Today’s final match is not like the last two matches between India and Pakistan; 5 factors will decide whether India will win or Pakistan will lose the match | આજનું એક્સપ્લેનર: ભારત-પાક.ની છેલ્લી બંને મેચ જેવો નથી આજનો ફાઈનલ મુકાબલો; 5 ફેક્ટર નક્કી કરશે કે ભારત જીતશે કે પાકિસ્તાન બાજી બગાડશે
એશિયા કપ 2025માં આજે ભારત અને પાકિસ્તાન ત્રીજી વખત ટકરાશે. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે 7 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. સુપર ફોર મેચમાં પણ ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું હતું. પણ આજની ફાઈનલ અગાઉના બે મુકાબલા કરતાં અલગ હોઈ શકે છે.
.
આજની ભારત-પાકિસ્તાન મેચ કેમ રોમાંચક બની શકે છે અને એશિયા કપ ફાઇનલનું પરિણામ કયા પાંચ પરિબળો નક્કી કરશે? જાણીશું આજના એક્સપ્લેનરમાં…
ભારતે શ્રીલંકા સામે સુપર 4 ની છેલ્લી મેચ રમી. 202 રનના વિશાળ સ્કોરને ડિફેંડ કરવામાં ભારતીય બોલરોના પરસેવા છૂટી ગયા. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનારી ટીમ ઈન્ડિયા કોઈક રીતે સુપર ઓવરમાં જીત મેળવવામાં સફળ રહી. બીજી તરફ પાકિસ્તાને શ્રીલંકાને 138 રનમાં ઓલઆઉટ કરી દીધું અને 5 વિકેટથી જીત મેળવી.
પાકિસ્તાનના મુખ્ય કોચ માઈક હેસને કહ્યું, “અમે ભારત સામે બે મેચ રમી. અમે બીજી મેચમાં પહેલી મેચ કરતાં ઘણી સારી સ્થિતિમાં હતા. પરંતુ સૌથી મહત્વપૂર્ણ મેચ હજુ રમવાની બાકી છે. આ મેચ મહત્વની છે અને તે જ અમારું ફોકસ છે.”
તેથી જ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત-પાકિસ્તાન ફાઇનલ અપેક્ષા કરતાં વધુ રોમાંચક હોઈ શકે છે, જેમાં આ 5 પરિબળો જીત કે હાર નક્કી કરશે…
ફેક્ટર-1 : હાર્ટ સ્ટેકવાળા મેચમાં ટીમ ઈન્ડિયા નર્વસ તો નહિ થઈ જાય ને? પાકિસ્તાનના મુખ્ય કોચ માઈક હેસન કહે છે, “જો અમારે ભારત સામે જીત મેળવવી હોય તો આપણે તેમને લાંબા સમય સુધી દબાણમાં રાખવાની જરૂર છે, કારણ કે જો અમે એવું નહિ કરીએ તો એ લોકો કંટ્રોલ લઈ લે છે.
આનો અર્થ એ છે કે વિરોધી ટીમ પણ હાઈ સ્ટેક મુકાબલામાં ભારતની દુ:ખતી રગ જાણે છે. સૌથી તાજેતરનું ઉદાહરણ 2023 વન ડે વર્લ્ડ કપ ફાઇનલ છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન દરેક મેચ જીતનાર ટીમ ઇન્ડિયા ફાઇનલમાં ફક્ત 240 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ સરળતાથી ચેઝ કરી લીધી.

ટુર્નામેન્ટમાં દરેક મેચ જીતનાર ભારત ફાઇનલમાં ફક્ત 240 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેનો પીછો ઓસ્ટ્રેલિયાએ પ્રમાણમાં સરળતાથી કર્યો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈન્ટરનેશનલ 13મી વખત કોઈ ટુર્નામેન્ટ કે ટ્રાઈ-સીરીઝની ફાઈનલ થશે. અગાઉની 12 મેચોમાં 8 વખત પાકિસ્તાન અને 4 વાર ભારતને જીત મળી.
જોકે, એશિયા કપ ફાઇનલમાં ભારતનો રેકોર્ડ સારો છે. ભારત અત્યાર સુધી 11 એશિયા કપ ફાઇનલ રમ્યું છે, જેમાંથી ફક્ત ત્રણ જ હાર્યું છે. ભારત આ ત્રણેય મેચ શ્રીલંકા સામે હારી ગયું છે. એશિયા કપ ફાઈનલમાં ભારત-પાકિસ્તાન પહેલીવાર આમને- સામને છે.
આજના મુકાબલામાં ભારત પર પ્રેશર વધારે છે…
- પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પછી એશિયા કપમાં દુશ્મન દેશ પાકિસ્તાન સાથે રમવા પર ક્રિકેટ ફેન્સનો સમૂહ સરકાર અને BCCIના નિર્ણયની વિરૂદ્ધમાં હતો. જો પાકિસ્તાનથા હાર્યા તો નારાજગી વધારે વધશે.
- પાકિસ્તાન સામેની પહેલી મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને બાકીના ભારતીય ટીમે મેદાન પર પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા. મેચ પછીના સમારોહ દરમિયાન સૂર્યકુમારે ટીમની જીત પહેલગામ હુમલાના પીડિતોને સમર્પિત કરી.

સૂર્યકુમાર યાદવ અને સલમાન અલી આગા. ટોસ પછી બંને કેપ્ટનોએ હાથ મિલાવ્યા ન હતા.
- બીજી મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યાએ કહ્યું, “બંને ટીમો વચ્ચે હવે કોઈ રાઈવલરી બચી નથી. આપણે હવે તેના વિશે વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ.”
નિષ્કર્ષ: ટીમ ઈન્ડિયાનો ફાઇનલમાં નર્વસ થવાનો ટ્રેક રેકોર્ડ છે, પરંતુ તેઓએ છેલ્લી બે મોટી ટુર્નામેન્ટ જીતી છે: 2024નો T20 વર્લ્ડ કપ ફાઇનલ અને આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ. ટીમ ઈન્ડિયા આજની મેચમાં પણ દબાણને સારી રીતે મેનેજ કરી શકે છે.
ફેક્ટર-2 : ઈજાગ્રસ્ત થઈને મેદાન છોડી ગયેલા ભારતીય ખેલાડીઓ રમી શકશે?
ભારતના ત્રણ મોટા ખેલાડી ઈજા કે થાક સામે ઝઝૂમી રહ્યા છે અને તેમને મેદાન છોડીને જવું પડ્યું…
- એશિયા કપમાં અત્યાર સુધી હાર્દિક પંડ્યાએ લગભગ દરેક મેચમાં પહેલી ઓવર ફેંકી છે. શ્રીલંકા સામેની છેલ્લી મેચમાં હાર્દિકે તેની પહેલી જ ઓવરમાં કુસલ મેન્ડિસની મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. આ પછી હાર્દિકે આખી મેચમાં એકપણ ઓવર નાખી નહોતી અને મેદાન છોડી દીધું હતું. માંસપેશીઓમાં ઈજાને કારણે તેના રમવા પર સસ્પેન્સ છે. ભારતીય બોલિંગ કોચ મોર્ને મોર્કેલે ગયા શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હાર્દિકની ઈજાની સમીક્ષા કરવામાં આવશે.
- ડાબોડી બેટ્સમેન તિલક વર્માને પણ શ્રીલંકાના દાવ દરમિયાન મેદાન છોડવું પડ્યું. ઊંચી કૂદથી બોલ રોકવાનો પ્રયાસ કરતી વખતે તિલકના પગમાં ઈજા થઈ હતી. તે યોગ્ય રીતે ચાલી શકતો નહોતો.

- બેટ્સમેન અભિષેક શર્માના નામે એશિયા કપના T20 વર્ઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેણે અત્યાર સુધી છ ઇનિંગ્સમાં 309 રન બનાવ્યા છે. સતત સારું પ્રદર્શન કર્યા પછી અભિષેક શર્મા પણ થાકી ગયો છે. તે શ્રીલંકા સામેની મેચમાં પણ દેખાયો નહોતો.
નિષ્કર્ષ: અભિષેક શર્મા ઓપનર છે, જ્યારે તિલક વર્મા અને સંજુ સેમસન મિડલ ઓર્ડર સંભાળે છે. તો હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માટે બેટ અને બોલ બંનેમાં જરૂરી છે. આ ત્રણેય ખેલાડીઓનું ફિટ રહેવું જીત માટે જરૂરી ફેક્ટર છે.
ફેક્ટર-3 : ટોસ જીતવો જરૂરી, કારણ કે ડ્યૂ ફેક્ટર કામ કરશે
ભારત અને પાકિસ્તાન વચ્ચેની બંને મેચ દુબઈની પીચ પર રમાઈ છે અને આજની ફાઈનલ પણ આ જ પીચ પર રમાવાની છે. દુબઈની પીચે નિર્ણાયક ભૂમિકા ભજવી છે.
- 2018થી અહીં વિશ્વની ટોચની 8 ટીમો વચ્ચે 20 T20 મેચ રમાઈ છે. આમાંથી ચેઝ કરનારી ટીમ 15 વખત જીતી છે. કેપ્ટનોનું વિઝન સ્પષ્ટ હતું કે ટોસ જીતવો, બોલિંગ પસંદ કરો અને મેચ જીતો.
- ભારતે પીછો કરતી વખતે બંને મેચોમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાને પ્રથમ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, ત્યારે ટીકાકારોએ આને તેમની હારનું મુખ્ય કારણ ગણાવ્યું.
- કારણ કે મોડી સાંજે ઝાકળના કારણે સ્પિનરોને ટર્ન મળતો નથી અને ફિલ્ડરોને બોલને પકડવામાં મુશ્કેલી પડે છે.
- જોકે છેલ્લા ત્રણ મેચમાં પિચ બદલાઈ ગઈ છે. બે મેચમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમે મેચ જીતી હતી, જ્યારે એક મેચ ટાઇમાં સમાપ્ત થઈ હતી.
નિષ્કર્ષ: એવામાં ફાઇનલમાં ટોસ જીત્યા પછી કેપ્ટનો બેટિંગ કે બોલિંગ પસંદ કરવા તે અંગે મૂંઝવણમાં મુકાશે. અહીં ફરીથી પિચ મુખ્ય ભૂમિકા ભજવશે અને ડ્યુ ફેક્ટરના આધારે કેપ્ટનનો બેટિંગ કે ફિલ્ડિંગનો નિર્ણય નિર્ણાયક પરિબળ બની શકે છે.

ફેક્ટર-4 : સૂર્યા અને બુમરાહ હજી સુધી ફીકા, ફોર્મમાં આવવું જરૂરી
ટી-20 મુકાબલામાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે 28 મેચોમાંથી 22 જીતી છે. જોકે જુલાઈમાં ટી-20 કેપ્ટન બન્યા પછી તેમણે વધારે રન બનાવ્યા નથી.
કેપ્ટન બન્યા પછી તેમણે 19 ઇનિંગ્સમાં 19.35 ની સરેરાશથી ફક્ત 329 રન બનાવ્યા છે. ઓક્ટોબર 2024માં બાંગ્લાદેશ સામે 35 બોલમાં 75 રન બનાવ્યા પછી તેમણે એકપણ અડધી સદી ફટકારી નથી.
એશિયા કપમાં અત્યાર સુધી તેમણે પાંચ ઇનિંગ્સ રમી છે અને ફક્ત 71 રન બનાવ્યા છે. પાકિસ્તાન સામેની બીજી મેચમાં તેઓ હારિસ રઉફના બોલ પર ઝીરો રને આઉટ થયો હતો.
ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે સૂર્યાને સલાહ આપતા કહ્યું, “સૂર્ય કુમાર નિઃશંકપણે એક ક્લાસ પ્લેયર છે, પરંતુ તેમણે થોડા બોલ સુધી સ્પીડ બાઉન્સ અને ટર્નનું એનાલિસિસ કરવું જોઈએ.” ડગઆઉટમાં બેસવા અને મેદાન પર રમવામાં ઘણો તફાવત છે.

એશિયા કપ 2025માં કેપ્ટન સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન અત્યાર સુધી સરેરાશ રહ્યું છે.
તો જસપ્રીત બુમરાહ અત્યાર સુધી એશિયા કપમાં પાંચ મેચ રમી ચૂક્યો છે અને તેમણે ફક્ત પાંચ વિકેટ લીધી છે. 2025 એશિયા કપમાં બુમરાહનો ઉપયોગ મોટાભાગે પાવરપ્લે ઓવરોમાં થઈ રહ્યો છે જેના કારણે ડેથ ઓવરમાં તેને ફક્ત એક જ ઓવર બચે છે. ભૂતપૂર્વ ભારતીય બોલર મોહમ્મદ કૈફે કહ્યું હતું કે તે ઈજાથી બચવા માટે આવું કરી રહ્યો છે અને તેનાથી લાંબા ગાળે ભારતને કોઈ ફાયદો થશે નહીં. જોકે, બુમરાહે તેમના એનાલિસિસને “ખોટું” ગણાવ્યું હતું.
નિષ્કર્ષ: બુમરાહ ભારતના બોલિંગ એટેકનું મુખ્ય ચહેરો છે અને સૂર્યા પાસે મિડલ ઓર્ડરની બેટિંગની કમાન છે. બંને માટે પરફોર્મ કરવું ખૂબ જ ક્રૂશિયલ છે. જો બંને મેચ રમે છે તો પાકિસ્તાન પર ભારતની જીત સરળ બની જશે.
ફેક્ટર-5 : પાકિસ્તાનની પેસ બોલિંગ અને ભારતની સ્પિન ત્રિપુટી
પાકિસ્તાનના પેસર્સ અને ભારતના સ્પિનર્સ મેચની દિશા બદલી શકે છે…
- શાહીન શાહ આફ્રિદી અને હારિસ રઉફ પાકિસ્તાન પાસે બે મજબૂત ફાસ્ટ બોલર છે. બંનેએ ટુર્નામેન્ટમાં નવ-નવ વિકેટ લીધી છે. હારિસે આ વિકેટો ફક્ત ચાર મેચમાં લીધી છે, જ્યારે શાહીને છ મેચ રમી છે.
- શાહીન નવા બોલથી ઇનિંગ્સ શરૂ કરે છે અને ઓપનિંગ બેટ્સમેનોને આઉટ કરીને વિરોધી ટીમ પર દબાણ લાવે છે. બીજી તરફ રઉફ મિડલ અને ડેથ ઓવરમાં પોતાની પેસ અને બાઉન્સથી બેટ્સમેનોને પરેશાન કરે છે. હારિસે ત્રણ ટી20 મેચમાં ત્રણ વખત ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ આઉટ કરી ચૂક્યો છે.
- શાહીન શાહને અભિષેક શર્માએ પહેલી બે મેચમાં પોતાની લેન્થ પકડી રાખવા દીધી નહોતી, તેણે શોર્ટ-પિચ બોલિંગ સારી રીતે કરી હતી. જોકે, છેલ્લી બે મેચમાં શાહીનની બોલિંગ શાનદાર દેખાઈ છે.
- ભારતીય સ્પિન બોલર કુલદીપ યાદવ છ મેચમાં 12 વિકેટ સાથે ટુર્નામેન્ટનો ટોચનો બોલર છે. વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે ચાર-ચાર વિકેટ લીધી છે.
- કુલદીપ પાકિસ્તાન સામેની દરેક મેચમાં ઓછામાં ઓછી એક વિકેટ લે છે. તેણે વર્તમાન ટુર્નામેન્ટમાં પાકિસ્તાન માટે ચાર વિકેટ પણ લીધી છે. પાકિસ્તાની બેટર્સને કુલદીપ અને વરુણના સ્પિન સમજવામાં પરેશાની થઈ રહી છે.
નિષ્કર્ષ: ભારતના સ્પિનરો અને પાકિસ્તાનના ઝડપી બોલરોએ વિરોધી ટીમ માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. જે પણ ટીમનો દિવસ સારો રહેશે તેની જીતવાની શક્યતા વધુ હશે.