મહેસાણા તપોવન સ્કૂલમાં ફૂટબોલ રમતી વખતે 13 વર્ષના જૈમીલનું દુખદ મોત | મહેસાણા
Last Updated:
મહેસાણાની તપોવન સ્કૂલમાં 13 વર્ષના જૈમીલનું ફૂટબોલ રમતી વખતે હૃદય બંધ થતાં દુખદ મોત, પોલીસ તપાસ ચાલુ છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ.
મહેસાણા: ગુજરાતમાં વધુ એક વિદ્યાર્થીનું રમતાં રમતાં મોત નીપજ્યું છે. 13 વર્ષનો જૈમીલ તપોવન સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમી રહ્યો હતો. આ દરમિયાન રમતાં રમતાં તે અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ વિદ્યાર્થીનું દુખદ મોત નીપજ્યું છે. ફૂટબોલ રમતી વખતે હૃદય બંધ થતા આ મોત નીપજ્યાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. જોકે, આ બાળકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તે બાદ જ ચોક્કસ કારણની જાણ થઈ શકે છે. મહેસાણા સિવિલમાં પેનલ પીએમ બાદ વિશેરા પણ લેવામાં આવ્યા છે. આ અંગે લાંઘણજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કરૂણ ઘટના બાદ પરિવાર અને આખી શાળામાં શોકનો માહોલ છવાયો છે.
આ દુખદ ઘટના મહેસાણાની તપોવન સ્કૂલમાં બની છે. દશરથ પટેલ સંસ્થા સંચાલકના જણાવ્યા પ્રમાણે, આ છોકરો ત્રણ વર્ષથી હોસ્ટેલમાં રહે છે. રૂટિન પ્રમાણે, સવારે શાળામાં આવ્યો. જે પછી તે બપોરે ચાર સડાચાર વાગે કોચિંગમાં ગયો હતો. જે પછી નાસ્તો કરવા ગયો. તે પછી તે ગ્રાઉન્ડ પર બધા બાળકોની સાથે રમવા આવી ગયો હતો. તે રમતાં રમતાં જ બાળકોની હાજરીમાં નીચે પડી ગયો હતો. બાળકોને ખબર હતી કે, એક વર્ષ પહેલા આને આવું થયું હતું તો બાળકોએ તેના પર પાણી છાંટ્યું એને હલાવ્યો પરંતુ તે ઊભો થયો નહીં. હોસ્ટેલના વોર્ડન પણ ત્યાં જ હતા એટલે બધા સાથે મળીને તેને દવાખાને લઈ ગયા હતા. હું પણ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. ડોક્ટરે બનતા પ્રયત્નો કર્યા પરંતુ બાળક બચી શક્યો નહીં. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, બાળકને હાર્ટની તકલીફ હોઈ શકે છે. જોકે, હજી તેનો પીએમ રિપોર્ટ આવ્યો નથી.
આ સાથે તેમણે વધુમાં ઉમેર્યું કે, બાળકના દાદા મારા મિત્ર છે. મારા ઘણાં વર્ષોથી સંપર્કમાં છે. તેમના પરિવારના અન્ય બાળકો પણ અહીં ભણ્યા છે. બાળક સાથે આવું થાય તો ઘણું દુખ થાય.
રાજકોટમાંથી પણ આવો જ એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. શહેરના કાલાવડ રોડ પર રહેતા અને ધોરણ 12માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું રવિવારે (23 નવેમ્બર) સ્કૂલમાં વોલીબોલ રમતી વખતે અચાનક ઢળી પડવાથી કરુણ મોત નીપજ્યું છે. પ્રાથમિક તારણમાં હાર્ટ એટેકને કારણે મૃત્યું થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટના કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની પાછળ આવેલી ‘સેલેનિયમ હેરીટેજ’ બિલ્ડિંગમાં રહેતા આદિત્ય આકાશભાઈ વાછાણી (ઉં.વ. 18) શહેરના આકાશવાણી ચોક નજીક આવેલી એસએનકે સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. રવિવારે રજા હોવાથી આદિત્ય પોતાના મિત્રો સાથે સ્કૂલના ગ્રાઉન્ડમાં વોલીબોલ રમવા ગયો હતો. રમત ચાલુ હતી ત્યારે અચાનક આદિત્ય બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો અને તેનું મોત નીપજ્યું હતુ.
Mahesana,Gujarat
November 26, 2025 1:46 PM IST
