Vibrant Gujarat Regional Conference gave Rajkot industries global recognition | રાજકોટ
Last Updated:
ગુજરાતની ઔદ્યોગિક સફળતાની કહાણીમાં રાજકોટ એક મજબૂત સ્તંભ તરીકે ઉભરી આવ્યું છે. કુશળ માનવશક્તિ, MSME આધારિત માળખું અને ઉદ્યોગસહાયક વાતાવરણના કારણે રાજકોટ આજે દેશના અગ્રણી ઔદ્યોગિક શહેરોમાં સ્થાન ધરાવે છે. આવા સમયે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની સશક્ત તક બની છે. આ કોન્ફરન્સ થકી રાજકોટના મેન્યુફેક્ચરિંગ અને કૃષિ આધારિત ઉદ્યોગોની તાકાત દેશ-વિદેશ સુધી પહોંચવાની છે.
રાજકોટ: સક્ષમ ઉદ્યોગસાહસિક વારસાથી સમૃદ્ધ ગુજરાત આજે દેશના સૌથી મજબૂત ઔદ્યોગિક રાજ્યોમાં સ્થાન મેળવી ચૂક્યું છે. આવા સમયે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજ્યના વિવિધ પ્રદેશોની તાકાતને એક મંચ પર લાવવાની મહત્વપૂર્ણ પહેલ બની રહી છે. આ કોન્ફરન્સ દ્વારા સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવાનો માર્ગ ખુલ્લો થયો છે. રાજકોટ ગુજરાતના સશક્ત અને સ્વનિર્ભર ઔદ્યોગિક શહેરોમાં આગવું સ્થાન ધરાવે છે. દાયકાઓથી અહીંના ઉદ્યોગોએ મેન્યુફેક્ચરિંગ, રોજગાર સર્જન અને નિકાસ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કુશળ માનવશક્તિ, ઉદ્યોગસહાયક વાતાવરણ અને MSME આધારિત માળખું રાજકોટને મજબૂત ઇન્ડસ્ટ્રિયલ હબ બનાવે છે. મેટોડા, શાપર-વેરાવળ અને આજી GIDC જેવા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારો શહેરના વિકાસના મુખ્ય આધારસ્તંભ છે.
ઉદ્યોગોના વિકાસ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના વિકાસમાં કૃષિનું મહત્વ પણ એટલું જ અગત્યનું છે. કૃષિપ્રધાન પ્રદેશ હોવાના કારણે અહીં ટ્રેક્ટર અને કૃષિ સાધનોની માંગ સતત વધી રહી છે. આ ક્ષેત્રે રાજકોટની ઓળખ દેશભરમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મજબૂત બની છે. રાજકોટમાં મિની ટ્રેક્ટર અને ટ્રેક્ટર ઇમ્પ્લિમેન્ટ્સ બનાવતી કેપ્ટન ટ્રેક્ટર્સ આ ક્ષેત્રની અગ્રણી કંપની તરીકે ઓળખાય છે.

કેપ્ટન ટ્રેક્ટર્સના ડાયરેક્ટર સતિષભાઈ મોવલિયાએ જણાવ્યું કે છેલ્લા 31 વર્ષથી કંપની ટ્રેક્ટર અને તેના ઇમ્પ્લિમેન્ટ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવતા મિની ટ્રેક્ટર આજે ભારતભરમાં ઉપયોગમાં લેવાય છે. સાથે સાથે યુરોપ, આફ્રિકા, અમેરિકા, કેનેડા સહિત 80થી વધુ દેશોમાં તેની નિકાસ થાય છે. હાલમાં કંપની માસિક અંદાજે 1200થી 1500 ટ્રેક્ટરનું ઉત્પાદન કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે એક ટ્રેક્ટર બનાવવા માટે આશરે 2000 જેટલા કમ્પોનન્ટ્સનો ઉપયોગ થાય છે, જેના કારણે આસપાસના વિસ્તારોના નાના ઉદ્યોગકારોને પણ રોજગારી અને વિકાસની તક મળે છે. આ સમગ્ર પ્રક્રિયા MSME સેક્ટરને મજબૂતી આપે છે અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. સરકાર દ્વારા પ્રાદેશિક સ્તરે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવું સરાહનીય પગલું હોવાનું સતિષભાઈએ જણાવ્યું હતું. આ પ્રકારના આયોજનથી લોકલ પ્રોડક્ટને ગ્લોબલ પ્લેટફોર્મ મળે છે. વાયબ્રન્ટ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત એક્ઝિબિશનમાં ભાગ લેતા દેશ-વિદેશથી આવનાર ડેલિગેટ્સ સ્થાનિક ઉત્પાદનોને નજીકથી ઓળખી શકશે.
તેમણે જણાવ્યું કે આ કોન્ફરન્સના કારણે સૌરાષ્ટ્રની ઔદ્યોગિક તાકાત દેશ-વિદેશના ઉદ્યોગકારો સુધી પહોંચશે. રાજકોટમાં બનતી સાઇકલથી લઇને એરક્રાફ્ટ સુધીની વસ્તુઓ આજે સૌરાષ્ટ્રની શાન બની ચૂકી છે. સરકારના આ પ્રયાસોથી સ્થાનિક ઉદ્યોગોને નવી દિશા અને નવી ગતિ મળશે. ટ્રેક્ટર પર GSTમાં ઘટાડા અંગે તેમણે જણાવ્યું કે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટો લાભ થયો છે. મિની ટ્રેક્ટર પર મળતી સબસીડી 45,000થી વધારીને 75,000 કરવામાં આવતા ફાર્મ મિકેનાઇઝેશનને વેગ મળ્યો છે અને ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદવું વધુ સરળ બન્યું છે. આ પ્રકારના પાયાના ઉદ્યોગો માત્ર સ્થાનિક અર્થતંત્રને જ મજબૂત બનાવતા નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંપરા અને આધુનિક ટેક્નોલોજીના સંયોજન સાથે રાજકોટ સતત ઔદ્યોગિક પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે.