અમદાવાદ: જાહેરમાં ઢોરમાર મારી લોહીલુહાણ કરી યુવકની હત્યા કરી હતી, કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી-Court sentences man to life imprisonment for public murder in Danilimda Ahmedabad | અમદાવાદ
Last Updated:
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં માર્ચ 2022માં એક હત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. જેમાં આરોપીએ અંગત અદાવતમાં જાહેરમાં ઢોરમાર મારીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવને લઈને કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
અમદાવાદ: શહેરમાં દાણીલીમડા રિક્ષા સ્ટેન્ડ પાસે 29 માર્ચ 2022ના રોજ અગાઉના ઝઘડાની અદાવતમાં આરોપી ઇમરાને સમીર બાબુભાઇ મન્સૂરી પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપી ઇમરાને સ્થાનિક લોકો અને સાક્ષીઓની હાજરીમાં મૃતક સમીરને લાકડી અને ડંડાથી ગંભીર ઇજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી દીધો હતો. બાદમાં ગંભીર ઇજાઓના કારણે સમીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
શહેરમાં જાહેરમાં બનેલા આ બનાવથી દાણીલીમડા વિસ્તારમાં ભારે ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટના બાદ દાણીલીમડા પોલીસે 29 માર્ચ 2022ના રોજ તાત્કાલિક ગુનો નોંધી આરોપી ઇમરાનની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવી હતી.
કેસની ટ્રાયલ દરમિયાન રાજ્ય સરકાર તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ. પટેલે દલીલ કરી હતી કે આરોપીએ નાની બાબતમાં અંગત અદાવત રાખી જાહેરમાં યુવક પર હુમલો કરી તેની હત્યા કરી છે. આ પ્રકારનું ગુનાહિત કૃત્ય સમાજ માટે ગંભીર ખતરો સમાન છે અને આવા આરોપીઓને દાખલારૂપ કડક સજા ફટકારવી જરૂરી છે.
સરકારપક્ષે અદાલતનું ધ્યાન દોર્યું હતું કે આરોપીના કૃત્યના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને જાહેર સુરક્ષા પર પ્રશ્નો ઊભા થયા હતા. સાક્ષીઓના નિવેદન, મેડિકલ પુરાવા અને અન્ય દસ્તાવેજી પુરાવાઓના આધારે એડિશનલ સેશન્સ જજ પી.જે. રાવલે આરોપી ઇમરાનને દોષિત ઠેરવ્યો અને પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે જાહેરમાં નિર્દયી રીતે કરવામાં આવેલ હત્યાને હલકી રીતે લઈ શકાય નહીં.
આરોપીએ કાયદાનો ભંગ કરીને માનવજીવન પર ઘાતક પ્રહાર કર્યો છે. તેથી ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી આરોપીને જન્મટીપની સજા ફટકારવામાં આવી હતી. શહેરમાં વધતા ગુનાઓ સામે કડક વલણ અપનાવવાનો સંદેશ આ ચુકાદા દ્વારા આપવામાં આવ્યો છે. જાહેરમાં હત્યા જેવી ગંભીર ઘટના સામે કોર્ટના આ નિર્ણયને કાયદાની કડકાઈ અને ન્યાયપ્રણાલીની પ્રતિબદ્ધતા તરીકે જોવામાં આવી રહી છે.
Ahmedabad,Gujarat
