એર ટિકિટના નિયમોમાં ફેરફાર:બુકિંગના 48 કલાકની અંદર કેન્સલ કરશો કે ચેન્જ કરશો તો કોઈ ચાર્જ નહીં; 10 સવાલમાં જાણો બધું
![]()
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ હવાઈ મુસાફરીની ટિકિટ રિફંડ અને રદ્દીકરણ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો અનુસાર, હવે મુસાફરો ટિકિટ બુક કર્યાના 48 કલાકની અંદર કોઈપણ વધારાના ચાર્જ વગર ટિકિટ કેન્સલ કરી શકાશે અથવા ચેન્જ કરી શકાશે. આ નિર્ણય મુસાફરોની વધતી ફરિયાદો અને તાજેતરમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં થયેલી મુશ્કેલીઓ પછી લેવામાં આવ્યો છે. આ નિયમો અંગે એ બધું જાણો, જે તમારે જાણવું છે… પ્રશ્ન 1: DGCAના નવા આદેશમાં મોટી રાહત શું છે?
જવાબ: સૌથી મોટી રાહત ‘ઝીરો કેન્સલેશન ચાર્જ’ને લઈને છે. હવે જો તમે એર ટિકિટ બુક કરો છો, તો બુકિંગના 48 કલાકની અંદર એને કેન્સલ કરવા અથવા ટિકિટ ચેન્જ કરવા માગતા હો તો એરલાઇન તમારી પાસેથી કોઈ વધારાનો ચાર્જ વસૂલી શકશે નહીં. જોકે આ સુવિધા કેટલીક શરતો સાથે મળશે. પ્રશ્ન 2: શું આ સુવિધા દરેક ટિકિટ પર મળશે કે કોઈ સમયમર્યાદા પણ છે?
જવાબ: આ માટે ‘ફ્રી લુક-ઇન પિરિયડ’ની શરત છે. આ સુવિધા ત્યારે જ મળશે જ્યારે ટિકિટનું બુકિંગ ફ્લાઈટની તારીખથી ઓછામાં ઓછા 7 દિવસ પહેલાં કરવામાં આવ્યું હોય. જો તમે ફ્લાઇટથી બે-ત્રણ દિવસ પહેલાં ટિકિટ બુક કરો છો તો 48 કલાકવાળી આ છૂટ લાગુ પડશે નહીં. પ્રશ્ન 3: જો મેં ટિકિટ ટ્રાવેલ એજન્ટ કે ઓનલાઈન પોર્ટલ પરથી બુક કરી હોય, તો રિફંડ કોણ આપશે?
જવાબ: DGCAએ સ્પષ્ટ કર્યું છે કે ભલે ટિકિટ ટ્રાવેલ એજન્ટ કે કોઈ પોર્ટલ (જેમ કે મેકમાયટ્રિપ, ગોઆઇબિબો વગેરે) પરથી બુક થઈ હોય, રિફંડ પાછું આપવાની જવાબદારી એરલાઇનની જ રહેશે. એજન્ટ એરલાઇનના જ પ્રતિનિધિ ગણાય છે, તેથી એરલાઇન એવું બહાનું બનાવી શકશે નહીં કે પૈસા એજન્ટ પાસે છે. પ્રશ્ન 4: રિફંડના પૈસા પાછા મળવામાં કેટલા દિવસ લાગશે?
જવાબ: એરલાઇન્સને એ સુનિશ્ચિત કરવું પડશે કે રિફંડની પ્રક્રિયા કોઈપણ સંજોગોમાં 14 દિવસની અંદર પૂરી થઈ જાય. પ્રશ્ન 5. મેડિકલ ઇમર્જન્સીની સ્થિતિમાં રિફંડના શું નિયમો છે?
જવાબ: જો મુસાફર અથવા તેના પરિવારનો કોઈ સભ્ય (જે-તે જ PNR પર હોય) મુસાફરી દરમિયાન હોસ્પિટલમાં દાખલ થાય, તો એરલાઇનને કાં તો સંપૂર્ણ રિફંડ આપવું પડશે અથવા ‘ક્રેડિટ શેલ’ (જેનો પાછળથી ઉપયોગ કરી શકાય) ની સુવિધા આપવી પડશે. અન્ય બીમારીઓના કિસ્સામાં એરલાઇનના એરોસ્પેસ મેડિસિન નિષ્ણાત અથવા DGCA ના પેનલમાં સામેલ ડોક્ટરના ફિટનેસ રિપોર્ટના આધારે નિર્ણય લેવામાં આવશે. પ્રશ્ન 6: DGCAને નિયમોમાં આ ફેરફાર કરવાની જરૂર શા માટે પડી?
જવાબ: આ પાછળ બે મુખ્ય કારણ છે. પહેલું, મુસાફરો તરફથી રિફંડ ન મળવાની અથવા મોડું મળવાની ફરિયાદો સતત વધી રહી હતી. બીજું, ડિસેમ્બર 2025માં ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં સમસ્ચાઓ થઈ હતી, જેના પછી મંત્રાલયે કડક વલણ અપનાવ્યું અને રિફંડ પ્રોસેસને સરળ બનાવવાના આદેશ જારી કર્યા. પ્રશ્ન 7: શું ફ્લાઈટના રેટ વધે તો આ ફેરફારનો તફાવત આપવો પડશે?
જવાબ: નિયમ મુજબ એરલાઇન તમારી પાસેથી ‘કેન્સલેશન ફી’ અથવા ‘ચેન્જ ફી’ નહીં લે, પરંતુ જો તમે ટિકિટની તારીખ બદલો છો અને તે નવી તારીખનું બેઝ ફેર જૂની ટિકિટ બુક કરતી વખતેના ફેર કરતાં વધારે હોય, તો તમારે ભાડાનો તફાવત આપવો પડી શકે છે. પ્રશ્ન 8: આ નવો નિયમ ક્યારથી અમલમાં આવ્યો છે?
જવાબ: નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે સુધારેલા સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ (CAR) ને 24 ફેબ્રુઆરીના રોજ જાહેર કર્યા છે. આ અત્યારથી જ લાગિ ગણાશે. પ્રશ્ન 9: શું એરલાઇન્સ પોતાની મરજીથી કોઈ અન્ય ચાર્જ ઉમેરી શકે છે?
જવાબ: ના, DGCAના નિયમનું ઉલ્લંઘન કરવા પર એરલાઇન્સ પર દંડ લાદવામાં આવી શકે છે. મુસાફરોની સુવિધા માટે નિયમોને ‘પેસેન્જર ફ્રેન્ડલી’ બનાવવામાં આવ્યા છે, જેથી એરલાઇન્સ રિફંડના નામે મનમાની ન કરી શકે. પ્રશ્ન 10: જો 48 કલાક વીતી જાય, તો શું થશે?
જવાબ: બુકિંગના શરૂઆતના 48 કલાક પછી ‘લુક-ઇન’ વિકલ્પ પૂરો થઈ જશે. એ પછી જો તમે ટિકિટ કેન્સલ કરો છો અથવા ચેન્જ કરો છો, તો તમારે એરલાઇનની સામાન્ય નીતિ મુજબ કેન્સલેશન ફી અને અન્ય ચાર્જ ચૂકવવો પડશે.
Source link