પોર્ટુગલ જવાનું સપનું લિબિયામાં અપહરણથી દુઃસ્વપ્ન બન્યું | મહેસાણા


Last Updated:

મહેસાણામાં રહેતા આ પરિવારના ભાઈએ અપહરણકારો સાથે સતત વાતચીત અને બાર્ગેનિંગ ચાલુ રાખ્યું હતું. અંતે બે કરોડના બદલે 80થી 85 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવાનું નક્કી થયું હતું.

ખંડણી ચૂકવ્યા બાદ દંપતી અને તેમની ત્રણ વર્ષની બાળકી હેમખેમ વતન પરત ફર્યા છે.
ખંડણી ચૂકવ્યા બાદ દંપતી અને તેમની ત્રણ વર્ષની બાળકી હેમખેમ વતન પરત ફર્યા છે.

મહેસાણા: વિદેશ જવાની ઘેલછામાં ઉત્તર ગુજરાતના પરિવારો અવારનવાર મુશ્કેલીમાં મુકાતા હોવાના કેટલાક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. ત્યારે મહેસાણાના બદલપુરા (મેઉ) ગામના એક પરિવાર માટે ‘ડોલર’નું સપનું દુઃસ્વપ્ન સાબિત થયું હતું. પોર્ટુગલ જવા નીકળેલા આ પરિવારને પહેલા દુબઈ અને પછી લિબિયા લઈ જઈને ગોંધી રાખવામાં આવ્યા હતા. લીબિયામાં દંપતી અને બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આખરે 80થી 85 લાખ રૂપિયાની ખંડણી ચૂકવ્યા બાદ દંપતી અને તેમની ત્રણ વર્ષની બાળકી હેમખેમ વતન પરત ફર્યા છે.

29 નવેમ્બરના રોજ દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યા હતા

પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણાના બદલપુરા ગામનું આ દંપતી તેમની માસૂમ બાળકી સાથે ગત 29 નવેમ્બરના રોજ દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યું હતું. પરિવારે એજન્ટને અગાઉથી જ 30 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. જોકે, ક્રૂર એજન્ટોએ તેમને પોર્ટુગલ મોકલવાને બદલે લિબિયા ઉતારી દીધા હતા, જ્યાં સ્થાનિક અપહરણકર્તાઓએ આખા પરિવારને બંધક બનાવી લીધો હતો. અપહરણકારોએ પરિવારને બંધક બનાવીને તેમના સંબંધીઓ પાસે બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે અપહરણકારોએ વીડિયો કૉલ દ્વારા પરિવારને મારી નાંખવાની ધમકી આપીને ટોર્ચર કરવાનું શરૂ કર્યું.

પહેલા બે કરોડની કરી માંગણી

મહેસાણામાં રહેતા આ પરિવારના ભાઈએ અપહરણકારો સાથે સતત વાતચીત અને બાર્ગેનિંગ ચાલુ રાખ્યું હતું. અંતે બે કરોડના બદલે 80થી 85 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવાનું નક્કી થયું હતું. આ રકમ ચૂકવ્યા બાદ અપહરણકારોએ પરિવારને મુક્ત કર્યો હતો. આમ, એજન્ટના 30 લાખ અને ખંડણીના 80થી 85 લાખ મળીને પરિવારે કુલ 1.15 કરોડ જેટલા રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

પરિવારે અનેક બાધા રાખી હતી

મોતના મુખમાંથી હેમખેમ પાછા ફરેલા પરિવારે ઘરે પહોંચતા જ ભગવાનનો આભાર માન્યો હતો. આ પરિવાર પાછો ફરે તે માટે અનેક માનતાઓ પૂરી કરી હતી. જોકે, આ ઘટના બાદ પરિવારમાં ભારે આક્રોશ છે. જે એજન્ટોએ તેમને છેતરીને લિબિયા મોકલ્યા અને મોતના મુખમાં ધકેલ્યા, તેમની સામે હવે પરિવાર પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યો છે.

દંપતી સાથે શું થયું?

અપહૃત થયેલી વ્યક્તિએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, અમને પહેલા દુબઈ લઈ ગયા ત્યાં બેથી ત્રણ દિવસ રાખ્યા તે પછી અમને લીબિયા લઈ જવામાં આવ્યા હતા. ત્યાં અમે પહેલીથી 17મી તારીખ સુધી રાખવામાં આવ્યાં. અમારા પાસપોર્ટ, મોબાઈલ બધું લઈ લીધું, અમને જમવાનું પણ આપવાનું ન હતા. એ લોકો અમારી પાસે નહીં પરંતુ ઘરે જ રૂપિયાની માંગણી કરતા હતા. અમને બધાને અલગ અલગ જગ્યાએ રાખ્યા હતા. તે લોકો કહેતા હતા કે તું તારા પરિવાર સામે રડીશ તો જ અમને રૂપિયા આપશે. અમને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *