The murder of three young women in Argentina was shown LIVE on Instagram | આર્જેન્ટીનામાં ત્રણ યુવતીની હત્યા ઇન્સ્ટા પર LIVE બતાવી: ડ્રગ્સ ગેંગે માર માર્યો, આંગળીઓ કાપી, નખ ખેંચ્યા; પછી ગળું દબાવીને મારી નાખી
બ્યુનોસ એરેસ3 દિવસ પેહલા
- કૉપી લિંક

આર્જેન્ટીનામાં એક ડ્રગ ગેંગે ત્રણ યુવતીની ક્રૂરતાથી હત્યા કરી અને આખી ઘટનાને ઇન્સ્ટાગ્રામ પર LIVE બતાવી. આ ઘટના 19 સપ્ટેમ્બરના રોજ બની હતી. હવે વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં છે.
હત્યા કરતાં પહેલાં ગેંગના સભ્યોએ યુવતીઓને ખૂબ માર માર્યો, તેમની આંગળીઓ કાપી નાખી, તેમના નખ ખેંચી લીધા. બાદમાં ગળું દબાવીને હત્યા કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેયને પાર્ટીમાં બોલાવવાના બહાને વાનમાં લલચાવીને લઈ જવામાં આવી હતી અને “ગેંગના નિયમો તોડવા” બદલ સજા તરીકે તેમની હત્યા કરવામાં આવી હતી. વીડિયોમાં ગેંગ લીડર કહેતો સાંભળાય છે,
જે કોઈ મારા ડ્રગ્સની ચોરી કરશે તેના પણ આવા જ હાલ થશે.

મૃતક યુવતીઓમાં બે પિતરાઈ બહેનો હતી, મોરેના વર્ડી અને બ્રેન્ડા ડેલ કાસ્ટિલો (20- 20 વર્ષ), અને 15 વર્ષની લારા ગુટીરેઝ હતી.

યુવતીની હત્યાના વિરોધમાં આર્જેન્ટીનામાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા.
પ્રાઈવેટ એકાઉન્ટથી લાઈવ, 45 લોકો જોઈ રહ્યા હતા
પોલીસ અધિકારીઓનો આરોપ છે કે આ વીડિયો એક પ્રાઈવેટ એકાઉન્ટ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો, જેમાં 45 લોકો જોઈ રહ્યા હતા. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ કહ્યું કે તેને તેના પ્લેટફોર્મ પર આવા લાઈવસ્ટ્રીમના કોઈ પુરાવા મળ્યા નથી.
શનિવારે હજારો લોકો યુવતીઓની હત્યાના વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ન્યાયની માગ કરી હતી. પીડિતોના પરિવારોએ “લારા, બ્રેન્ડા, મોરેના” લખેલાં બેનરો અને તેમના ફોટાવાળા પોસ્ટરો લઈને સંસદ તરફ કૂચ કરી હતી.
બ્રેન્ડાના પિતા, લિયોનેલ ડેલ કાસ્ટિલોએ કહ્યું હતું કે યુવતીની સલામતી હવે પહેલાં કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે તેમની પુત્રીનો મૃતદેહ ઓળખની સ્થિતિમાં ન હતો. બ્રેન્ડાના દાદા, એન્ટોનિયો ડેલ કાસ્ટિલોએ હત્યારાઓને “ખૂની જાનવરો” કહ્યા.

શનિવારે હજારો વિરોધીઓ રાજધાની બ્યુનોસ એરેસના રસ્તાઓ પર ઊતર્યા અને સંસદ તરફ કૂચ કરી.
હત્યાના આરોપમાં 3 પુરુષ અને 2 મહિલાની ધરપકડ
આ કેસના સંબંધમાં અત્યારસુધીમાં ત્રણ પુરુષ અને બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. બોલિવિયાના સરહદી શહેર વિલાઝોનમાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર કાર દ્વારા લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવાનો આરોપ છે.
પોલીસે આ કાવતરા પાછળના માસ્ટરમાઇન્ડનો ફોટો પણ જાહેર કર્યો છે. તે 20 વર્ષનો છે અને પેરુનો નાગરિક છે. તે હજુ પણ ફરાર છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણેય યુવતીને પ્રોસ્ટિટ્યૂટ તરીકે પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, જોકે લારાની કાકી, ડેલ વાલે ગાલ્વાને આ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે લારાનો ડ્રગ્સ કે વેશ્યાવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી.
બ્રેન્ડા અને મોરેનાના પિતરાઈ ભાઈ ફેડેરિકો સેલેબોને જણાવ્યું હતું કે પૈસા કમાવવા માટે બંને ક્યારેક ક્યારેક વેશ્યાવૃત્તિ કરતી હતી, પરંતુ પરિવારને તેની જાણ નહોતી.
આર્જેન્ટીનામાં ડ્રગ્સનો વેપાર ખુલ્લેઆમ થાય છે
આર્જેન્ટીનામાં ડ્રગ્સની હેરાફેરી એક ખુલ્લેઆમ ખૂની કારોબાર બની ગયો છે. પેરુ અને બોલિવિયામાંથી કોકેન યુરોપમાં મોકલવામાં આવે છે અને રોઝારિયોને સૌથી મોટા કેન્દ્રોમાંનું એક માનવામાં આવે છે.
અહીં લોસ મોનોસ અને અલ્વારાડો ક્લેન જેવી ગેંગો કબજા માટે લડે છે. નાની ગેંગો શેરીઓમાં ડ્રગ્સ વેચે છે અને હિંસા-ખંડણી દ્વારા પોતાનું વર્ચસ્વ જાળવી રાખે છે. ફક્ત રોઝારિયોમાં જ 30થી વધુ ગેંગ સક્રિય હોવાનું માનવામાં આવે છે.
સરકારી કાર્યવાહીથી કેટલાક શિપમેન્ટ બંધ થયાં છે, પરંતુ ભ્રષ્ટાચાર અને નબળી સરહદ દેખરેખને કારણે નેટવર્ક ખતમ થતું નથી.