અમદાવાદ: 19 તારીખે મેટ્રો રાતે 12:30 વાગ્યા સુધી દોડશે, ભારત અને સાઉથ આફ્રિકાની મેચને લઈ મોટો નિર્ણય લેવાયો-Metro will operate till 12 30 am in Ahmedabad due to match on 19th | અમદાવાદ


Last Updated:

અમદાવાદમાં 19 ડિસેમ્બરે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાવાની છે. જે મેચને લઈને મેટ્રો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય દિવસોમાં મેટ્રો ટ્રેન 10 વાગ્યા સુધી કાર્યરત હોય છે. જોકે મેચને કારણે મેટ્રો ટ્રેન 12:30 સુધી દોડશે.

મેચને કારણે અમદાવાદમાં મેટ્રો 12:30 સુધી દોડશે
મેચને કારણે અમદાવાદમાં મેટ્રો 12:30 સુધી દોડશે

અમદાવાદ: ભારતમાં હાલ પાંચ મેચની શ્રેણીની T20 મેચ યોજાઈ રહી છે. જેમાં હવે 19 તારીખે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અંતિમ T20 શ્રેણીની પાંચમી મેચ યોજાવાની છે. આ અંતિમ મેચ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. T20 મેચમાં ખૂબ જ રસાકસી ભર્યો જંગ જામ્યો છે. કેમકે પાંચ મેચની શ્રેણીમાં ભારત બે મેચમાં વિજેતા થયું છે. જ્યારે એક મેચ સાઉથ આફ્રિકાએ જીત મેળવી છે. જ્યારે એક મેચ ખરાબ હવામાનના કારણે રદ થઈ છે. ત્યારે આવતી કાલે યોજાનાર મેચ ખૂબ જ રસાકસી ભર્યો જંગ જામશે. ત્યારે હાઈ વોલ્ટેજ મેચના કારણે અમદાવાદ મેટ્રો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

સામાન્ય દિવસોમાં મેટ્રોનો સમય રાત્રીના 10 વાગ્યા સુધી હોય છે. જોકે 19 તારીખે મેચના કારણે મેટ્રો દ્વારા મેટ્રો ટ્રેન રાત્રીના 12:30 વાગ્યા સુધી દોડશે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે 6:20 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી છે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ) ના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.

આ ઉપરાંત ગાંધીનગર જવા માટે મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના 11:40 કલાકે અને મધ્યરાત્રિના 12:10 કલાકે ઉપડશે. જ્યારે જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે T-20 મેચના દિવસ માટે જ મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડેલ છે.

સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ ઊભી કરવામાં આવી છે. જે મુજબ સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ ₹ 50 રહેશે, જેનો ઉપયોગ લંબાવેલ સમય દરમિયાન મોટેરા સ્ટેડિયમ અથવા સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર પરના તેમજ ગાંધીનગર કોરિડોરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશન સુધીના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે.

જ્યારે સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ), QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટ સાથેની એન્ટ્રી પણ રાબેતા મુજબ રાત્રે 10:00 વાગ્યા સુધી નિયમિત ભાડા પર ઉપલબ્ધ રહેશે. તેમજ કિઓસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, મોબાઇલ એપથી અગાઉથી ખરીદેલી ટિકિટ (QR/TOKEN) રાત્રિના 10:00 વાગ્યા પછી માન્ય રહેશે નહીં. તેમજ રાત્રિના 10:00 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર સ્પેશિયલ પેપર ટિકિટ માન્ય રહેશે.

સ્પેશિયલ પેપર ટિકિટ મેચના દિવસ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજ પાર્ક, જીએનએલયુ, ઇન્ફોસિટી અને સેક્ટર-૧ મેટ્રો સ્ટેશનો પરથી અગાઉથી ખરીદી શકાશે, જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઊભા રહેવાનું ટાળી શકાય. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી એપીએમસી મેટ્રો સ્ટેશન તરફની છેલ્લી ટ્રેન મધ્યરાત્રિના 12:30 વાગ્યે તેમજ સેક્ટર-1 મેટ્રો સ્ટેશન તરફની છેલ્લી ટ્રેન મધ્યરાત્રિએ 12:10 વાગ્યે ઉપડશે. આમ 19 તારીખે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અંતિમ મેચ લઈને મેટ્રો મોડી રાત્રી સુધી દોડશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *