Editor’s View: Trump Statement about India purchase Oil from Russia | Editor’s View: ટ્રમ્પે દિવાળી પહેલાં બોમ્બ ફોડ્યો: બળતામાં ‘ઓઈલ’ હોમવાની કોશિશ, મોદી-પુતિનને ભેરવી દેવા ત્રાગડો રચ્યો; 140 કરોડ દેશવાસીનો અવાજ અમેરિકા પહોંચી ગયો – Gujarat News
![]()
બે મહિના પહેલાં ઓગસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે…
.
તેના બીજા જ દિવસે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટતા કરવી પડી હતી કે અમેરિકાના દબાણ કરશે તો પણ ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશે…
ફરી બે મહિના પછી ટ્રમ્પે નવો ધડાકો કર્યો છે. હવે ટ્રમ્પે મોદીનું નામ લઈને કહ્યું છે કે, મને મારા મિત્ર નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે ખાતરી આપી છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ નહિ ખરીદે. ટ્રમ્પના આ નિવેદન પછી ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એ જ જવાબ આપ્યો જે બે મહિના પહેલાં આપ્યો હતો.
નમસ્કાર,
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તેને 11 વર્ષ થયા પણ હજી સુધી એકપણ પત્રકાર પરિષદ કરી નથી ને ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા તેને 11 મહિના થયા છતાં ઢગલાબંધ પત્રકાર પરિષદ કરી નાખી છે. ગુરૂવારે સવારે વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદ દરમિયાન તેમણે ભારત રશિયા પાસેથી ઓઈલ નહિ ખરીદે તેવો મુદ્દો ઉઠાવતાં ગ્લોબલ પોલિટિક્સમાં ફરી સળવળાટ થયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું?
ગુરૂવાર, 16 ઓક્ટોબરે વ્હાઈટ હાફસમાં પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા મિત્ર છે. અમારા સંબંધો ખૂબ સારા છે. હું ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાથી ખુશ નહોતો, પરંતુ આજે તેમણે (પીએમ મોદીએ) મને ખાતરી આપી કે તેઓ રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. હવે આપણે ચીન પાસેથી પણ આવું જ કરાવવું પડશે.
બધા જાણે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પહેલાં 25% રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. પછી એમ કરીને બીજો વધારાનો 25% ટેરિફ નાખી દીધો કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે. જેનાથી ભારત પર કુલ ટેરિફ 50% થઈ ગયો છે. ભારતે હજુ સુધી રશિયન તેલ ખરીદી રોકવા કે ઘટાડવા અંગે ગુરૂવાર સાંજ સુધી તો કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી.
ટ્રમ્પે કહ્યું, મોદી મને પ્રેમ કરે છે
વ્હાઈટ હાઉસમાં મીડિયાના પ્રશ્નોના જવાબમાં ટ્રમ્પે એમ પણ કહ્યું કે સર્જિયો ગોર જે ભારતમાં અમેરિકાના રાજદૂત બનવાના છે તેમને પીએમ મોદી તાજેતરમાં દિલ્હીમાં મળ્યા હતા. આ મુલાકાત પછી સર્જિયોએ મને કહ્યું કે મોદી તમને પ્રેમ કરે છે. જોકે, હું અહીં “પ્રેમ” શબ્દનું ખોટું અર્થઘટન ટાળવા માંગુ છું. હું કોઈની રાજકીય કારકિર્દી બગાડવા માંગતો નથી.
મેં વર્ષોથી ભારતનું નિરીક્ષણ કર્યું છે; સરકાર દર વર્ષે બદલાય છે. મારા મિત્ર (મોદી) ઘણા સમયથી ત્યાં છે. તેમણે ખાતરી આપી હતી કે ભારત હવે રશિયા પાસેથી ઓઈલ ખરીદશે નહીં. જોકે તેઓ તાત્કાલિક ખરીદવાનું બંધ નહિ કરી શકે, તેની એક પ્રક્રિયા છે જે ટૂંક સમયમાં પૂરી થશે.
વિપક્ષોને મુદ્દો મળી ગયો
વડાપ્રધાન મોદીએ રશિયા પાસેથી ઓઈલ નહિ ખરીદવાની ખાતરી આપી છે. એવું ટ્રમ્પનું નિવેદન આવ્યા પછી વિપક્ષોને મુદ્દો મળી ગયો છે. વિપક્ષે મોદી સરકાર પર તડાપીટ બોલાવી છે. ટ્રમ્પના દાવા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, પીએમ મોદી ટ્રમ્પથી ડરી ગયા છે. રાહુલ ગાંધીએ પાંચ વાતો લખી…
- હવે તો ટ્રમ્પ નિર્ણય લઈ લે છે કે ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદવું નહિ
- વારેવારે અપમાન છતાં મોદી ટ્રમ્પને અભિનંદન આપ્યા કરે છે.
- નાણામંત્રીએ પોતાની અમેરિકા યાત્રા રદ્દ કરી નાખી
- મોદી ઈજિપ્તની શાંતિ સમિટમાં ગયા નહિ
- ઓપરેશન સિંદૂર અંગે મોદી ટ્રમ્પનો ડાયરેક્ટ વિરોધ નથી કરતા
કોંગ્રેસે કહ્યું, મોદી નબળા વડાપ્રધાન
કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાન મોદી પર રાષ્ટ્રની ગરિમા સાથે સમાધાન કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે પ્રહાર કરતાં લખ્યું કે પરસ્પર મિત્રતા સુધારવા માટે દેશના સંબંધોને નુકસાન ન પહોંચાડો. નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રાષ્ટ્રની ગરિમા સાથે સમાધાન કર્યું છે. એક વાત સ્પષ્ટ છે: નરેન્દ્ર મોદી એક નબળા વડા પ્રધાન છે અને તેમના કામોએ દેશની વિદેશ નીતિને અસ્થિર બનાવી દીધી છે.
ટ્રમ્પના નિવેદન પર ભારતે જવાબ આપી દીધો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં એવું નિવેદન આપ્યું હતું કે ભારત હવેથી રશિયા પાસેથી ઓઈલ નહિ ખરીદે. આ સ્ટેટમેન્ટ સામે ભારતનો જવાબ પણ આવી ગયો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ભારત જનતાના હિતોને ધ્યાનમાં રાખીને ઓઈલ અને ગેસની આયાત કરે છે. ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું અમારા માટે સતત પ્રાથમિકતા રહી છે. જોકે જયસ્વાલે ટ્રમ્પના સ્ટેટમેન્ટ વિશે સ્પષ્ટ નથી કહ્યું પણ આડકતરી રીતે તેમના નિવેદનને ફગાવી દીધું છે.
ભારત પરના પ્રતિબંધોનો હેતુ રશિયા પર દબાણ લાવવાનો છે
રશિયા પર દબાણ લાવવા માટે અમેરિકાએ ભારત પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. ટ્રમ્પ વારંવાર દાવો કરે છે કે ભારત રશિયા પાસેથી જે ઓઈલ ખરીદે છે તે રૂપિયાનો ઉપયોગ રશિયા યુક્રેન યુદ્ધમાં કરે છે. ભારત પર રેસિપ્રોકલ ટેરિફ 7 ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો અને પેનલ્ટી 27 ઓગસ્ટથી અમલમાં આવી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિના લેવિટે કહેલું કે અમેરિકાનો હેતુ રશિયા પર દબાણ લાવવાનો છે જેથી યુદ્ધનો અંત લાવી શકાય.
રશિયા પાસેથી સસ્તા તેલની ખરીદી કેવી રીતે શરૂ થઈ?
ફેબ્રુઆરી 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી યુરોપે રશિયન તેલ પર પ્રતિબંધો લાદ્યા. ત્યારબાદ રશિયાએ તેનું ઓઈલ એશિયા તરફ વાળ્યું. ભારતે 2021માં રશિયન તેલનો માત્ર 0.2% આયાત કર્યો. 2025માં રશિયા ભારતનું સૌથી મોટું ઓઈલ સપ્લાયર બની ગયું. રશિયા ભારતની કુલ ઓઈલ જરૂરિયાતોના આશરે 37% ઓઈલ સપ્લાય કરે છે.
ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું કેમ બંધ નથી કરતું?
રશિયા પાસેથી તેલ ખરીદવાથી ભારતને ઘણા સીધા ફાયદા થાય છે…
- અન્ય દેશો કરતાં સસ્તું તેલ: રશિયા ભારતને અન્ય દેશો કરતાં સસ્તું ઓઈલ પૂરું પાડવાનું ચાલુ રાખે છે. જોકે, જે ડિસ્કાઉન્ટ પ્રતિ બેરલ 30 ડોલર સુધી હતું, તે હવે ઘટીને 3થી 6 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.
- લાંબા ગાળાના કરાર: ભારતીય ખાનગી કંપનીઓના રશિયા સાથે લાંબા ગાળાના કરાર છે. ઉદાહરણ તરીકે, ડિસેમ્બર 2024માં રિલાયન્સે રશિયા સાથે 10 વર્ષ માટે દરરોજ 5 લાખ બેરલ તેલ ઓઈલ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. આવા કરારો રાતોરાત તોડી શકાતા નથી.
- ગ્લોબલ પ્રાઈઝ પર અસર: ભારતની રશિયન ઓઈલ આયાત ગ્લોબલ ઓઈલના ભાવને સ્થિર કરવામાં મદદ કરે છે. જો ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરે છે તો ગ્લોબલ સપ્લાય ઘટી શકે છે. એટલે ભાવ વધી શકે છે. યુક્રેન સાથેના યુદ્ધ પછી માર્ચ 2022માં તેલના ભાવ પ્રતિ બેરલ 137 ડોલર સુધી પહોંચી ગયા હતા.
રશિયા સિવાય ભારત કયા દેશોમાંથી ઓઈલ ખરીદી શકે તેમ છે?
ભારત તેની ઓઈલ જરૂરિયાતોના 80% થી વધુ આયાત કરે છે. રશિયા ઉપરાંત તે ઇરાક, સાઉદી અરેબિયા અને અમેરિકા જેવા દેશોમાંથી તેનું મોટાભાગનું ઓઈલ ખરીદે છે. જો તે રશિયામાંથી ઓઈલ આયાત બંધ કરે છે તો ભારતે આ દેશોમાંથી તેની આયાત વધારવી પડશે…
- ઇરાક: રશિયા પછી ભારતનો બીજો સૌથી મોટો તેલ સપ્લાયર દેશ છે. જે આપણી આયાતનો આશરે 21% માલ પૂરો પાડે છે.
- સાઉદી અરેબિયા: ત્રીજો સૌથી મોટો સપ્લાયર છે. આપણી તેલ જરૂરિયાતોનો 15% (આશરે 7 લાખ બેરલ રોજ) આપે છે.
- અમેરિકા: જાન્યુઆરી-જૂન 2025માં ભારતે અમેરિકાથી દરરોજ 2 લાખ 71 હજાર બેરલ ઓઈલ આયાત કર્યું, જે અગાઉના આંકડા કરતા ડબલ હતું. જુલાઈ 2025માં ભારતની તેલ આયાતમાં અમેરિકાનો હિસ્સો 7% સુધી પહોંચી ગયો.
- દક્ષિણ આફ્રિકન દેશો: નાઇજીરીયા અને અન્ય દક્ષિણ આફ્રિકન દેશો પણ ભારતને ઓઈલ સપ્લાય કરે છે અને ત્યાંની સરકારી રિફાઇનરીઓ આ દેશો તરફ વળી રહી છે.
- અન્ય દેશો: અબુ ધાબી (યુએઈ)માંથી મુરબાન ક્રૂડ ભારત માટે એક મુખ્ય વિકલ્પ છે. ભારતે ગયાના, બ્રાઝિલ અને અન્ય લેટિન અમેરિકન દેશોમાંથી ઓઈલ આયાત કરવાનું શરૂ કર્યું છે. જો કે, આ દેશોમાંથી ઓઈલ ખરીદવું સામાન્ય રીતે રશિયન તેલ ખરીદવા કરતાં વધુ મોંઘું હોય છે.
ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરે તો શું થાય?
ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે તો ગલ્ફ દેશો પાસેથી મોંઘા ભાવે ઓઈલ ખરીદવું પડશે. આના કારણે થશે એવું કે ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે બળશે. ટ્રાન્સપોર્ટ મોંઘું થશે. વીજ ઉત્પાદન મોંઘું થશે. મોંઘવારી વધશે. બીજી તરફ રશિયાને પણ મોટું નુકસાન થશે. કારણ કે તેનું સૌથી મોટું ખરીદાર ભારત જ છે. નુકસાન બંને તરફ થશે પણ ભારતની જનતા પર સીધી અસર થશે.
આ નવું… રશિયાના ડેપ્યુટી PM બોલ્યા- ભારત ચીની કરંસીમાં પેમેન્ટ આપે છે
ન્યૂઝ એજન્સી TASS સાથેની એક મુલાકાતમાં રશિયના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે કહ્યું કે ભારતે રશિયન તેલ માટે ચીની યુઆનમાં કેટલુંક પેમેન્ટ આપે છે. જોકે મોટાભાગના વ્યવહારો હજુ પણ રશિયન રૂબલમાં થાય છે. અગાઉ ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે તો ભારતીય ચલણ એટલે કે રૂપિયામાં પેમેન્ટ કરતું હતું. હવે રશિયન રૂબલ અને ચીની યુઆનમાં પેમેન્ટ કરે છે. એવો દાવો રશિયાના ડેપ્યુટી PMએ કર્યો છે.
ભારતના રશિયન એમ્બેસેડરે શું કહ્યું?
ભારતમાં રહેલા રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે 4 મુદ્દા પર વાત કરી.
- ભારત-રશિયા સંબંધો વિશે: અમારા સંબંધો ગાઢ છે. અમારો વેપાર વધી રહ્યો છે. રશિયન માર્કેટમાં ભારતનું સ્વાગત છે.
- ઓઈલ આયાત પર: રશિયન ઓઈલ પુરવઠો ભારતીય અર્થતંત્ર માટે ફાયદાકારક છે. ભારત સરકાર તેના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપી રહી છે.
- પુતિનની ભારત મુલાકાત પર: તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પુતિનની ભારત મુલાકાત ફળદાયી રહેશે.
- ભારત-અમેરિકા સંબંધો પર: અમે દખલ કરતા નથી. આ દ્વિપક્ષીય સંબંધ છે.
છેલ્લે,
ભારતમાંથી જોઈએ તેટલું ઓઈલ નીકળતું નથી પણ અમુક ભૂભાગમાં ઓઈલ છે. 1889માં આસામના દિગ્બોઈમાં ભારતનો પહેલો ઓઈલ કૂવો ખોદવામાં આવ્યો હતો. અમેરિકાએ તેના 30 વર્ષ પહેલાં 1859 ઓઈલનો પહેલો કૂવો ખોદી લીધો હતો.
સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ.
આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર
(રિસર્ચઃ યશપાલ બક્ષી)