અમદાવાદ: SG Highway પર સોલા ભાગવત પાસે ક્લોરીન ગેસ સિલિન્ડર લિકેજ, ફાયર વિભાગના 2 જવાનો ઘાયલ-Clorin gas cylinder leakage near Sola Bhagwat on SG Highway in Ahmedabad | અમદાવાદ
Last Updated:
અમદાવાદમાં એસજી હાઈવે પર સોલા ભાગવત પાસે ક્લોરીન ગેસ સિલિન્ડર લિકેજની ઘટના સામે આવી છે. જેમાં ફાયર બ્રિગેડના 2 જવાનો ઘાયલ થતા તેમને સોલા સિવિલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ: શહેરના સોલા ભાગવત પાસે વિવાનતા હોટલ પાસે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં અહીંયા ગેસ સિલિન્ડર લિકેજની ઘટના બની છે. આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચ્યા બાદ સામે આવ્યું કે ક્લોરીન ગેસ અહીંયા લિકેજ થયો હતો. આ ઘટનાને લઈને ફાયર વિભાગના બે જવાનો ઘાયલ પણ થયા હતા. જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ગેસ લીકેજને લઈને આસપાસના લોકોમાં આંખમાં બળતરા થયા હતા. સાથે જ શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. જેને લઈને ફાયર બ્રિગેડના જવાનોને પણ ગંભીર અસર પહોંચી હતી. આ ગેસની દુર્ઘટનામાં યુવરાજ સિંહ અને વિજય ચૌહાણ નામના બે જવાનોને ગંભીર અસર પહોંચી હતી. જેથી તેમને સોલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
જે બંન્ને જવાનો ઘાયલ થયા છે તેઓ થલતેજ ફાયરબ્રિગેડના જવાનો હોવાનું સામે આવ્યું છે. જોકે તે બંન્ને હાલ સ્વસ્થ છે. બનાવ સમયે પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે પાણીનો મારો ચલાવીને ફાયરબ્રિગેડે કામગીરી હાથ ધરી હતી. જ્યાં સુધી સંપૂર્ણ ગેસ બહાર ન નીકળી જાય ત્યાં સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જેથી ગેસ હવામાં વધારે ન ફેલાય.
ઉલ્લેખનીય છે કે આ ગેસ સિલિન્ડર ત્યાં કેવી રીતે પહોંચ્યો અને કેવી રીતે લીકેજ થયો તેને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે. એસજી હાઈવે જેવા વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહન ચાલકોની અવરજવર હોય છે. જો આ ગેસ વધારે ફેલાતો તો લોકોને ગંભીર નુકસાન પણ પહોંચી શકતું હતું. જેથી આ ગેસ સિલિન્ડર કોણે ત્યાં મૂક્યો તેને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે.
Ahmedabad,Gujarat
December 07, 2025 10:57 PM IST
