હાર્દિક શુભેચ્છા: આજથી ગુજરાતમાં ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનો વિધિવત પ્રારંભ | અમદાવાદ
Last Updated:
વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ-ચુસ્ત સુરક્ષા સુનિશ્ચિત કરાઈ
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં આજે 26 ફેબ્રુઆરીથી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં ધોરણ-10ના 9.07 લાખથી વધુ, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 5.01 લાખથી વધુ, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 1.19 લાખથી વધુ અને ગુજકેટના વિદ્યાર્થીઓ મળી રાજ્યભરના કુલ 16.63 લાખથી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
ધોરણ 10 માટે કુલ 87 ઝોન, ધો-12 સામાન્ય પ્રવાહ માટે કુલ 59 અને સાયન્સ માટે 54 ઝોનની રચના કરાઈ છે. 2026માં ધો-10 માટે નોંધાયેલા કુલ પરીક્ષાર્થી 907175 છે, તે પૈકી 769994 નિયમિત પરીક્ષાર્થી, 19825 ખાનગી પરીક્ષાર્થી, 70702 રિપીટર પરીક્ષાર્થી, 5368 ખાનગી રિપીટર પરીક્ષાર્થી અને 41286 પૃથ્થક પરીક્ષાર્થી છે. તેમજ 4877 પરીક્ષાર્થી દિવ્યાંગ તરીકે નોંધાયેલા છે.
ધોરણ -12 સામાન્ય પ્રવાહ માટે નોંધાયેલા કુલ 501286 પરીક્ષાર્થીમાંથી 437279 નિયમિત, 35174 ખાનગી, 15813 રિપીટર, 7873 ખાનગી રિપીટર અને 5147 પૃથ્થક પરીક્ષાર્થી છે. આ પૈકી 2293 પરીક્ષાર્થી દિવ્યાંગ તરીકે નોંધાયેલા છે. જ્યારે ધો -12 સાયન્સમાં નોંધાયેલ કુલ પરીક્ષાર્થીઓ 119263 છે. તે પૈકી 111294 નિયમિત, 76980 રિપીટર અને 279 પૃથ્થક પરીક્ષાર્થી છે. આ પૈકી 193 પરીક્ષાર્થી દિવ્યાંગ છે. ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી ચાલશે. જ્યારે ધો-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 16 માર્ચ સુધી ચાલશે.
સમગ્ર રાજ્યમાં ધોરણ 10ના 1006 અને ધોરણ 12ના 695 કેન્દ્ર નક્કી કરાયા છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું સ્વાગત કરી વર્ગખંડમાં પ્રવેશ અપાશે. આ સાથે જ પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે સ્કૂલો સીસીટીવીથી સજ્જ કરાઇ છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઇ રહી છે અને આગામી 18 માર્ચ સુધી ચાલશે.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ કે પરીક્ષાની કામગીરીના કર્મચારીને માર્ગદર્શન આપવા માટે જિલ્લાના કંટ્રોલરૂમ પર ફોન નંબર 079 23220314 પર સંપર્ક કરી શકાશે. જે જાહેર રજાઓ સહિત સવારે 7થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. ઉપરાંત રાજ્ય કક્ષાએ હેલ્પ લાઇન નંબર 18002335500 આપવામાં આવ્યો છે. તમામ દિવસોમાં સવારે 10થી સાજે 6.30 સુધી કાર્યરત રહેશે.
Ahmedabad,Gujarat
