યુવતીએ યુવકને પોતાની જાળમાં ફસાવી રોકાણના નામે 1.05 કરોડની છેતરપિંડી કરી નાખી – The girl lured the young man into her trap and cheated him of 1.05 crores in the name of investment. | અમદાવાદ
Last Updated:
ઇશિતા અરોરા, નારણપુરા અને થલતેજમાં સાયબર ફ્રોડથી 1.05 કરોડ, 75.18 લાખ અને 51.83 લાખની છેતરપિંડી, પોલીસ અને સાયબર ક્રાઇમમાં ગુના નોંધાયા. સાયબર ક્રાઇમમાં અલગ અલગ રીતે છેતરપિંડીના ત્રણ બનાવો સામે આવ્યા.
શહેરમાં રહેતા એક યુવકને એક યુવતીએ ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. બંને વચ્ચે વાતચીત થયા બાદ યુવતીએ એક જ માસમાં યુવકને શેરબજારમાં રોકાણની લાલચ આપતા યુવક ફસાઈ ગયો હતો. તેણે યુવતીની લાલચમાં આવીને બે જ માસમાં 1.05 કરોડનું રોકાણ કર્યું હતું. જેની સામે 2.24 કરોડ વોલેટ બેલેન્સ બતાવતા તેણે વિડ્રો કરવાની પ્રોસેસ કરતા આઇડી સસ્પેન્ડ થયું હોવાનું બતાવવામાં આવ્યું હતું. જે બાદ ગઠિયાઓએ ફોરેક્સ ફી પેટે 60 લાખ ટેક્સ ભરવાનું કહેતા તેને ફ્રોડની શંકા ગઈ હતી. જેથી આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૂળ ઉત્તર પ્રદેશનો 38 વર્ષીય યુવક નાના ચિલોડા નજીક રહે છે અને ગિફ્ટ સિટી પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે.
ગત સપ્ટેમ્બર માસમાં તેને ઇશિતા અરોરા નામની યુવતીએ ફેસબુક રિક્વેસ્ટ મોકલી હતી. જે બાદ બંને વોટ્સએપ પર વાત કરતા હતા. ઇશિતાએ પોતે ફેશન ડિઝાઇનર હોવાનું કહીને પોતે દિલ્હીની છે અને સાઉથ બોપલમાં રહે છે તેવી વાતો કરીને ટ્રેપ ગોઠવી હતી. જે બાદ વાત વાતમાં ઇશિતાએ શેરબજારમાં રોકાણ કરવાથી ઊંચા વળતરની લાલચ આપીને એક એપ્લિકેશનની વાત કરી હતી. યુવક અને ઇશિતા વચ્ચે એક મહિના સુધી શેરબજાર, કામકાજ અને મિત્રતાની વાતો થઈ હતી. આ દરમિયાનમાં ઇશિતાએ ભરોસો કેળવીને યુવકને એક લિંક મોકલી હતી. જે લિંક મારફતે યુવકનું આઇડી અને વોલેટ બન્યું હતું. જે બાદ પહેલા યુવકે 50 હજારની રકમનું રોકાણ કર્યું હતું અને તે જ દિવસે તેનો 100 યુએસ ડોલરનો પ્રોફિટ બતાવ્યો હતો. જેથી યુવકે તે રકમ વિડ્રો કરવા જતા 9300 રૂપિયા ખાતામાં આવી ગયા હતા.
આમ, ઇશિતા પર ભરોસો રાખીને આ યુવકે બે જ માસમાં 17 જેટલા ટ્રાન્ઝેક્શનથી રૂ. 1.05 કરોડની રકમનું રોકાણ કર્યું હતું. જેની સામે વોલેટ બેલેન્સ રૂ. 2.24 કરોડ બતાવતું હતું. જેથી યુવક લાલચમાં આવીને તે રકમ વિડ્રો કરવા જતા તેનું આઇડી સસ્પેન્ડ થયું હોવાનું બતાવવામાં આવ્યું હતું. તેણે ઇશિતાને વાત કરતા ફોરેક્સ ફી પેટે 60 લાખ ટેક્સ ભરવાનું કહેતા તેને ફ્રોડની શંકા ગઈ હતી. જેથી આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વૃદ્ધ સાથે 75.18 લાખનું સાયબર ફ્રોડ. નારણપુરામાં રહેતા વૃદ્ધને ફેસબુક પર શેરબજારમાં રોકાણ માટેનો મેસેજ આવ્યો હતો. જે બાદ ગઠિયાઓએ તેમને લિંક મોકલીને વોટ્સએપ ગ્રૂપમાં એડ કર્યા હતા. વૃદ્ધે કુલ રૂ. 75.18 લાખનું રોકાણ કર્યું હતું. જે બાદ તેમને નાણાં વિડ્રો ન કરવા દઈને ગઠિયાઓએ 21.01 લાખ સર્વિસ ફીના માંગીને 75.18 લાખનું ફ્રોડ કરતા સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ક્રિપ્ટોમાં રોકાણના નામે 51.83 લાખનું સાયબર ફ્રોડ. થલતેજમાં રહેતા 52 વર્ષીય આધેડને ઇન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ આવી હતી. મેસેજ કરનારે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરો તો મોટો નફો મળે તેવી લાલચ આપીને 53.12 લાખની રકમ મેળવી લીધી હતી. આરોપીઓએ 15 ટકા કમિશનની લાલચ આપીને રકમ વિડ્રો ન કરવા દઈને મૂડી કે નફો ન આપીને 51.83 લાખનું સાયબર ફ્રોડ કરતા સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Ahmedabad,Gujarat
December 14, 2025 8:11 PM IST
