ડાકોર ફાગણી પૂનમ મહામેળા માટે વિશાળ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા | ખેડા
Last Updated:
28 ફેબ્રુઆરી અને 01 માર્ચ એમ બે દિવસ ડાકોર ફાગણોત્સવ 2026નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે દરમિયાન વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના લોકગાયિકા ગીતાબેન રબારી તેમજ પહેલી માર્ચે લોક સાહિત્યકાર રાજભા ગઢવી ડાયરાની રમઝટ બોલાવશે.
ડાકોર: યાત્રાધામ ડાકોરમાં આગામી ત્રણ માર્ચના દિને ફાગણી પૂનમના પવિત્ર અવસરે ભરાતા મહામેળાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતભરમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને ભાવિક ભક્તો રાજાધિરાજ રણછોડરાયના દર્શનાર્થે ઉમટી પડશે. આટલી વિશાળ જનમેદનીને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને દર્શનની વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
આ મહામેળાની વ્યવસ્થા અંગે ખેડા જિલ્લા કલેકટરે માહિતી આપતા જણાવ્યું હતું કે, ડાકોર તરફ આવતા તમામ મુખ્ય માર્ગો પર પદયાત્રીઓ માટે પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યલક્ષી સેવાઓ (મેડિકલ કેમ્પ) અને વિસામાની પૂરતી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક નિયમન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કલેકટરે સ્પષ્ટ કર્યું છે કે, ભીડ નિયંત્રણ અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા નેટવર્ક અને ડ્રોન દ્વારા સમગ્ર મેળા પર ચાંપતી નજર રાખવામાં આવશે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ સાથે તેમણે જણાવ્યું કે, ડાકોર મંદિર ફાગણી પૂનમના દિવસે બે વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, 28 ફેબ્રુઆરી અને 01 માર્ચ એમ બે દિવસ ડાકોર ફાગણોત્સવ 2026નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે દરમિયાન વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ગુજરાતના લોકગાયિકા ગીતાબેન રબારી (તા. 28 ફેબ્રુઆરી) તેમજ લોક સાહિત્યકાર રાજભા ગઢવી (તા. 01 માર્ચ)ના રોજ ડાયરાની રમઝટ બોલાવશે.
આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, ડાકોર ટેમ્પલ કમિટી, નગરપાલિકા અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ વચ્ચે સઘન સંકલન સાધવામાં આવ્યું છે. મેળા દરમિયાન સાફ-સફાઈ અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ દર્શનાર્થીઓને અફવાઓથી દૂર રહી, શાંતિપૂર્ણ રીતે દર્શનનો લાભ લેવા અને વહીવટી તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
Dakor,Kheda,Gujarat
