Editor’s View: The Sunrise of a New Middle East, Hamas releases 20 hostages | Editor’s View : નવા મીડલ ઈસ્ટનો સૂર્યોદય: હમાસના કબજામાં રહેલા 20 બંધકોની દિવાળી, ઈઝરાયલની સંસદમાં 65 મિનિટની સ્પીચ આપી ટ્રમ્પ છવાયા; જાણો બે દિગ્ગજ નેતાની ડિપ્લોમસી – Gujarat News
![]()
ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ ન મળ્યાનો વસવસો રહી ગયો પણ ગાઝા પીસ પ્લાન શરૂ કરાવવાની અને ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ખતમ કરવાની ક્રેડિટ તે લઈ ગયા. નેતન્યાહૂને અમેરિકા બોલાવીને શાંતિ સમજૂતી માટે મનાવી લીધા. હમાસે પણ ટ્રમ્પના પીસ પ્લાનને સ્વીકારી લીધો. સોમવાર, 13
.
નમસ્કાર,
ડોનાલ્ડ ટ્રમ્પ MAGA (મેક અમેરિકા ગ્રેટ અગેઈન) કેમ્પેનના કારણે દુનિયાને તકલીફ થઈ રહી છે. 150 દેશો પર મન ફાવે તેવા ટેરિફ લાદી દીધા છે. આડેધડ નિર્ણયો લે છે અને પોતે દુનિયાના સાત યુદ્ધ રોકાવ્યા તેવું ગાણું ગાયા કરે છે. આના કારણે પશ્ચિમના દેશો અને હવે તો યુરોપના દેશો પણ ટ્રમ્પની નીતિથી ખફા છે. એટલે ટ્રમ્પે મિડલ ઈસ્ટ તરફ નજર દોડાવાનું શરૂ કર્યું છે. ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળનો પહેલો પ્રવાસ સાઉદી અરેબિયા કર્યો હતો. પછી કતાર ગયા હતા અને ગિફ્ટમાં પ્લેન લાવ્યા હતા. હવે ઈઝરાયલ-ગાઝા યુદ્ધ રોકવાનો શ્રેય લઈને ટ્રમ્પ ઈઝરાયલ પહોંચી ગયા છે. સવાલ એ પણ થાય છે કે ટ્રમ્પ ઈઝરાયલ ગયા છે કેમ?
પહેલા જાણો ટ્રમ્પનો ગાઝા પીસ પ્લાન શું છે?
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અમેરિકામાં છે. તેઓ વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. પહેલા નેતન્યાહુ અને ટ્રમ્પે મિટિંગ કરી. પછી બંને નેતાએ જોઈન્ટ પ્રેસ-કોન્ફરન્સ કરી. આ પ્રેસ-કોન્ફરન્સમાં ટ્રમ્પે 20 મુદ્દાનો ગાઝા પીસ પ્લાન રજૂ કર્યો. આ પ્લાનને નેતન્યાહુએ સ્વીકારી લીધો.
હવે એ 20 પોઈન્ટ જાણી લો, જે ટ્રમ્પે પીસ પ્લાનમાં રજૂ કર્યા છે.
- તાત્કાલિક યુદ્ધ બંધ કરવું
- ઇઝરાયલ પીછેહઠ કરશે
- હમાસ બંધકોને છોડશે
- ઈઝરાયલ કેદીઓને મુક્ત કરશે
- મૃતદેહોની આપ-લે
- ગાઝાને આતંકવાદ મુક્ત બનાવવું
- હમાસનો ગાઝામાં વહીવટ નહિ રહે
- વચગાળાની વહીવટી સમિતિ
- શાંતિ બોર્ડ બનશે
- નવા ગાઝાની રચના થશે
- માનવતાવાદી સહાય અપાશે
- ખાસ ટ્રેડ ઝોન વિકસાવાશે
- લોકોની આઝાદીનું ધ્યાન રખાશે
- સિક્યોરિટી ફોર્સ તહેનાત કરાશે
- પોલીસ ટ્રેનિંગ અપાશે
- બોર્ડર સિક્યોરિટી મજબૂત કરાશે
- હવેથી કોઈપણ હુમલા અને ફાયરિંગ નહિ થાય
- માનવ અધિકાર સુનિશ્ચિત કરાશે
- શાંતિ વાટાઘાટો નવેસરથી શરૂ થશે
- ગાઝામાં કાયમી શાંતિ રહે તેનું ધ્યાન રખાશે
હમાસે ઈઝરાયલના તમામ 20 બંધકોને મુક્ત કરી દીધા
જેના માટે ઈઝરાયલ મહિનાઓથી લડાઈ લડતું હતું તે 20 બંધકોને હમાસે છોડી દીધા છે અને તમામ બંધકો ઈઝરાયલ પહોંચી ગયા છે. અત્યારે તમામ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. બંધકો મુક્ત થતાં ઇઝરાયલમાં જાણે દિવાળી આવી હોય તેવો માહોલ છે. આમ તો પહેલાં એક એક ગ્રુપમાં બંધકોને થોડા થોડા દિવસોના અંતરે છોડવાના હતા પણ હમાસે એક જ દિવસમાં તમામ 20 બંધકોને મુક્ત કરી દીધા છે. બીજી તરફ ઈઝરાયલ 250 જેટલા પેલેસ્ટીનીયન કેદીઓને એક દિવસમાં છોડશે. કુલ 1700 કેદીઓને મુક્ત કરવાના છે. 20 બંધકોની મુક્તિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ પહોંચ્યા છે.
હવે જાણીએ આ બંધકો વિશે, જે સોમવારે મુક્ત થયા…
1. માટન એન્ગ્રેસ્ટ
જૂનમાં 22 વર્ષીય ઇઝરાયલી સૈનિક એન્ગ્રેસ્ટના પરિવારે એક વીડિયો બહાર પાડ્યો હતો. આ વીડિયોમાં 7 ઓક્ટોબર, 2023ના રોજ નાહલ ઓઝ લશ્કરી થાણા પર ઘણા લોકો IDF સૈનિકને ટાંકીમાંથી બહાર કાઢતા દેખાતા હતા. માટનની માતા અનટ્ટે CNN ને કહ્યું, એક માતા તરીકે, આ મારા માટે જોવાનો સૌથી મુશ્કેલ અનુભવ છે. મારા દીકરાનો વીડિયો જાહેર કરવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે મને ડર હતો કે ક્યાંક ઈઝરાયલની સેના મારા દીકરાને ભૂલી ન જાય.
2. ગેલી બર્મન અને જિવ બર્મન
28 વર્ષીય બર્મન જોડિયા ભાઈઓને ગાઝા સરહદથી બે માઈલથી ઓછા અંતરે આવેલા કફર અઝા કિબુટ્ઝમાં બંધક બનાવવામાં આવ્યા હતા. તેમના અપહરણના એક મહિના પછી ગાર્ડિયન સાથે વાત કરતાં તેમના મોટા ભાઈ લિરન બર્મને કહ્યું કે મારા બંને ભાઈઓ ગાઝાના કબજામાંથી જ્યારે પણ છૂટશે પણ તેમનું જીવન ક્યારેય પહેલા જેવું નહીં રહે. મારે બંનેને સંભાળવા મુશ્કેલ બની જશે.
3. એલ્કાના બોહબોટ
7 ઓક્ટોબર, 2023 ના રોજ નોવા મ્યુઝિક ફેસ્ટિવલ પર થયેલા હુમલા દરમિયાન 36 વર્ષીય બોહબોટને હમાસે બંધક બનાવ્યો હતો. અમેરિકન યહૂદી સમિતિના જણાવ્યા અનુસાર, તેમણે હુમલા દરમિયાન ઘાયલ થયેલા લોકોને મદદ કરવા માટે પાછળ રહેવાનું નક્કી કર્યું. મે મહિનામાં, હમાસે એક વીડિયોમાં રિલિઝ કર્યો હતો જેમાં તે બંધક તરીકે દેખાતો હતો. બોહબોટ વીડિયોમાં બોલતો હતો કે બોમ્બ ધડાકાથી મારા જીવને જોખમ છે. જો હું જીવતો રહીશ તો મારી પત્ની અને પુત્રને મળવું છે. બે વર્ષ પછી બોહબોટ હવે તેના પરિવારને મળી શકશે.
4. રોમ બ્રાસ્લાવસ્કી
21 વર્ષીય બ્રાસ્લાવસ્કીનું નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં પણ અપહરણ કરવામાં આવ્યું હતું જ્યાં તે સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. પાછળથી તેના પરિવારને કહેવામાં આવ્યું કે તેણે તેના અપહરણ પહેલા ઘણા લોકોના જીવ બચાવ્યા હતા. ગાઝાએ પહેલીવાર જ્યારે બંધકોનો વીડિયો જાહેર કર્યો ત્યારે રોમ તેમાં દેખાતો હતો.
5. નિમરોડ કોહેન
20 વર્ષીય કોહેન ઇઝરાયલી સેનામાં સૈનિક છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ તે નિરીમ કિબુટ્ઝ નજીક ગાઝા સરહદની રક્ષા કરી રહ્યો હતો ત્યારે તેના યુનિટ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. તેના પિતા જુડાહ કોહેને તાજેતરમાં યુએન ન્યૂઝને જણાવ્યું હતું કે યુદ્ધવિરામના સમાચાર મળ્યા ત્યારથી મારા દીકરાની પાછા ફરવાની રાહ જોવા લાગ્યો હતો. હવે મારા જીવનની ધન્ય ઘડી આવી ગઈ છે.
6. એરિયલ કુનિયો અને ડેવિડ કુનિયો
28 અને 25 વર્ષના કુનિયો ભાઈઓનું નીર ઓઝ કિબુટ્ઝમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. એરિયલને તેની ગર્લફ્રેન્ડ આર્બેલ યહુદ સાથે લઈ જવામાં આવ્યો હતો. જોકે હમાસે એરિયલની ગર્લફ્રેન્ડને છોડી દીધી હતી. એવી રીતે ડેવિડ કુનિયોનું તેની પત્ની શેરોન એલોની સાથે અપહરણ કરવામાં આવ્યું હતું. એક મહિના પછી તેની પત્નીને છોડી દેવામાં આવી હતી પણ ડેવિડ હમાસના કબજામાં હતો. હવે આ કુનિયો ભાઈઓ એકસાથે ઈઝરાયલ પહોંચશે.
7. એવિયાટર ડેવિડ
નોવા મ્યુઝિક ફેસ્ટિવલ દરમિયાન 24 વર્ષીય ડેવિડનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઓગસ્ટમાં તેના પરિવારે ચિંતા વ્યક્ત કરી હતી કે હમાસ તેને ભૂખે મરાવી રહ્યો છે. એક વીડિયોમાં તેને કહેતો જોવા મળ્યો હતો કે તેણે ઘણા દિવસોથી ખાધું નથી અને પાણી પણ નથી પીધું. પરિવારે હમાસ પર પોતાના પ્રચાર માટે ડેવિડને ભૂખ્યો રાખે છે.
8. ગિલ્બોઆ-દલાલ
24 વર્ષનો ગિલ્બોઆ-દલાલ નોવા ફેસ્ટિવલમાં તેના ભાઈ સાથે નાચતો હતો જ્યારે તેનું હમાસે અપહરણ કર્યું હતું. તેના ભાઈએ મીડિયા ઈન્ટરવ્યૂમાં વારેવારે કહ્યું હતું કે, તેની યાદમાં દરરોજ મરવાના વાંકે જીવું છું. દરેક ક્ષણે જીવવું ખૂબ મુશ્કેલ છે. જેમ જેમ સમય પસાર થાય છે આ બધું સહન કરવું વધુ મુશ્કેલ બને છે. હવે મારા ભાઈને મળી શકીશ કે નહિ તે પણ નક્કી નથી.
9. મેક્સિમ હેર્કિન
37 વર્ષનો હેર્કિન પણ નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં હતો જ્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. હર્કિન ઇઝરાયલી અને રશિયન બે નાગરિકતા ધરાવે છે. એ દિવસે મિત્રોએ આમંત્રણ આપ્યું હતું એટલે તે નોવા ફેસ્ટિવલમાં ગયો હતો અને ત્યાંથી હમાસે અપહરણ કરી લીધું. હર્કિનનું અપહરણ થયું ત્યારે તેની દીકરી ત્રણ વર્ષની હતી. હવે તે પાંચ વર્ષની થઈ ગઈ છે.
10. ઇટાન હોર્ન
38 વર્ષીય ઇટાન હોર્નનું તેના ભાઈ ઇયાર પાસેથી નીર ઓઝ કિબુટ્ઝ ખાતે અપહરણ કરવામાં આવ્યું હતું. ઇયારને ફેબ્રુઆરીમાં મુક્ત કરવામાં આવ્યો હતો અને તેણે જુલાઈમાં ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલને જણાવ્યું હતું કે તેણે પોતાની રિકવરીને બાજુ પર મૂકી દીધી છે અને ગાઝામાં તેના ભાઈ અને બંધકોની મુક્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેણે કહ્યું કે જીવન હવે થીજી ગયું છે, અને દરેક દિવસ એક ખરાબ સપનાં જેવો છે.
11. સેગેવ કાલ્ફોન
નોવા ફેસ્ટિવલમાંથી બહાર નીકળતી વખતે 37 વર્ષના કાલ્ફોનનું અપહરણ કરવામાં આવ્યું હતું. તે તેના પરિવાર સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. તેની કાર ધીમે ધીમે ચાલી રહી હતી. હુમલાના સમાચાર મળતાં જ તે કારમાં ઈઝરાયલ તરફ જઈ રહ્યો હતો ત્યારે જ હમાસે તેને રસ્તામાં રોકીને બંધક બનાવી લીધો હતો.
12. બાર કૂપરસ્ટેઇન
નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં બાઉન્સર તરીકે કામ કામ કરતા 23 વર્ષીય કૂપરસ્ટેઇનનું અપહરણ કરવામાં આવ્યું હતું. હુમલા દરમિયાન તેણે ઇઝરાયેલી પોલીસ અને સુરક્ષા ટીમોને મદદ કરી હતી અને ઘાયલોને પ્રાથમિક સારવાર આપી હતી. પણ તે હમાસની નજરમાં આવી ગયો ને અપહરણ થઈ ગયું.
13. ઓમરી મીરાન
48 વર્ષના મીરાન, તેની પત્ની લિશાય લાવી અને પુત્રીઓ રોની અને અલ્મા સાથે કિબુત્ઝ નાહલ ઓઝમાં તેના ઘરે હતો, ત્યારે તેઓ સાયરનના અવાજથી જાગી ગયા. તેમને જાણ થઈ હમાસના આતંકીઓ વિસ્તારના કેટલાક ઘરોમાં ઘૂસી ગયા છે. આતંકવાદીઓએ એક સગીરને પકડ્યો ને મીરાનના બેડરૂમનો દરવાજો ખખડાવવા મજબૂર કર્યો. પરિવારે દરવાજો ખોલ્યો અને આતંકવાદીઓ મીરાનને બંધક બનાવીને લઈ ગયા.
14. યોસેફ-હૈમ ઓહાના
આ વર્ષના ફેબ્રુઆરીમાં 25 વર્ષીય ઓહાનાના પરિવારે કહ્યું હતું કે તેમને સ્પષ્ટ સંકેત મળ્યા હતા કે અમારો દીકરો જીવિત છે. પણ વધુ વિગતો આપી નહોતી. નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં બંધક બનાવાયા બાદ ઓહાનાને છેલ્લે જોવામાં આવ્યો હતો. ઓહાના અમેરિકામાં પાયલટનો કોર્સ કરતો હતો અને નોવા ફેસ્ટિવલમાં ભાગ લેવા આવ્યો હતો ને પકડાઈ ગયો.
15. એલોન ઓહેલ
24 વર્ષીય ઓહેલનું નોવા ફેસ્ટિવલમાં અપહરણ કરવામાં આવ્યું હતું. ઓગસ્ટમાં તેની માતાએ ધ ઓબ્ઝર્વરમાં એક લેખ લખ્યો હતો. જેમાં વિશ્વ નેતાઓને યુદ્ધનો અંત લાવવા અને બંધકોને ઘરે લાવવા માટે વિનંતી કરવામાં આવી હતી.
16. અવિતન ઓર
નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં અપહરણ સમયે 32 વર્ષનો ઓર તેની ગર્લફ્રેન્ડ નોઆ અર્ઘમાની સાથે અપહરણ કરવામાં આવ્યું હતું. અર્ઘમાની 245 દિવસ પછી મુક્ત કરવામાં આવી હતી પણ ઓરને છોડાયો નહોતો. તેને હવે છોડવામાં આવ્યો છે.
17. માટન જાંગાઉકર
25 વર્ષીય જાંગાઉકરનું નીર ઓઝ કિબુટ્ઝ પરના તેના ઘરેથી તેની ગર્લફ્રેન્ડ ઇલાના ગ્રિત્ઝેવસ્કી સાથે અપહરણ કરવામાં આવ્યું હતું. ગ્રિત્ઝેવસ્કીને નવેમ્બર 2023 માં મુક્ત કરવામાં આવી હતી.
આ બધું કામ રેડક્રોસની દેખરેખમાં થઈ રહ્યું છે
એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ બંધકોની મુક્તિની દેખરેખ રાખી રહી છે. એટલે કે આ આપ-લે તેની દેખરેખ હેઠળ થશે. ઈઝરાયલમાં ઉત્સાહ છે. ટીવી સ્ટેશનો સતત ખાસ કવરેજ બતાવી રહ્યા છે. લોકો સવાર પડતાં પહેલાં તેલ અવીવના હોસ્ટેજિસ સ્કેવરમાં એક મોટી સ્ક્રીનની આસપાસ ભેગા થયા છે. મેયર કલ્લરને આખી રાત ઊંઘી નથી આવી. તેમણે કહ્યું કે આ ક્ષણ બહુ રોમાંચક છે.
યુદ્ધ પૂરું થઈ ગયું છે- ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી કે “ગાઝામાં યુદ્ધ પૂરું થઈ ગયું છે.” આ જાહેરાત કરીને ટ્રમ્પ ઇઝરાયલ જવા રવાના થયા. ઇઝરાયલ પછી ટ્રમ્પ હાઈલેવલ શાંતિ સમિટમાં હાજરી આપવા ઇજિપ્ત પણ જશે. પ્રવાસની શરૂઆતમાં એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાના કરાર અંગેની કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.
અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે મીડિયાને હતું કે ટ્રમ્પ મુક્ત કરાયેલા બંધકો સાથે મુલાકાત કરશે. પછી ઇજિપ્તની યાત્રા કરશે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સિસીની ઓફિસે પણ પુષ્ટિ કરી હતી કે ટ્રમ્પ ઈઝરાયલ થઈને ઈજિપ્ત આવવાના છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પેલેસ્ટિનિયન ઓથોરિટીના નેતા મહમૂદ અબ્બાસના સલાહકાર ન્યાયાધીશ મહમૂદ અલ-હબ્બાશે પણ ન્યૂઝ ડેઇલી (એપી) ને જણાવ્યું હતું કે પોતે ઈજિપ્તની શાંતિ સમિટમાં હાજરી આપશે.
ઇઝરાયલના રક્ષામંત્રી ઇઝરાયલ કાટ્ઝે સોશિયલ મીડિયા પર લખ્યું કે બંધકોને મુક્ત કર્યા પછી ગાઝામાં હમાસે જેટલી ટનલ, સુરંગ બનાવી છે તેના નેટવર્કને નષ્ટ કરવાની તૈયારી શરૂ કરવા આર્મીને સૂચના આપી છે.
ટ્રમ્પ માત્ર વાહવાહી મેળવવા જ ઈઝરાયલ ગયા
હમાસને આપેલી ડેડલાઈન મુજબ 13 ઓક્ટોબરે ઈઝરાયલના 20 બંધકોને છોડવાના હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ એ જ દિવસે ઈઝરાયલ જવાનો પ્લાન બનાવ્યો. નેતન્યાહૂએ ઈઝરાયલમાં ટ્રમ્પનું રેડકાર્પેટ સ્વાગત કર્યું. સંસદમાં ખાસ સેશન ગોઠવ્યું. લડકામાં નેતન્યાહૂએ ટ્રમ્પને ઈઝરાયલનો સર્વોચ્ચ પુરસ્કાર આપ્યો. ટ્રમ્પે પણ નોબેલ નહિ તો આ, કાંઈક તો મળ્યું… એમ માનીને રાજીખુશીથી ઈઝરાયલનું સર્વોચ્ચ સન્માન લઈ લીધું. ઈઝરાયલની સંસદમાં નેતન્યાહૂએ ટ્રમ્પના ભરપૂર વખાણ કર્યા. ટ્રમ્પે પણ ઈઝરાયલની સંસદમાં નેતન્યાહૂની પીઠ થાબડી લીધી. ઈઝરાયલ-ગાઝા વોર પોતાના કારણે ખતમ થઈ છે તેવું બતાવવા માટે ટ્રમ્પે છેક ઈઝરાયલ ધક્કો ખાધો. એક રીતે તે આવતા વર્ષ માટેનો નોબેલ પુરસ્કાર પણ પાક્કો કરાવતા આવ્યા.
ટ્રમ્પને મળશે ઇઝરાયલનું સર્વોચ્ચ નાગરિક સન્માન
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇઝરાયલનું સર્વોચ્ચ નાગરિક સન્માન, પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ઓનર એનાયત કરવામાં આવશે. ઇઝરાયલી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે સોમવારે આની જાહેરાત કરી. ટ્રમ્પ પહેલાં ત્રણ અન્ય યુએસ રાષ્ટ્રપતિઓને આ સન્માન મળ્યું છે: 2013માં બિલ ક્લિન્ટન, એ જ વર્ષમાં બરાક ઓબામા અને 2022માં જો બાઈડેનને આ સન્માન મળ્યું છે.
ઈઝરાયલની સંસદમાં નેતન્યાહૂ બોલ્યા- ટ્રમ્પનું નામ ઈતિહાસમાં લખાશે
ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આજે ઇઝરાયલી સંસદમાં આપેલા ભાષણમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભરપેટ વખાણ કર્યા. તેમણે કહ્યું કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે અને આપણા દેશના ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે. ટ્રમ્પનું નામ ઇઝરાયલના ઈતિહાસમાં લખાશે.
નેતન્યાહૂએ કહ્યું કે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં ઇઝરાયલના શ્રેષ્ઠ મિત્ર છે. ટ્રમ્પે ઇઝરાયલ માટે જેટલું કર્યું છે તેટલું કોઈ અમેરિકી રાષ્ટ્રપતિએ કર્યું નથી. ટ્રમ્પનું નામ આપણા દેશ અને વિશ્વના ઇતિહાસમાં લખાશે. ઈઝરાયલે આ ક્ષણ માટે લાંબા સમયથી રાહ જોઈ છે. હું સમગ્ર રાષ્ટ્ર વતી તમારો આભાર માનું છું. નેતન્યાહૂના ભાષણ વચ્ચે સંસદમાં “ટ્રમ્પ, ટ્રમ્પ” ના નારા લાગ્યા હતા. નેતન્યાહૂ બોલ્યા, ડોનાલ્ડ ટ્રમ્પને આ વર્ષ ભલે શાંતિનો નોબેલ ન મળ્યો પણ આવતા વર્ષે 2026નો નોબેલ તો તેમને જ મળશે. ઈઝરાયલ અત્યારથી જ ટ્રમ્પ માટે આવતા વર્ષના નોબેલનું સમર્થન કરે છે.
ટ્રમ્પે સ્પીચમાં નેતન્યાહૂને ચીટીયા ભરી લીધા; ટ્રમ્પ લાવ લશ્કર સાથે પહોંચ્યા
ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલની સંસદ (નેસેટ)માં 65 મિનિટ ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે, આજે 20 બહાદુર બંધકો પાછા ફરી રહ્યા છે. આજે બંદૂકો શાંત છે, સાયરન શાંત છે. ભગવાનની ઇચ્છા હશે તો આ ધરતી અને પ્રદેશમાં હંમેશા શાંતિ રહેશે. ટ્રમ્પે પોતાના ભાષણમાં ગાઝા બંધક કરાર માટે આરબ અને મુસ્લિમ નેતાઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આ નેતાઓએ બંધકોને મુક્ત કરવા માટે હમાસ પર દબાણ કરવામાં મદદ કરી. આ ઇઝરાયલ અને વિશ્વ માટે એક મોટી જીત છે કે ઘણા દેશો શાંતિ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. આ એક નવા મીડલ ઈસ્ટનો ઐતિહાસિક ઉદય છે. ટ્રમ્પના ભાષણ દરમિયાન સંસદની અંદર વિરોધ પ્રદર્શનો થયા અને સુરક્ષા અધિકારીઓએ એ લોકોને બહાર કાઢ્યા અને બેનરો જપ્ત કરી લીધા. મેં 8 મહિનામાં 8 યુદ્ધ રોક્યા, જેમાં ગાઝા યુદ્ધ પણ સામેલ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી પોતાના લાવ લશ્કર સાથે આવ્યા છે. દીકરી ઈવાન્કા ટ્રમ્પ, જમાઈ, સ્પેશિયલ એન્વોય સ્ટીવ વિટકોફ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો, ડિફેન્સ સેક્રેટરી હેગશેથ, અમેરિકી આર્મીના બે જનરલ બધા ટ્રમ્પની સાથે અમેરિકાથી ઈઝરાયલ પહોંચ્યા હતા. ઈઝરાયલી સંસદમાં ટ્રમ્પે ભાષણ દરમિયાન આ તમામના વખાણ કર્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, એકવાર હિલેરી ક્લિન્ટને મારા વિશે કહેલું કે આ માણસ યુદ્ધો કરવા જઈ રહ્યો છે. મારી પર્સનાલિટી ભલે બહારથી એવી લાગે પણ મારા મનમાં તો યુદ્ધ ખતમ કરવાના જ વિચારો ચાલતા હોય છે. ટ્રમ્પે નેતન્યાહૂના વખાણ પણ કર્યાને વચ્ચે વચ્ચે ચીટીયા પણ ભરી લીધા. ટ્રમ્પ પ્રેમથી નેતન્યાહૂને બીબી કહે છે. ટ્રમ્પ બોલ્યા- હવે તમે થોડા સારા બની શકો છો, બીબી. નેતન્યાહૂ સાથે વ્યવહાર કરવો સરળ નથી. પરંતુ તેમનો સ્વભાવ જ તેમને મહાન બનાવે છે. દુનિયા આ શાંતિ ઈચ્છતી હતી. અત્યારનો સમય શાનદાર છે.
છેલ્લે,
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવો માહોલ છે. હવે ટ્રમ્પે તેમાં પણ સમાધાન કરવાની વાત કરી છે. ટ્રમ્પે ઈઝરાયલ જતાં પહેલાં કહ્યું કે મને અમેરિકા પાછો આવવા દ્યો, પછી આ બે વચ્ચે ય યુદ્ધ ખતમ કરાવી દઈશ.
સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ.
આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર
(રિસર્ચઃ યશપાલ બક્ષી)