board has made big change in time table for board exams of class 10 and 12 Students are upset that exams are being held on day of Dhuleti | ગાંધીનગર


Last Updated:

board exams on Dhuleti: વર્ષ 2026માં યોજાનાર 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના સમય પત્રકને લઈને બોર્ડનો છબરડો સામે આવ્યો છે. ધૂળેટીના દિવસે જ એટલે કે જાહેર રજાના દિવસે જ બોર્ડ દ્વારા પરીક્ષાનું પેપર ગોઠવી દેતા વિવાદ સર્જાયો છે, વર્ષ 2023માં પણ બોર્ડની પરીક્ષામાં ચેટીચંડના દિવસે પરીક્ષાનું પેપર રાખતા વિવાદ થયો હતો.

ધૂળેટીના દિવસે બોર્ડ પરીક્ષા
ધૂળેટીના દિવસે બોર્ડ પરીક્ષા

અમદાવાદ: આગામી ફેબ્રુઆરી માસથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી ચાલવાની છે. જો કે આ પરીક્ષાના સમય પત્રકને લઈને બોર્ડનો છબરડો સામે આવ્યો છે. એક તરફ બોર્ડની પરીક્ષાઓ અને બીજીતરફ તહેવાર અને તેવામાં ધૂળેટીના દિવસે જ એટલે કે જાહેર રજાના દિવસે જ બોર્ડ દ્વારા પરીક્ષાનું પેપર ગોઠવી દેતા વિવાદ સર્જાયો છે, ત્યારે તહેવાર સમયે જ બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી સામે આવી છે.

અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનાના પહેલા કે બીજા સપ્તાહમાં શરૂ થતી હતી. પરંતુ ગત વર્ષથી આ પરીક્ષાઓ ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહથી જ શરૂ કરી દેવામાં આવે છે. એટલે કે જેટલા ઝડપથી પરીક્ષાઓ પૂર્ણ થાય તેટલું જ ઝડપથી પરિણામ અને પછી અન્ય કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ શકે.

આ વર્ષે પણ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહથી શરૂ કરવામાં આવશે. જે માટેનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે જે અંતર્ગત 26 ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ 16 માર્ચ સુધી ચાલવાની છે. જો કે આ સમય જાહેર થયેલા ટાઈમ ટેબલમાં ધૂળેટી જેવા તહેવારમાં એટલે કે જાહેર રજાના દિવસે જ બોર્ડની પરીક્ષાના પેપરને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

આગામી 3 માર્ચ 2026ના રોજ હોળીનો તહેવાર હોલિકા દહન છે અને બીજા દિવસે 4 માર્ચ 2026ના રોજ ધૂળેટીનું પર્વ છે. બોર્ડના આયોજન મુજબ, આ ધૂળેટીના દિવસે જ 4 માર્ચના રોજ ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કોમર્સમાં નામાના મૂળ તત્વોનું પેપર છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ આર્ટસમાં ઇતિહાસનું પેપર, ધોરણ 12 સાયન્સમાં જીવ વિજ્ઞાનનું પેપર રાખવામાં આવ્યું છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઈ છે. તહેવારના સમયમાં પરીક્ષા કેવી રીતે રાખી શકાય તેવો ગણગણાટ પણ શરૂ થઈ ગયો છે.

અધૂરામાં પૂરું ધૂળેટીના પર્વએ જાહેર રજા આવે છે અને જાહેર રજાના દિવસે બોર્ડ દ્વારા પરીક્ષાનું ટાઈમ ટેબલ ગોઠવી દેતા વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને અસમંજસમાં છે. મહત્વનું છે કે બોર્ડ દ્વારા પરીક્ષાના સમય પત્રકને લઈને છબરડો કે ભૂલ કરી હોય તેવો આ પહેલો દાખલો નથી અગાઉ પણ આ પ્રકારે પરીક્ષાના ટાઈમ ટેબલમાં ભૂલ થઈ ચૂકી છે. વર્ષ 2023માં બોર્ડની પરીક્ષામાં ચેટીચાંદના તહેવારના દિવસે જ પરીક્ષાનું પેપર ગોઠવાયું હતું. જેને લઈને સિંધી સમાજમાં નારાજગી થઈ હતી અને પરીક્ષાનો સમય બદલવા રજૂઆતો કરવામાં આવી હતી. આવી જ રજૂઆતો આ વખતે થાય અને પરીક્ષાની તારીખ બદલાય તેવી માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *