યા ઉપર કાર્યરત પોલીસ કચેરીઓ અંગેનો. જે બંને મુદ્દે સરકારે ગૃહમાં જવાબ રજૂ કર્યા છે.
આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં નાગરિક ઉડ્ડયન વિભાગના પ્રશ્નોત્તરી અંતર્ગત પ્રશ્નોની ચર્ચા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હેલિકોપ્ટર જોય રાઇડિંગનો પ્રશ્ન કર્યો હતો. અમૃતજી ઠાકોરે પ્રશ્ન પૂછ્યો હતો કે, 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ સાબરમતી રિવરફ્રન્ટથી હેલિકોપ્ટર શરૂ કરવા માટે કઈ કંપનીને કયા ભાવથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
આ પ્રશ્નના જવાબમાં નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા જણાવાયું હતું કે, 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાર્યરત જોય રાઇડિંગ શરૂ કરવા મેસર્સ. એરો ટ્રાન્સ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડને 2022માં એક વર્ષ માટે રૂપિયા 12 લાખ પ્રતિ માસ વાયબિલિટી, ગેપ ફંડિંગ તેમજ વર્ષ 2023માં એક વર્ષ માટે આ જ કંપનીને ₹1800 પ્રતિ મુસાફર એમ માસિક 10 લાખ 80 હજાર પ્લસ જીએસટીની મહત્તમ મર્યાદામાં વાયબિલિટી ગેપ ફંડિંગ પેટે આપવામાં આવ્યા હતા.
જ્યારે આ જ પ્રશ્નના પેટા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હતું કે, બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ખાનગી કંપનીઓને કેટલું ભાડું અને સબસિડી ચૂકવવામાં આવી છે. તેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ખાનગી કંપનીઓને કોઈ ભાડું અને સબસિડી ચૂકવવામાં આવી નથી. પરંતુ મેસર્સ એરો ટ્રાન્સ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ વર્ષ 2024માં 87.19 લાખ અને વર્ષ 2025માં 16.40 લાખ વાયબિલિટી ગેપ ફંડિંગ પેટે ચૂકવવામાં આવ્યા હતા.
જોકે વધુ એક પેટા પ્રશ્નમાં પૂછ્યું કે, ખાનગી કંપની દ્વારા સરકાર પાસેથી ખોટી રીતે ભાડું કે સબસિડી લીધા હોવાની હકીકત સાચી છે કે કેમ તો તેમાં વિભાગ દ્વારા હકીકત નકારવામાં આવી હતી. તેમજ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા છે ત્યારે કીધું કે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેની હેલિકોપ્ટર જોય રાઇડિંગનો પ્રશ્ન આજે ગૃહમાં ચર્ચાયો હતો.
સાથે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આજે અમદાવાદ શહેરમાં ભાડાની જગ્યા ઉપર કાર્યરત પોલીસ કચેરીઓ અંગેની વિગતો માટે પણ મહત્ત્વનો મુદ્દો ગૃહમાં ઉઠાવ્યો હતો. જેનો જવાબ આપતા રાજ્ય સરકારે અમદાવાદ A ડિવિઝન પોલીસની કચેરી છેલ્લા 17 વર્ષથી ભાડા ઉપર ચાલતી હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, થલતેજ પોલીસ ચોકી પણ 17 વર્ષથી ભાડા પર છે. સાથે સાબરમતી વેસ્ટ પોલીસ સ્ટેશન પણ છેલ્લા દસ વર્ષથી ભાડા ઉપર ચાલે છે.
આ ઉપરાંત ગુજરાત હાઉસિંગ પોલીસ ચોકી છેલ્લા 17 વર્ષથી, નાગોરી પોલીસ ચોકી પણ છેલ્લા 55 વર્ષથી; કૃષ્ણનગર પોલીસ ચોકી, સૈજપુર પોલીસ ચોકી અને એસટી પોલીસ ચોકી છેલ્લા 10 વર્ષથી; ચમનપુરા પોલીસ ચોકી 38 વર્ષથી; ચરોડીયા પોલીસ ચોકી છેલ્લા 46 વર્ષથી; હાટકેશ્વર પોલીસ ચોકી 54 વર્ષથી; ઓઢવ જીઆઇડીસી પોલીસ ચોકી 32 વર્ષથી; વેજલપુર પોલીસ ચોકી પણ છેલ્લા 12 વર્ષથી ભાડા પર ચાલે છે. આમ કુલ 13 થી પણ વધુ કચેરીઓ કેટલાય વર્ષોથી ભાડા ઉપર ચાલતી હોવાની કબૂલાત સરકારે કરી છે.
આટલું જ નહીં, આજે વિધાનસભામાં વડોદરા શહેર પોલીસ દળમાં ખાલી પડેલી જગ્યાઓનો મુદ્દો ગૃહમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછાયેલા તીખા સવાલોના જવાબમાં રાજ્ય સરકાર વતી ગૃહમાં રજૂ કરાયેલી માહિતી મુજબ વડોદરા શહેર પોલીસમાં કુલ 2073 જગ્યાઓ ખાલી હોવાનું ખુલ્યું છે. આ આંકડો સામે આવતા ગૃહમાં થોડી ક્ષણો માટે રાજકીય તાપમાન વધી ગયું હતું. આમ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2026-27ના આજે નવમા દિવસે ગૃહ વિભાગ, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગ્રામ રક્ષક દળ અને નશાબંધી, વાહન વ્યવહાર કાયદો અને ન્યાયતંત્ર તેમજ રમતગમત, મીઠા ઉદ્યોગ જેવા વિષયો ચર્ચામાં રહ્યા હતા.
Ahmedabad,Gujarat
