ગુજરાતના વકીલ જગતમાં ચૂંટણીનો માહોલ! હાઈકોર્ટ સહિત 282 બાર એસોસિએશમાં આજે ખરાખરીનો જંગ- Election held on total 282 bar associations across state including Gujarat High Court | ગાંધીનગર
Last Updated:
ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યભરમાં 282 બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં સવા લાખ મતદારો મતદાન કરશે હાલ ગુજરાત હાઈકોર્ટમાં બ્રિજેશ ત્રિવેદી સહિત અનેક ઉમેદવારો વચ્ચે કડક સ્પર્ધા છે.
ગાંધીનગર: ગુજરાતમાં વકીલ જગત માટે આજે મહત્વનો દિવસ છે. કારણ કે આજે 12 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન સહિત રાજ્યભરના કુલ 282 જેટલા વકીલમંડળો (બાર એસોસિએશન)ની પ્રતિષ્ઠાભરી ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીને લઈને સમગ્ર વકીલ આલમમાં ભારે ઉત્સાહ અને ચૂંટણીનો માહોલ છવાયો છે.
રાજ્યની હાઈકોર્ટથી લઈ જિલ્લાકક્ષાની અને તાલુકાકક્ષાની અદાલતો સુધી આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી તેમજ કારોબારી સભ્યો જેવા મહત્વના હોદ્દાઓ માટે ઉમેદવારો વચ્ચે કડક સ્પર્ધા જોવા મળી રહી છે. અનેક બાર એસોસિએશનમાં ગળાકાપ ચૂંટણી જંગ સર્જાયો છે, જ્યાં ઉમેદવારો અંતિમ ક્ષણ સુધી મતદારોને મનાવવા પ્રયત્નશીલ રહ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની ચૂંટણી વિશેષ ધ્યાન ખેંચી રહી છે. પ્રમુખપદ માટે હાલના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી સહિત એડવોકેટ બી.એમ. મંગુકિયા, યતીન ઓઝા, દર્શન શાહ અને ચિત્રજીત ઉપાધ્યાય વચ્ચે સીધી ટક્કર છે. ઉપપ્રમુખ પદ માટે વિરાટ પોપટ, પૃથ્વીરાજસિંહ જાડેજા, પુનિત જુનેજા, અશોક પારેખ, અભિરાજ ત્રિવેદી અને નીરવ ત્રિવેદી વચ્ચે સ્પર્ધા છે.
જ્યારે ખજાનચી (મહિલા અનામત) પદ માટે વ્યક્તિ જોશી, અમી પટેલ, જૈમીની પાઠક અને ખુશ્બુ વ્યાસ મેદાનમાં છે. સાથે જ જોઈન્ટ સેક્રેટરીના પદ માટે દર્શન દવે, ઓમ કોટવાલ, રેખા કાપડિયા સહિત કુલ દસ જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. વિવિધ હોદ્દાઓ માટે મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં હોવાને કારણે ચૂંટણીનું પરિણામ રસપ્રદ બનવાની શક્યતા છે.
આ અંગે ગુજરાત બાર કાઉન્સિલની ફાઈનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લાએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટ અને રાજ્યભરની નીચલી અદાલતોના તમામ 282 વકીલમંડળોની ચૂંટણીમાં અંદાજે સવા લાખ જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની પારદર્શિતા જળવાઈ રહે તે માટે 24 કલાક અગાઉથી ચૂંટણી આચારસંહિતા અમલમાં મૂકવામાં આવી છે. આ અંતર્ગત કોઈ પણ ઉમેદવારને પ્રચાર પત્રિકા, પોસ્ટર, કાર્ડ અથવા અન્ય કોઈ માધ્યમથી પ્રચાર કરવાની મનાઈ છે.
ચૂંટણી દરમિયાન કોઈ ગેરરીતિ કે વિવાદ સર્જાય તો તેની સુનાવણી માટે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ‘બાર એસોસિએશન ઓફ ગુજરાત નિયમો–2015’ના નિયમ-49 હેઠળ ખાસ ઇલેક્શન કમિટીની રચના કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
Gandhinagar,Gujarat
Dec 19, 2025 11:35 AM IST
