Donations of ₹3,811 crore from Electoral Trust to political parties | રાજકીય પક્ષોને ઇલેક્ટોરલ ટ્રસ્ટમાંથી ₹3,811 કરોડનું દાન: ભાજપને 2024-25માં સૌથી વધુ ₹3,112 કરોડ; કોંગ્રેસને માત્ર ₹299 કરોડ મળ્યા
નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક

ઇલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ પછી, પ્રથમ નાણાકીય વર્ષ 2024-25માં રાજકીય પક્ષોને નવ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ₹3,811 કરોડનું દાન મળ્યું છે. તેમાંથી ₹3,112 કરોડ કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) ને મળ્યા. આ કુલ ભંડોળના લગભગ 82% છે.
આ માહિતી ઇલેક્ટોરલ ટ્રસ્ટ્સ દ્વારા ચૂંટણી પંચને સુપરત કરાયેલા અહેવાલોમાંથી સામે આવી છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરાયેલા આ અહેવાલો અનુસાર, બાકીના તમામ પક્ષોને મળીને લગભગ ₹400 કરોડ (10%) ભંડોળ મળ્યું. તેમાં કોંગ્રેસને ₹299 કરોડ મળ્યા, જે કુલ દાનના 8%થી પણ ઓછું છે.
ઇલેક્ટોરલ ટ્રસ્ટ એક નોંધાયેલી સંસ્થા હોય છે, જે કોર્પોરેટ કંપનીઓ અને વ્યક્તિઓ પાસેથી દાન લઈને રાજકીય પક્ષો સુધી પહોંચાડે છે. ટ્રસ્ટને દાનની સંપૂર્ણ માહિતી ચૂંટણી પંચને આપવી પડે છે. આનાથી દાનનો રેકોર્ડ જળવાઈ રહે છે અને કયા પક્ષને કેટલું દાન મળ્યું તે જાણી શકાય છે.
20 ડિસેમ્બર સુધીના આંકડા મુજબ, ચૂંટણી પંચ પાસે 19 માંથી 13 ઇલેક્ટોરલ ટ્રસ્ટ્સના રિપોર્ટ ઉપલબ્ધ હતા. આમાંથી 9 ટ્રસ્ટ્સે 2024-25માં કુલ ₹3,811 કરોડનું દાન આપ્યું, જે 2023-24ના ₹1,218 કરોડની સરખામણીમાં 200%થી વધુ અને ત્રણ ગણું છે.

ભાજપને પ્રુડેન્ટ અને પ્રોગ્રેસિવ ટ્રસ્ટ તરફથી ₹2937.69 કરોડનું દાન
ભાજપને દાન આપવાના મામલે પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ સૌથી આગળ રહ્યું. ભાજપને કુલ ₹3,112 કરોડમાંથી ₹2,180.07 કરોડ એકલા પ્રુડેન્ટે આપ્યા. પ્રુડેન્ટે કોંગ્રેસને ₹21.63 કરોડનું દાન આપ્યું.
ટ્રસ્ટને જે કંપનીઓ પાસેથી ફંડ મળ્યું તેમાં જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ભારતી એરટેલ, ઓરોબિંદો ફાર્મા અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે.
ભાજપને સૌથી વધુ ભંડોળ આપવાના મામલે પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટ બીજા સ્થાને રહ્યું, જેણે પાર્ટીને ₹757.62 ફંડ આપ્યું. પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટમાંથી કોંગ્રેસને ₹77.34 કરોડ મળ્યા.
ઇલેક્ટોરલ બોન્ડ 6 વર્ષમાં બંધ થયા, ટ્રસ્ટ 12 વર્ષથી ભંડોળ એકત્ર કરી રહ્યા છે
- 2018માં શરૂ થયેલા ઇલેક્ટોરલ બોન્ડને સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2024માં પારદર્શિતાના અભાવને કારણે ગેરકાયદેસર ઠેરવીને બંધ કરી દીધા હતા. ત્યારબાદ રાજકીય ભંડોળમાં મોટો ફેરફાર આવ્યો અને ઇલેક્ટોરલ ટ્રસ્ટ રાજકીય પક્ષો માટે દાનનો મુખ્ય સ્ત્રોત બની ગયા છે.
- ઇલેક્ટોરલ ટ્રસ્ટ સ્કીમ 2013થી દેશમાં લાગુ છે. ટ્રસ્ટ હાલમાં કંપની એક્ટ 2013, આવકવેરા કાયદાની કલમ 13બી, ઇલેક્ટોરલ ટ્રસ્ટ સ્કીમ 2013 અને ચૂંટણી પંચની ગાઇડલાઇન હેઠળ નિયંત્રિત થાય છે.
- ટ્રસ્ટ કોર્પોરેટ કંપનીઓ પાસેથી મર્યાદિત રોકડ લઈ શકે છે. તેમને આ રકમ ITGS અથવા NEFT કરવી પડે છે. કઈ પાર્ટીને કેટલું દાન આપવું તે ટ્રસ્ટ બોર્ડ નક્કી કરે છે. તેનો નિયમ છે કે ઓછામાં ઓછા 95% પૈસા વર્ષની અંદર પક્ષોને આપવા જરૂરી છે.