બટાકાનું વાવેતર મોડું થતા ઉત્પાદન ઘટશે – Delay in potato planting will reduce production | મહેસાણા
વર્ષોથી બટાકાનું વાવેતર કરતા ખેડૂત પટેલ રિધમભાઈ નિલેશકુમાર જણાવે છે કે આ વિસ્તારમાં કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ “સંતાના” જાતના વેફર બનાવવા માટેના બટાકાનું વાવેતર વધુ થાય છે. કંપનીની બે જાતના બિયારણના ભાવ અનુક્રમે 1,650 અને 1,575 રૂપિયા છે. પરંતુ મોંઘા બિયારણ અને લેટ વાવણી, બંને પરિસ્થિતિઓ હવે ખેડૂતો માટે ડબલ મુશ્કેલી ઊભી કરી રહી છે.

રિધમભાઈ જણાવે છે કે સમયસર વાવણી થાય, પરિસ્થિતિ અનુકૂળ રહે અને જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એક વીઘામાંથી સંતાના જાતના બટાકાનું અંદાજે 450 મણ જેટલું ઉત્પાદન થાય છે. પરંતુ આ વર્ષે 20 થી 25 દિવસ જેટલો વિલંબ થવાના કારણે ઉત્પાદન માત્ર 300 મણ સુધી સીમિત રહી જવાની શક્યતા છે. એટલે કે એક વીઘામાં લગભગ 100 થી 150 મણનું ઉત્પાદન ઓછું મળશે. આ ઘટાડાના કારણે ખેડૂતોની આવક પર સીધી અસર થશે.
ઉત્પાદનમાં આટલો ઘટાડો થવાથી એક વીઘામાં ઓછામાં ઓછું 25,000 રૂપિયા જેટલું નુકસાન ખેડૂતને સહન કરવું પડે એવી આશંકા છે. મગફળીની સિઝનમાં થયેલી ભારે નુકસાની બાદ હવે બટાકાના વાવેતરમાં પણ આર્થિક ફટકો લાગવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. લેટ વાવણીના કારણે રોગ અને જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતાઓ નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી છે. જમીનની ભીનાશ વધુ રહેવી, તાપમાન અનિયમિત રહેવું અને પાકનો નેચરલ ગ્રોથ ચક્ર મોડો થવાથી બટાકામાં ફૂગજન્ય રોગો, પાનકીડ અને અન્ય જીવાતો વધી શકે છે. પરિણામે દવાનો ખર્ચ પણ વધે છે, એટલે ખેડૂતોને વધારાનો ખર્ચ સહન કરવો પડે છે.
વિજાપુર વિસ્તારમાં જ્યાં વરસાદ પડ્યો છે, ત્યાં વાવણી મોટા પ્રમાણમાં મોડી થઈ છે. લગભગ દરેક ગામમાં ખેડૂતો સમાન સમસ્યા અનુભવી રહ્યાં છે, મોંઘું બિયારણ, મોડું વાવેતર, રોગ-જીવાતનો ખતરો અને ઉત્પાદન ઓછું. રણસીપુર, સરદારપુર, ટેચાવા, કોટ, રામપુર કોટ જેવા ગામોમાં આ વર્ષની સીઝન ખેડૂતો માટે ખાસ્સી કઠિન બની રહી છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે ખેતીમાં મહેનત વધારે છે અને આવક ઓછી. એક પાક નિષ્ફળ જતાં બીજાની આશ પર વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ અસમયે વરસાદ અને પર્યાવરણમાં ફેરફારોએ ખેડૂતોની ગણતરી જ બદલી નાખી છે. કુલ મળીને, વિજાપુર વિસ્તારના ખેડૂતો માટે આ સીઝન અનિશ્ચિતતા અને નુકસાન ભરેલી બની ગઈ છે. એક તરફ મગફળીનો પાક બગડ્યો, બીજી તરફ બટાકાની વાવણી મોડી થઈ, હવે ઉત્પાદન ઘટવાથી આવક પર સીધી અસર પડશે.