સુરેન્દ્રનગર: ગુજરાત સરકારે કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની બદલી કરી, સચિવાલય ગાંધીનગરથી આદેશ જાહેર કરવામાં આવ્યો-Gujarat government transfers Collector Dr Rajendra Kumar Patel in Surendranagar | સુરેન્દ્રનગર


Last Updated:

ગુજરાત સરકાર દ્વારા સુરેન્દ્રનગરના કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની બદલી કરી દેવામાં આવી છે. જેમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલય ગાંધીનગરથી આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરમાં કલેક્ટરની બદલી
સુરેન્દ્રનગરમાં કલેક્ટરની બદલી

સુરેન્દ્રનગર: ગુજરાત સરકારે સુરેન્દ્રનગરના કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર એમ. પટેલની બદલી કરી હોવાનું સામે આવ્યું છે. ડો. રાજેન્દ્ર પટેલની સેવાઓ આગામી આદેશ સુધી સામાન્ય વહીવટ વિભાગને સોંપવામાં આવી છે. સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક IASને કલેક્ટર સુરેન્દ્રનગરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલય ગાંધીનગરથી આ આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 24 ડિસેમ્બર 2025થી આ આદેશ અમલમાં મુકવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર તેમજ વઢવાણમાં અલગ અલગ સ્થળો પર ગાંધીનગર EDની ટીમના દરોડા પડ્યા હતા. EDની આ કાર્યવાહી દરમિયાન વઢવાણ ખાતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની તેના નિવાસસ્થાનેથી અંદાજે 20 કલાકના સર્ચ ઓપરેશન બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે.

ગાંધીનગર ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની અલગ-અલગ ટીમો દ્વારા ગઈકાલે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. EDની આ કાર્યવાહીમાં જિલ્લાના કલેક્ટર અને નાયબ મામલતદાર સહિતના મોટા ગજાના અધિકારીઓ અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ રડારમાં હોવાથી અનેક સરકારી અધિકારીઓના નિવાસસ્થાને EDની વિવિધ ટીમોએ ધામા નાખ્યા હતા.

કાર્યવાહી દરમિયાન EDની ટીમ જિલ્લાના કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ તથા વઢવાણ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને પહોંચી હતી અને રેડની કાર્યવાહી શરૂ કરી હતી. ઉપરાંત સરકારી કર્મચારી મયુરસિંહ ગોહિલ, રતનપર રહેતા વકીલ ચેતન કણઝરીયાના ઘરે, જિલ્લા કલેક્ટરના પી.એ. જયરાજસિંહ ઝાલા લખતર નિવાસસ્થાને પણ આજે સવારથી સરપ્રાઈઝ દરોડા પાડવામાં આવ્યા હતા.

જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના સરકારી નિવાસસ્થાને ઈ.ડી.ની ટીમ દ્વારા વહેલી સવારથી સર્ચ ઓપરેશન બાદ મોડી રાત્રે ટીમો રવાના થઈ હતી, અંદાજે 16થી 18 કલાક કલેક્ટરના સરકારી નિવાસસ્થાને ઈ.ડી.ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચાલ્યું હતું, જોકે આ કાર્યવાહીમાં જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ અંગે તો કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ અંદાજીત 20 કલાકની કાર્યવાહીને અંતે આજે વહેલી સવારે વઢવાણ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરાઈ છે. બીજી તરફ આજે જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની બદલી કરી દેવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *