વિજાપુરના રણસીપુર ગામે દારૂના અડ્ડા પર જનતા રેડ! ગ્રામજનોએ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો-People raid liquor shop in Ransipur village of Bijapur Video of villagers incident also went viral | મહેસાણા
Last Updated:
વિજાપુરના રણસીપુર ગામમાં દારૂના અડ્ડાઓ પર ગ્રામજનોએ જનતા રેડ પાડીને સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ કર્યો છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાની જાણ હોવાની વાત ફરી એકવાર સામે આવી છે. સાથે પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે.
મહેસાણા: ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં ગ્રામીણ વિસ્તારોમાં ઠેર ઠેર દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે આ વિકૃતિ સામે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણસીપુર ગામમાં ગ્રામજનોએ સીધી કાર્યવાહી કરીને જનતા રેડ પાડી દીધી છે. ગામના આગેવાનોએ ગ્રામસભા યોજી યુવાનો સહિત મહિલાઓને પણ સાથે રાખીને દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડી છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, ત્યારે પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, ઘટના લાડોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિજાપુર તાલુકાના રણસીપુર ગામમાં ગામના આગેવાનોએ તાજેતરમાં ગ્રામસભા યોજી મોટી સંખ્યામાં મહિલાઓની હાજરીમાં ગામમાં દારૂના દુષણને ડામવા પર વિશેષ ચર્ચા કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે, ગામમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, જેના કારણે ગામમાં અપરાધ, પારિવારિક કલેશ અને આર્થિક નુકસાન વધ્યું છે. જેથી ગ્રામસભાના નિર્ણય પછી તેઓએ જનતા રેડની કાર્યવાહી કરી છે. ગ્રામજનોએ અડ્ડાઓ પર પહોંચી, ત્યાં દેશી દારૂની બનાવટમાં વપરાતી સાધન-સામગ્રીનો નાશ કર્યો હતો.
આ જનતા રેડ દરમિયાન ગ્રામજનોએ આખી ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું છે. ત્યારે આ ઘટનાથી પોલીસ વિભાગ પર ગંભીર સવાલો ઊભા થયા છે. ગામના વર્ષોથી ધમધમતા આ દારૂના અડ્ડા પર પોલીસે કંઈ પણ કાર્યવાહી ન કરતા અંતે સ્થાનિક જનતા હલ્લો બોલીને તૂટી પડી છે. ગ્રામજનોનું કહેવું છે કે, આ પહેલાં પણ અમે પોલીસને ફરિયાદો આપી છે, પરંતુ અડ્ડાઓ એમને એમ ધમધમી રહ્યા હતા. જોકે આ મામલે જિલ્લા કલેક્ટર કે પછી પોલીસ તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
નોંધનીય છે કે, ગુજરાતમાં દારૂબંધીના કાયદા હેઠળ દારૂના વેપાર અને વપરાશ પર કડક પ્રતિબંધ છે, પણ ગ્રામીણ વિસ્તારોમાં આવા અડ્ડાઓની સમસ્યા વધુ છે. થોડા દિવસ અગાઉ પણ બોટાદ અને જૂનાગઢ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક લોકોએ આવી જ રીતે ગામમાં ધમધમતા દારૂના અડ્ડા પર જનતા રેડ પાડી હતી. ત્યારે હાલ વિજાપુરના રણસીપુર ગામની આ ઘટના બાદ ગુજરાતના અન્ય ગામોમાં પણ જનતા દારૂના અડ્ડા પર રેડ પાડવા નીકળી પડે તો નવાઈ નહીં.
Mahesana,Gujarat
October 05, 2025 3:57 PM IST
