IPL 2026 Mini Auction Abu Dhabi Update; Surprise Bids Young Indian Players Earn Crores | IPL ઓક્શનના ટૉપ-5 સરપ્રાઈઝ: અનકેપ્ડ ઈન્ડિયન પ્રશાંત-કાર્તિક 14-14 કરોડમાં વેચાયા, 2 સીઝનથી અનસોલ્ડ હોલ્ડરને 7 કરોડ મળ્યા
સ્પોર્ટ્સ ડેસ્ક21 કલાક પેહલા
- કૉપી લિંક

26 માર્ચથી શરૂ થનારા IPL 2026 માટે મંગળવારે અબુ ધાબીમાં મિની ઓક્શન યોજાયું. 10 ટીમે કુલ 156 ખેલાડીઓ પર બોલી લગાવી, જેમાં 215.45 કરોડ રૂપિયા ખર્ચીને 77 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા. ઓક્શનમાં ઘણા મોટા નામો પર પૈસા લાગ્યા, પરંતુ આ વખતે સૌથી વધુ ચોંકાવનારી ડીલ એવા ખેલાડીઓના રહ્યા, જેમની પાસેથી આટલી મોટી રકમની અપેક્ષા નહોતી.
20 વર્ષના પ્રશાંત વીર, 19 વર્ષના કાર્તિક શર્મા અને 29 વર્ષના આકિબ નબી ડાર જેવા ભારતીય ખેલાડીઓ આ ઓક્શનના મોટા સરપ્રાઈઝ સાબિત થયા. આ એવા ખેલાડીઓ હતા, જેમની પર પહેલા વધુ ચર્ચા નહોતી, પરંતુ ફ્રેન્ચાઈઝીઓએ તેમને ખરીદવા માટે દિલ ખોલીને પૈસા ખર્ચ્યા.
સ્ટોરીમાં આવા જ પાંચ ખેલાડીઓનું બેકગ્રાઉન્ડ, સંઘર્ષ અને પાછલું પ્રદર્શન…
1. પ્રશાંત વીર
જાડેજાનો વિકલ્પ, પ્રેશરમાં રન બનાવી શકે છે
અમેઠીનો રહેવાસી પ્રશાંત વીર ડાબા હાથના સ્પિનર છે અને લોઅર ઓર્ડરમાં ઝડપથી રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે ઓક્શનમાં તેનું નામ આવ્યું, ત્યારે એવું લાગ્યું કે તે કદાચ અનસોલ્ડ રહી જશે, કારણ કે તેના પહેલા છઠ્ઠા સેટના તમામ ખેલાડીઓ ખરીદાયા વગર પાછા ફર્યા હતા.
30 લાખના બેઝ પ્રાઈઝ પર LSG અને MI એ સૌથી પહેલા પેડલ ઉઠાવ્યું. થોડી જ વારમાં CSK પણ બોલીની રેસમાં સામેલ થઈ ગઈ. બોલી જ્યારે 2 કરોડ સુધી પહોંચી ત્યારે MI બહાર થઈ ગઈ. ત્યારબાદ RR એ પણ દાવેદારી રજૂ કરી, પરંતુ ચેન્નઈ પાછળ ન હટી. જ્યારે કિંમત 6.60 કરોડ સુધી પહોંચી, ત્યારે SRH પણ બિડિંગ વોરમાં કૂદી પડી. સાઉથની ફ્રેન્ચાઈઝી સાથે થયેલી આ જોરદાર બોલીએ આખરે પ્રશાંત વીરની કિંમત 14.20 કરોડ રૂપિયા સુધી પહોંચાડી દીધી.

અત્યાર સુધી શું કર્યું? પ્રશાંત વીર અત્યાર સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. તે UP T20 લીગમાં ઇમર્જિંગ પ્લેયર રહ્યો છે. જ્યાં તેણે 10 મેચમાં 155.34ના સ્ટ્રાઇક રેટથી 320 રન બનાવ્યા. આ સાથે જ બોલિંગમાં પણ યોગદાન આપતા 8 વિકેટ ઝડપી.
આટલું જ નહીં, અંડર-23 ટુર્નામેન્ટમાં તેણે યુપીની ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ ટુર્નામેન્ટમાં પ્રશાંતે 94ની સરેરાશથી 376 રન બનાવ્યા અને 18 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો.
2. કાર્તિક શર્મા
પાવર હિટિંગને પીટરસને વખાણી
19 વર્ષીય વિકેટકીપર બેટર કાર્તિક શર્મા લાંબા છગ્ગા મારવાની ક્ષમતા માટે જાણીતો છે. આ જ કારણોસર ઘણી ફ્રેન્ચાઇઝીઓની ટેલેન્ટ સ્કાઉટ ટીમની નજર તેમના પર ટકેલી હતી. લોઅર ઓર્ડરમાં તેની વિસ્ફોટક બેટિંગને કારણે તેને રાજસ્થાનના ‘સિક્સ હિટિંગ મશીન’નો ટેગ મળ્યો છે. કાર્તિકના વખાણ ઇંગ્લેન્ડના કેવિન પીટરસન અને સ્પિનર આર. અશ્વિન પણ કરી ચૂક્યા છે.
30 લાખની બેઝ પ્રાઇસ પર જ્યારે કાર્તિકનું નામ આવ્યું, ત્યારે સૌથી પહેલા MIએ પેડલ ઉઠાવ્યું, ત્યારબાદ LSG પણ રેસમાં સામેલ થઈ ગઈ. MI બહાર થયા પછી KKRએ બોલીને 2.8 કરોડ રૂપિયા સુધી પહોંચાડી દીધી. ત્યારે CSKની એન્ટ્રી થઈ અને બંને વચ્ચે થયેલી બિડિંગ વોરે કાર્તિકની કિંમત 6 કરોડથી આગળ પહોંચાડી દીધી.
જ્યારે બોલી 13 કરોડ સુધી પહોંચી, ત્યારે કોલકાતા પાછળ હટી ગયું, ત્યારબાદ SRH એ કિંમત વધારીને 14.20 કરોડ રૂપિયા કરી દીધી. એક સમયે એવું લાગતું હતું કે કાર્તિકને પ્રશાંત વીર કરતાં પણ વધુ રકમ મળશે, પરંતુ અંતે હૈદરાબાદે હાથ ઊંચા કરી દીધા અને CSK એ તેને 14.20 કરોડમાં ખરીદી લીધો.

અત્યાર સુધી શું કર્યું? મુશ્તાક અલી ટ્રોફીની વર્તમાન સીઝનમાં રાજસ્થાને શાનદાર પ્રદર્શન કરતા સાતમાંથી 6 મેચ જીતીને નોકઆઉટમાં સ્થાન બનાવ્યું, જેમાં કાર્તિક શર્માનો મહત્વનો ફાળો રહ્યો. તેણે 5 મેચમાં 11 છગ્ગાની મદદથી 160.24 ના સ્ટ્રાઈક રેટથી 133 રન બનાવ્યા. કુલ મળીને કાર્તિકે અત્યાર સુધી રમેલી 12 T20 મેચમાં 164 ના સ્ટ્રાઈક રેટથી 334 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 28 છગ્ગા ફટકાર્યા છે.
3. આકિબ નબી ડાર
બોલને બંને બાજુ સ્વિંગ કરવામાં માહેર
પેસ બોલિંગ ઓલરાઉન્ડર આકિબ નબી ડાર બોલને બંને બાજુ સ્વિંગ કરાવવામાં માહેર છે અને પાવરપ્લેની સાથે ડેથ ઓવર્સમાં તેનો બોલ કંટ્રોલ ખૂબ જ પ્રભાવી માનવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરના રહેવાસી આકિબને ‘બારામુલ્લાનો સ્ટેન ગન’ પણ કહેવામાં આવે છે. જ્યારે 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે તેનું નામ ઓક્શન પૂલમાં આવ્યું, ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે તેની કિંમત 8.40 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.
આ પહેલાં અનકેપ્ડ ખેલાડીઓના છઠ્ઠા સેટમાં યશ ધુલ, અભિનવ મનોહર અને અથર્વ તાયડે અનસોલ્ડ રહ્યા હતા. પરંતુ જેવું જ આકિબનું નામ આવ્યું, દિલ્હી કેપિટલ્સ (DC) એ બોલી લગાવવાનું શરૂ કર્યું અને રાજસ્થાન રોયલ્સ (RR) પણ રેસમાં સામેલ થઈ ગઈ. બોલી જ્યારે 1 કરોડ રૂપિયા સુધી પહોંચી ત્યારે રાજસ્થાને હાથ પાછા ખેંચી લીધા. આ પછી RCB એ ભાવ વધાર્યો અને SRH એ પણ પ્રયાસ કર્યો, પરંતુ આખરે બાજી દિલ્હી કેપિટલ્સના નામે રહી. એવું લાગ્યું જાણે દિલ્હીએ શરૂઆતથી જ આકિબને ખરીદવાનું મન બનાવી લીધું હોય.

અત્યાર સુધી શું કર્યું? આકિબ નબી ડારે મુશ્તાક અલી ટ્રોફીની 7 મેચમાં 15 વિકેટ લીધી છે, જેમાં બિહાર સામે 16 રન આપીને 4 વિકેટનો શાનદાર સ્પેલ સામેલ છે. આ ઉપરાંત, તે રણજી ટ્રોફીમાં અડધી સિઝન પૂરી થવા સુધી બીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ખાસ વાત એ છે કે ટોપ-5 વિકેટ ટેકર્સમાં તે એકમાત્ર ફાસ્ટ બોલર છે. આકિબે અત્યાર સુધી 5 ઇનિંગ્સમાં 29 વિકેટ ઝડપી છે, જેમાં 3 વખત પાંચ વિકેટ હોલનો સમાવેશ થાય છે.
4. મંગેશ યાદવ
યશ દયાલનો બેકઅપ લેફ્ટી પેસર
છિંદવાડા (મધ્યપ્રદેશ)ના લેફ્ટ આર્મ પેસર મંગેશ બોલને બંને બાજુ સ્વિંગ કરાવવામાં માહેર છે અને સચોટ યોર્કર ફેંકવાની ક્ષમતા ધરાવે છે. તે પાવરપ્લેની સાથે-સાથે ડેથ ઓવરોમાં પણ પ્રભાવી બોલિંગ કરી શકે છે અને જરૂર પડ્યે બેટિંગનું યોગદાન પણ આપે છે.
મંગેશનું નામ ઓક્શનના છેલ્લા રાઉન્ડમાં આવ્યું હતું. 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ અને ઓછી ઓળખને કારણે લાગી રહ્યું હતું કે તેના પર વધુ બોલી નહીં લાગે. પરંતુ RCBએ તેના નામ પર સૌથી પહેલા પેડલ ઉઠાવ્યું. આ પછી SRH પણ સામેલ થતા જ બોલી ઝડપથી વધી અને થોડા જ સમયમાં 1 કરોડ રૂપિયા પાર કરી ગઈ. જોતજોતામાં ભાવ 4 કરોડ સુધી પહોંચી ગયો અને આખરે RCBએ મંગેશને 5.20 કરોડ રૂપિયામાં ખરીદી લીધો.

અત્યાર સુધી શું કર્યું? સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)માં 2 મેચ રમવાની તક મળી. તેણે માત્ર એક ઇનિંગ્સમાં 233.33 ના સ્ટ્રાઇક રેટથી 28 રન બનાવ્યા. ત્રણ વિકેટ પણ લીધી. મંગેશે 2025ની શરૂઆતમાં મધ્ય પ્રદેશ T20 લીગમાં ગ્વાલિયર ચીતાઝ તરફથી 6 મેચમાં 16 વિકેટ ઝડપી હતી.
5. જેસન હોલ્ડર
ફિનિશરની ભૂમિકા સારી રીતે નિભાવે છે
કેરેબિયન ઓલરાઉન્ડર જેસન હોલ્ડર નવી બોલથી બોલિંગ કરે છે. તે ઉત્તમ બોલ કંટ્રોલ સાથે સ્વિંગ અને સીમ મૂવમેન્ટ કાઢવામાં માહેર છે, જ્યારે બેટિંગમાં ફિનિશરની ભૂમિકા પણ સારી રીતે નિભાવે છે. 34 વર્ષીય હોલ્ડર છેલ્લા બે સીઝનમાં અનસોલ્ડ રહ્યા હતા. તેણે છેલ્લે IPL 2023માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો. જ્યાં 8 મેચમાં માત્ર 4 વિકેટ જ લઈ શક્યો હતો. આવા સંજોગોમાં તેનું 7 કરોડ રૂપિયામાં વેચાવું બધા માટે ચોંકાવનારું રહ્યું.
2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ પર આવેલા આ ઓલરાઉન્ડર માટે સૌથી પહેલા CSKએ બોલી લગાવી. ત્યારબાદ ગુજરાત ટાઇટન્સ (GT) પણ રેસમાં સામેલ થઈ ગઈ અને બોલીને 5 કરોડ રૂપિયા સુધી પહોંચાડી દીધી. થોડીવાર પછી CSKએ ફરીથી દાવ લગાવ્યો, પરંતુ જેવી કિંમત 7 કરોડ સુધી પહોંચી, ચેન્નઈ પાછળ હટી ગઈ અને આખરે ગુજરાત ટાઇટન્સે જેસન હોલ્ડરને ખરીદી લીધો.

અત્યાર સુધી શું કર્યું? જેસન હોલ્ડર આ વર્ષે T20 ક્રિકેટમાં ટૉપ વિકેટ ટેકર્સમાં સામેલ છે. તેણે 2025માં રમાયેલી 31 મેચમાં 31 વિકેટ ઝડપી છે. આ સાથે તેણે બેટિંગમાં પણ યોગદાન આપતા 149.12ના સ્ટ્રાઈક રેટથી 255 રન બનાવ્યા છે.
ડી કોક સસ્તામાં વેચાયા, MI એ એક કરોડમાં ખરીદ્યો ભારત સામેની બીજી T20માં 90 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમનાર ક્વિન્ટન ડી કોક પર ઓક્શનમાં મોટી બોલી લાગવાની અપેક્ષા હતી. વર્તમાન સિરીઝમાં ભારત સામે તેણે 178.43ના સ્ટ્રાઈક રેટથી 91 રન બનાવ્યા છે, જેમાં એક ફિફ્ટી પણ સામેલ છે. આમ છતાં, ઓક્શનમાં ડી કોકને લઈને કોઈ બિડિંગ વોર જોવા મળ્યું નહીં અને મુંબઈ ઈન્ડિયન્સે તેને તેની બેઝ પ્રાઈસ એક કરોડ રૂપિયામાં જ ખરીદી લીધો, જે ઘણા લોકો માટે ચોંકાવનારું રહ્યું.
