મહીસાગરમાં બેન્ક ઓફ બરોડામાં ફેક ડોક્યુમેન્ટ દ્વારા 3 કરોડ 55 લાખની લોનનું કૌભાંડ ઝડપાયું – Bank of Baroda’s loan scam worth Rs 3 crore 55 lakhs through fake documents was caught in Mahisagar | મહીસાગર
Last Updated:
સંતરામપુર ખાતે બેન્ક ઓફ બરોડા શાખામાં ખોટી ઓળખથી 3 કરોડ 55 લાખની લોન ફ્રોડમાં 35માંથી 18 આરોપી અને મેનેજર ભૂપેશ પુરોહિતની ધરપકડ કરવામાં આવી અને વધુ તપાસ ચાલુ.
મહીસાગર : જિલ્લાના સંતરામપુર ખાતે આવેલ બેન્ક ઓફ બરોડા શાખામાં ખોટી ઓળખ બતાવી 3 કરોડ 55 લાખની લોન ઉપાડી લેવાના ગુનામાં 35 આરોપીઓ પૈકી 18 જેટલા આરોપીઓની સંતરામપુર પોલીસે ધરપકડ કરી લીધી છે ત્યારે બેન્ક ઓફ બરોડાના મેનેજરની પણ સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા ગત રોજ મેનેજરની પણ ધરપકડ કરી વધુ લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓને લઈ પોલીસે મેનેજરને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં આવેલ બેન્ક ઓફ બરોડા શાખામાં પોતાની ખોટી ઓળખ ઊભી કરી કુલ 35 જેટલા વ્યક્તિઓને 3 કરોડ 55 લાખની લોન ઉપાડી કરી હોવાનું બેન્કના ઉચ્ચ અધિકારીઓની ઓડિટ દરમિયાન કરવામાં આવેલ તપાસમાં બહાર આવતા રીઝ્યોનલ ઓફિસરના અધિકારી દ્વારા સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને બેન્કના મેનેજર પણ સંડોવણી બહાર આવતા સંતરામપુર પોલીસે બેન્ક મેનેજરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી વધુ લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓને લઈ હાલ કોર્ટમાંથી રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. બેન્ક ઓફ બરોડા શાખામાં અલગ અલગ વિસ્તારના 35 જેટલા લોકોએ પોતાની ખોટી ઓળખ ઊભી કરી જેમાં શિક્ષક, પોસ્ટમેન, પોસ્ટ આસિસ્ટન્ટ જેવા લોકોના પગાર સ્લીપ, ફોર્મ 60 વગેરે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી બેન્કને કરોડોનો ચૂનો લગાવવામાં સફળ થયા હતા પરંતુ બેન્ક દ્વારા ઓડિટ કરવામાં આવતા ફ્રોડ લોકો દ્વારા લોન લીધી હોવાનું બહાર આવતા બેન્કની રિજિયોનલ શાખા દ્વારા સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બેન્કમાં 35 જેટલા આરોપીઓની સાથે બેન્ક ઓફ બરોડાના મેનેજરની પણ મિલીભગત પોલીસ તપાસમાં બહાર આવી છે. મહીસાગર અને દાહોદ જિલ્લાના અલગ અલગ 35 જેટલા આરોપીઓ દ્વારા ખોટા પુરાવા, ડોક્યુમેન્ટ અને ખોટી લોકોની ઓળખ ઊભી કરી તેમાં પણ બેન્ક ઓફ બરોડાના મેનેજર ભૂપેશ પુરોહિતની પણ સંડોવણી જેમાં મેનેજર ભૂપેશ પુરોહિતે 12 ટકાના કમિશન પેટે આશરે 38 લાખ રૂપિયા આરોપીઓ પાસેથી લેવામાં આવ્યા હતા ત્યારે મયુર પંચાલ કે જે બેન્કનો એજન્ટ છે તેની પણ ભૂમિકા સામે આવતા મયુર પંચાલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો પોલીસ દ્વારા 35 માંથી 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે તેમજ નાણાંની રિકવરી કરવા આ તમામ આરોપીઓના ખાતા સીઝ કરી રિકવરી કરવાની પણ તજવીજ હાથ ધરી છે.
October 05, 2025 11:26 PM IST
