તાલાલામાં કાળમુખો ત્રિપલ અકસ્માત: છકડો, આઈસર અને બાઈક વચ્ચેની ટક્કરમાં કાકા-ભત્રીજા સહિત 3ના ઘટનાસ્થળે જ મોત- Triple accident between truck truck and bike On Surva Madhupur Road Talala Gir Somnath 3 people died on spot | ગીર સોમનાથ


Last Updated:

Talala triple accident: ગીર સોમનાથ તાલાળાના સુરવા માધુપુર રોડ પર હાલ ત્રિપલ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાળિયેર ભરેલ છકડો, આઇસર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા એક જ પરિવારના કાકા- ભત્રીજા સહિત ત્રણનાં મોત નિપજ્યા છે.

છકડો, આઈસર અને બાઈક વચ્ચે ટક્કર
છકડો, આઈસર અને બાઈક વચ્ચે ટક્કર

ગીર સોમનાથ: તાલાલા પંથકમાં આજે એક હૃદયદ્રાવક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. તાલાલાના સુરવા-માધુપુર રોડ પર છકડો રિક્ષા, આઈસર ટ્રક અને મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થતા ત્રણ લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત ત્રણ વ્યક્તિનું પણ મોત નીપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે, ત્યારે પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગીર સોમનાથ જિલ્લાના તાલાલાથી માધુપુર જતી રોડ પર નાળિયેર ભરેલી એક છકડો રિક્ષા, સામેથી આવતી આઈસર ટ્રક અને એક બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેના કારણે કાકા-ભત્રીજા સહિત કુલ 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોના ફુરચા ઉડી ગયા હતા. અકસ્માત બાદ રોડ પર નાળિયેરનો ઢગલો થઈ ગયો હતો અને કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

ઘટનાની જાણ થતા જ તાલાલા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. ત્યારે અકસ્માતમાં મોતને ભેટનાર કાકા અને ભત્રીજા 3 વ્યક્તિઓના મૃતદેહોને પોલીસે કબજે કરી પોસ્ટમોર્ટમ (PM) અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા છે.

હાલ આ ત્રિપલ અકસ્માતમાં એકસાથે ત્રણ જિંદગીઓ હોમાઈ જતાં સુરવા અને માધુપુર ગામ સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે. ખાસ કરીને કાકા-ભત્રીજાના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ત્યારે પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી મૃતકોની ચોક્કસ ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *