India South Africa World Cup Final Records; ICC | INDW Vs SA W | શું ઈન્ડિયન ટીમ સા. આફ્રિકા સામે બદલો લેશે?: લીગ મેચમાં આફ્રિકન ટીમે ભારતના હાથમાંથી જીતનો કોળિયો ઝૂંટવ્યો હતો; બન્ને ટીમ પર પ્રેશર બરાબર
સ્પોર્ટ્સ ડેસ્ક52 મિનિટ પેહલા
- કૉપી લિંક

ક્રિકેટની દુનિયામાં, ઓસ્ટ્રેલિયા અને ભારત પછી, છેલ્લા ત્રણ વર્ષથી સાઉથ આફ્રિકાની ટીમે પ્રભુત્વ જમાવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, દેશની મેન્સ અને વુમન્સ ટીમ સાતમાંથી પાંચ ICC ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી છે. વધુમાં, મેન્સ ટીમે આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ જીતીને વર્ષો જૂના કલંકને પણ ધોઈ નાખ્યું છે કે તેઓ ચોકર માનવામાં આવે છે.
સાઉથ આફ્રિકા હવે 2 નવેમ્બરના રોજ મહિલા ODI વર્લ્ડ કપ ફાઈનલમાં ઘરઆંગણે રમાનારી ટીમ ભારત સામે ટકરાશે. બંને ટીમમાંથી કોઈ પણ ટીમ ક્યારેય વર્લ્ડ કપ જીતી શકી નથી, પરંતુ ભારતની મહિલા ટીમ છેલ્લે પાંચ વર્ષ પહેલાં ICC ફાઇનલમાં રમી હતી. બીજી તરફ, સાઉથ આફ્રિકાની મહિલા ટીમ ICC ટુર્નામેન્ટમાં સતત ત્રીજી ફાઇનલ રમશે.
સ્ટોરીમાં, આપણે જાણીશું કે 2023 થી સાઉથ આફ્રિકા કેવી રીતે વિકસ્યું છે…
પાર્ટ-1: સાઉથ આફ્રિકા મેન્સ ટીમ
નેધરલેન્ડ્સ સામે હારીને T20 વર્લ્ડ કપમાંથી બહાર
2015ના ODI વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ, સાઉથ આફ્રિકાની ટીમ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ. જુલાઈ 2023 સુધી સાત ICC ટુર્નામેન્ટ યોજાઈ હતી, ફાઇનલ તો દૂરની વાત રહી, ટીમ એક પણ વખત સેમિફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી. 2022નો T20 વર્લ્ડ કપ સાઉથ આફ્રિકા માટે નોકઆઉટ તબક્કામાં પહોંચવાની સુવર્ણ તક હતી.
ગ્રૂપ-2માં, ટીમે બાંગ્લાદેશ અને ભારતને હરાવ્યા. ઝિમ્બાબ્વે સામેની મેચ ડ્રો રહી. નોકઆઉટમાં પહોંચવા માટે, ટીમને પાકિસ્તાન અથવા નેધરલેન્ડ્સ સામેની છેલ્લી બે મેચોમાંથી કોઈ એક જીતવાની જરૂર હતી. ટીમ પાકિસ્તાન સામે હારી ગઈ, પરંતુ પ્રથમ ઇનિંગમાં નેધરલેન્ડ્સને 158 રન સુધી ઓલઆઉટ કર્યું.
સાઉથ આફ્રિકાએ 12 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને 87 રન બનાવ્યા હતા. આઠ ઓવરમાં 72 રનની જરૂર હતી અને સાત વિકેટ બાકી હતી, પરંતુ ટીમે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને 20 ઓવરમાં માત્ર 145 રન જ બનાવી શકી હતી. નેધરલેન્ડ્સે 13 રનથી મેચ જીતીને સાઉથ આફ્રિકાને વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું હતું.

ODI વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર
2023માં, સાઉથ આફ્રિકા ODI વર્લ્ડ કપમાં સારું પરફોર્મન્સ ફર્યું. તેમણે નવ લીગ સ્ટેજ મેચમાંથી સાત જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. તેમણે રાઉન્ડ રોબિનમાં ઓસ્ટ્રેલિયાને પણ હરાવ્યું, અને કોલકાતામાં તેમની સામે સેમિફાઇનલ મુકાબલો કર્યો.
સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સાઉથ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતા સાત મેચ જીતી હતી. તેમને ઓસ્ટ્રેલિયાએ ઇડન ગાર્ડન્સ ખાતે પ્રથમ બેટિંગ કરવા માટે મોકલ્યા હતા. પરંતુ વરસાદે તેમના પ્લાનિંગ પર પાણી ફેરવી દીધું હતું. આકાશ વાદળછાયું હતું, જેના કારણે બોલિંગ માટે પરિસ્થિતિ સરળ બની ગઈ. ટીમે 24 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.
હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલર ટીમને 100 રનથી વધુ રન બનાવ્યા. ક્લાસેન 47 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ મિલરે એકલા હાથે લડત આપી, સદી પણ ફટકારી પરંતુ ટીમને 212 રન સુધી પહોંચાડવામાં સફળ રહ્યો. નાના ટાર્ગેટને ચેઝ કરતા, ઓસ્ટ્રેલિયાએ 193 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી, પરંતુ મિચેલ સ્ટાર્ક અને કેપ્ટન પેટ કમિન્સે ભાગીદારી કરીને ટીમને ફાઈનલમાં પહોંચાડી દીધી.

ભારત સામે T20 ફાઇનલ હારી ગયો
ODI વર્લ્ડ કપમાં હાર બાદ, સાઉથ આફ્રિકા બીજા જ વર્ષે T20 વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. તેઓએ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવ્યું અને ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યાં તેમનો સામનો બાર્બાડોસમાં ભારત સામે થયો.
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વિરાટ કોહલી અને અક્ષર પટેલે ટીમને સ્થિર કરી. વિરાટે 76 અને અક્ષર પટેલે 47 રન બનાવીને ટીમને 176 રન સુધી પહોંચાડી દીધી. આ ટાર્ગેટનો ચેઝ કરતા સાઉથ આફ્રિકા 15 ઓવરમાં 147 રન બનાવી લીધા હતા.
30 બોલમાં માત્ર 30 રનની જરૂર હતી, જેમાં હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલર જેવા ધૂરંધરો મેદાન પર હતા. અહીંથી જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ ભારતને ગેમમાં લાવી દીધું. છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી, પરંતુ હાર્દિકે માત્ર 8 રન આપીને સાઉથ આફ્રિકા પાસેથી ટ્રોફી છીનવી લીધી. બીજા વર્ષે, ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઈનલમાં સા. આફ્રિકાની ટીમ ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ.

ઓસ્ટ્રેલિયાને હરાવીને જ ચેમ્પિયન બની ટીમ
સાઉથ આફ્રિકાની લાંબા સમયથી રાહ જોવાતી ICC ટ્રોફી જીતનો આખરે 2025માં અંત આવ્યો. ટીમે એશિયન પરિસ્થિતિઓમાં સિરીઝ જીતી અને પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં સ્થાન મેળવ્યું. ફાઇનલ મેચ લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ હતી.
ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા મુશ્કેલ પીચ પર 212 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકા માત્ર 138 રન જ બનાવી શક્યું હતું. સાઉથ આફ્રિકાએ બીજી ઇનિંગમાં કમબેક કર્યું. ઓસ્ટ્રેલિયાને 207 રનમાં ઓલઆઉટ કર્યું. ટીમને 282 રનનો ટાર્ગેટ મળ્યો, પરંતુ ત્યાં સુધીમાં પીચ બેટિંગ કરવા માટે સરળ બની ગઈ હતી.
પીચ બેટિંગ માટે અનુકૂળ હતી, પરંતુ સાઉથ આફ્રિકાના માથે “ચોકર્સ” ના લેબલને દૂર કરવાનું પ્રેશન હતું. ટાર્ગેટ ચેઝમાં ટીમે 70 રનમાં બે વિકેટ ગુમાવી દીધી. ત્યાંથી, એડન માર્કરમ અને કેપ્ટન ટેમ્બા બાવુમાએ બાજી સંભાળી. બાવુમા 66 રન બનાવીને આઉટ થયો, પરંતુ તેણે ટીમને 200 રનને પાર પહોંચાડી. માર્કરમે 136 રન બનાવ્યા, અને ટીમે માત્ર પાંચ વિકેટ ગુમાવીને ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી. આ પહેલી વાર હતું જ્યારે સાઉથ આફ્રિકા કોઈપણ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું.

પાર્ટ-2: સાઉથ આફ્રિકાની વુમન્સ ટીમ
ODI વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારી ગયું
ઈન્ટરનવેશનલ ક્રિકેટમાં પરત ફર્યા પછી, સાઉથ આફ્રિકાની મહિલા ટીમે 2017 ODI વર્લ્ડ કપમાં પોતાની પહેલી ICC સેમિફાઇનલ રમી, પરંતુ ઇંગ્લેન્ડ સામે હારી ગઈ. 2022માં, તેઓ ફરીથી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાયા, પરંતુ ફરીથી ઇંગ્લેન્ડ સામે હારીને બહાર થઈ ગયા. આ વખતે, તેઓ 137 રનથી મોટા માર્જિનથી હારી ગયા.
પહેલા ઓસ્ટ્રેલિયા, પછી ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ હાર્યું
સાઉથ આફ્રિકાએ 2023 અને 2024માં T20 વર્લ્ડ કપમાં વાપસી કરી હતી. બંને વખત, તેઓ ફાઇનલમાં પહોંચ્યા હતા, પરંતુ 2023માં ઓસ્ટ્રેલિયા અને 2024માં ન્યૂઝીલેન્ડ સામે ટાઇટલ હારી ગયા હતા. 2023માં, તેઓ તેમના ઘરઆંગણે 19 રનથી નજીવા અંતરથી હારી ગયા હતા.

ઇંગ્લેન્ડ સામે બદલો લીધો; સતત ત્રીજી ફાઇનલમાં પહોંચ્યાં
સતત બે ફાઇનલ હાર્યા બાદ, સાઉથ આફ્રિકા 2025 મહિલા ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચ્યું. લીગ તબક્કામાં, ટીમ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે બે મેચ હારી ગઈ. બંને વખત, ટીમ પ્રથમ બેટિંગ કરતી વખતે 100 રન પણ બનાવી શકી નહીં. ઇંગ્લેન્ડે તેમને 69 રનમાં ઓલઆઉટ પણ કરી દીધા.
મેચ પછી, સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલવાર્ટે કહ્યું કે તેમની ટીમ એવી નથી કે જે 69 રનમાં ઓલઆઉટ થઈ જાય. સેમિફાઇનલમાં, વોલવાર્ટે જવાબદારી સંભાળી અને એકલા હાથે 169 રન બનાવ્યા. તેની ઇનિંગથી ટીમ 319 રન સુધી પહોંચી અને ઇંગ્લેન્ડને 125 રનથી હરાવીને સતત ત્રીજી ICC ફાઇનલમાં પહોંચી.

ભારત સામે તેમના ઘરઆંગણે ટાઇટલ માટે ટક્કર
સાઉથ આફ્રિકાની મહિલા ટીમ હવે 2 નવેમ્બરે ભારતના ઘરઆંગણે વર્લ્ડ કપ ફાઇનલમાં ઈન્ડિયા સામે રમશે. બંને ટીમે એકબીજા સામે 34 વન-ડે રમી છે, જેમાં ભારતે 20 અને સાઉથ આફ્રિકાએ 13 મેચ જીતી છે.
ટુર્નામેન્ટ પહેલાં, ભારતે સાઉથ આફ્રિકાને સતત પાંચ વન-ડે મેચમાં હરાવ્યું હતું, પરંતુ ટીમે લીગ સ્ટેજમાં ભારતીય મહિલા ટીમને ત્રણ વિકેટથી હરાવીને સ્કોર બરાબર કર્યો હતો. આ દરમિયાન, ભારતે સાત વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલમાં સૌથી વધુ વન-ડે ટાર્ગેટને ચેઝ કર્યો અને ફાઇનલ મેચમાં સ્થાન મેળવ્યું. આ મેચ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે. કઈ ટીમ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બને છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
