મોદી ઇઝરાયલમાં- હોલોકોસ્ટમાં માર્યા ગયેલા યહૂદીઓને શ્રદ્ધાંજલિ આપશે:ઇઝરાયલના રાષ્ટ્રપતિ અને PMને મળશે, બંને દેશો વચ્ચે ડિફેન્સ ડીલની શક્યતા




વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસનો આજે બીજો દિવસ છે. દિવસની શરૂઆતમાં, વડાપ્રધાન મોદી યેરુસલેમ સ્થિત હોલોકોસ્ટના સ્મારક ‘યાદ વાશેમ’ ખાતે માર્યા ગયેલા યહૂદીઓને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ તેઓ ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ સાથે મુલાકાત કરશે, જ્યાં દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક પરિસ્થિતિઓ પર ચર્ચા થશે. આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે મોટી સંરક્ષણ ડીલ થઈ શકે છે. બપોર પહેલા, વડાપ્રધાન મોદી ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે. આ બેઠકમાં સંરક્ષણ સહયોગ, મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, સાયબર સુરક્ષા અને એડવાન્સ ટેકનિકના ક્ષેત્રમાં ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત થવાની અપેક્ષા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસના ઇઝરાયલના પ્રવાસે પહોંચ્યા હતા. નેતન્યાહુ અને તેમની પત્ની સારા નેતન્યાહુએ એરપોર્ટ પર મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ ઇઝરાયલી સંસદ નેસેટને પણ સંબોધન કર્યુ હતું. તેમને સંસદનું સર્વોચ્ચ સન્માન ‘સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ’ આપવામાં આવ્યું હતું. મોદી નેસેટને સંબોધન કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા. હિટલરના શાસનમાં માર્યા ગયેલા યહૂદીઓની યાદમાં બનેલું ‘યદ વાશેમ’ સ્મારક યાદ વાશેમ હોલોકોસ્ટ દરમિયાન માર્યા ગયેલા લાખો યહૂદીઓની યાદમાં બનાવવામાં આવ્યું છે. આ સ્મારક ઇઝરાયલની રાજધાની યેરુશલમમાં આવેલું છે અને દર વર્ષે દુનિયાભરના લોકો અહીં આવીને ઇતિહાસને સમજે છે અને શ્રદ્ધાંજલિ આપે છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરે લગભગ 60 લાખ યહૂદીઓની હત્યા કરી હતી. આ નરસંહારને હોલોકોસ્ટ કહેવામાં આવે છે. ઇઝરાયેલની સંસદ નેસેટે વર્ષ 1953માં નિર્ણય કર્યો કે હોલોકોસ્ટમાં માર્યા ગયેલા લોકોની યાદમાં એક ખાસ સ્મારક બનાવવામાં આવે. પછીથી 2005માં અહીં એક આધુનિક સંગ્રહાલય ખોલવામાં આવ્યું, જેથી આવનારી પેઢીઓ આ દુર્ઘટનાને સમજી શકે. યાદ વાશેમ પરિસરમાં હોલોકોસ્ટ સંગ્રહાલય, હોલ ઓફ નેમ્સ, બાળકોનું સ્મારક અને રાઇટિયસ અમંગ ધ નેશન્સ ગાર્ડન જેવી જગ્યાઓ આવેલી છે. અહીં અસલી દસ્તાવેજો, તસવીરો અને પીડિતોની વ્યક્તિગત કહાનીઓ સુરક્ષિત રાખવામાં આવી છે. યાદ વાશેમ નામનો અર્થ છે યાદ અને નામ, એટલે કે જે લોકોને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેમની યાદ હંમેશા જીવંત રહે. 26 ફેબ્રુઆરીએ પીએમ મોદીનો કાર્યક્રમ (સ્થાનિક સમય અનુસાર)… સવારે લગભગ 9 વાગ્યે: પીએમ મોદી યાદ વાશેમ હોલોકોસ્ટ મેમોરિયલ જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સવારે લગભગ 10:30 વાગ્યે: ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ સાથે ઔપચારિક મુલાકાત અને દ્વિપક્ષીય વાતચીત કરશે. સવારે 11:30 થી બપોરે 12:30 વાગ્યે: વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. બપોરે લગભગ 12:45 વાગ્યે: ભારત-ઇઝરાયલ વચ્ચે કરારો પર હસ્તાક્ષર અને સંયુક્ત પ્રેસ નિવેદન જારી કરવામાં આવશે. બપોરે લગભગ 1:15 વાગ્યે: સત્તાવાર કાર્યક્રમ સમાપ્ત કરીને પીએમ મોદી ભારત માટે રવાના થશે. કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે બેઠક દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃષિ ટેક્નોલોજી અને જળ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં પણ સહયોગ વધારવા પર ચર્ચા થઈ શકે છે. વેપાર અને રોકાણને આગળ વધારવા પર પણ ચર્ચા થશે. વાટાઘાટો પછી કેટલાક મહત્વપૂર્ણ સમજૂતી કરારો પર હસ્તાક્ષર અને સંયુક્ત નિવેદન જારી કરી શકાય છે. રક્ષા અને ટેકનોલોજી ક્ષેત્રે નવા કરારો ભારતની આત્મનિર્ભરતા અને મેક ઇન ઇન્ડિયા પહેલને મજબૂતી આપી શકે છે. વડાપ્રધાન મોદી તેમના કાર્યક્રમ દરમિયાન ઇઝરાયેલમાં વસતા ભારતીય મૂળના યહૂદી સમુદાયના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરશે. આ મુલાકાતને સાંસ્કૃતિક સંબંધો અને લોકો વચ્ચેના જોડાણને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. દિવસભરના કાર્યક્રમો પછી વડાપ્રધાન ભારત માટે રવાના થશે. ભારત-ઇઝરાયલમાં FTA પર વાતચીત ચાલુ મોદીનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ભારત અને ઇઝરાયલ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર વાતચીતનો પ્રથમ રાઉન્ડ 23 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં શરૂ થયો છે અને તે 26 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. નવેમ્બર 2025માં બંને દેશોએ ટર્મ્સ ઓફ રેફરન્સ પર હસ્તાક્ષર કર્યા હતા, જેનાથી એ નક્કી થયું કે કયા મુદ્દાઓ પર વાતચીત થશે અને કેવી રીતે આગળ વધવામાં આવશે. નાણાકીય વર્ષ 2024-25માં બંને દેશો વચ્ચે કુલ માલસામાનનો વેપાર 3.62 અબજ અમેરિકન ડોલર એટલે કે લગભગ 31 હજાર કરોડ રૂપિયા રહ્યો. બંને દેશો ઘણા ક્ષેત્રોમાં એકબીજા માટે ફાયદાકારક છે. આ FTA બંને વચ્ચે વેપાર વધારવામાં મદદ કરશે અને વેપારીઓ, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ વિશ્વાસ અને સ્થિરતા આપશે. આ વાતચીત દરમિયાન બંને દેશોના નિષ્ણાતો અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. આમાં ગુડ્સ એન્ડ સર્વિસિસનો વેપાર, રૂલ્સ ઓફ ઓરિજિન, હેલ્થ અને છોડ સંબંધિત નિયમો, વેપારમાં આવતી તકનીકી અડચણો, કસ્ટમ પ્રક્રિયા, વેપારને સરળ બનાવવાના ઉપાયો અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. ભારત-ઇઝરાયલ વચ્ચે ડ્રોન ડીલ શક્ય PM મોદી આજે ઇઝરાયલી વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. BBCના રિપોર્ટ અનુસાર, આ દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચે ડ્રોનની ખરીદી અને સંયુક્ત ઉત્પાદન સહિત અનેક મોટા સંરક્ષણ કરારો પર સહમતિ બની શકે છે. ફોર્બ્સ ઇન્ડિયા અનુસાર, 2026માં બંને દેશો વચ્ચે 8.6 અબજ ડોલરનો સંરક્ષણ કરાર શક્ય છે. તેમાં પ્રિસિઝન ગાઇડેડ બોમ્બ અને મિસાઇલ સિસ્ટમ સાથે એડવાન્સ ડ્રોન પણ સામેલ હોઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, ભારત હેરોન MK-2 MALE ડ્રોન ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. આ ડ્રોન 45 કલાક સુધી સતત ઉડાન ભરી શકે છે, 470 કિલોગ્રામ વજન ઉઠાવી શકે છે અને 35 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. આ ઉપરાંત આતંકવાદ વિરુદ્ધ સહયોગ, ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC), વેપાર અને રોકાણ, એડવાન્સ ટેકનોલોજી અને ઇનોવેશન જેવા મુદ્દાઓ પર પણ વાતચીત શક્ય છે. જોકે, સંભવિત કરારો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ પર પણ વાત થઈ શકે છે ઇઝરાયલ ભારત સાથે તેની એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમની ટેકનોલોજી શેર કરી શકે છે. આ માહિતી મુંબઈમાં IANSને આપેલા ઇન્ટરવ્યુમાં ઇઝરાયલના કોન્સુલ જનરલ યાનિવ રેવાચે આપી હતી. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના એજન્ડામાં આયર્ન ડોમ અંગેની વાતચીત પણ સામેલ છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ આ ટેકનોલોજી ભારત સાથે શેર કરવા તૈયાર છે. રેવાચે કહ્યું કે બંને દેશો વચ્ચે પહેલાથી જ મજબૂત સંરક્ષણ સંબંધો છે. હવે તેને આગળ વધારતા ભારતમાં સૈન્ય સાધનો બનાવવા પર ફોકસ કરવામાં આવશે.



Source link