વડાપ્રધાન મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત: ઓમકારના જાપમાં જોડાશે, 3000 ડ્રોન દ્વારા સોમનાથની ગાથા નિહાળશે- pm modi Somnath visit perform omkar mantra jap and aarti at Somnath | ગીર સોમનાથ


આજથી પીએમ મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે. PM મોદી સોમનાથમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે. પીએમ મોદી રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો નિહાળશે, જે બાદ રાત્રિ રોકાણ પણ સોમનાથમાં રહેશે. મંદિર પરિસર બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

સોમનાથ પહોંચ્યા વડાપ્રધાન મોદી

અહીં હેલિપેડ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત પોલીસ વડા, મુખ્ય સચિવ એમ.કે. રાવ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ હેલિપેડથી પ્રધાનમંત્રીનો કાફલો સોમનાથ સર્કિટ હાઉસ તરફ રવાના થયો હતો.

પ્રધાનમંત્રી મોદી આજે રાતે 8 વાગ્યે ઓમકાર મંત્રનો જાપ કરશે અને ત્યાર બાદ સોમનાથ મંદિરમાં ડ્રોન શો જોશે. સોમનાથ સ્વાભિમાન પર્વ 8થી 11 જાન્યુઆરી 2026 સુધી સોમનાથમાં આયોજિત થઈ રહ્યો છે અને ઓમકાર મંત્રના જાપ પણ થશે. આ પર્વ ભારતના એ અસંખ્ય નાગરિકોની સ્મૃતિમાં યાદમાં મનાવવામાં આવી રહ્યો છે, જેમણે મંદિરની રક્ષા માટે બલિદાન આપ્યા છે અને જે આવનારી પેઢીની સાંસ્કૃતિક ચેતનાને પ્રેરણા આપશે. સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્રનો જાપ ન ફક્ત ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું છે, પણ ભારતીય સનાતન પરંપરામાં ધ્યાન અને સાધનાની ગાઢ રહસ્યને પણ દર્શાવે છે.

વડાપ્રધાન તા. ૧૧ જાન્યુઆરીના રોજ ભગવાન સોમનાથના દર્શન-અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે. દર્શન-અર્ચન બાદ વડાપ્રધાન સોમનાથ મંદિરની બહાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત તેઓ એક ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે.

આ પર્વના મુખ્ય આકર્ષણો અંગે મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન આકાશમાં ૩૦૦૦ ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે. તદુપરાંત, સોમનાથ મંદિર પર થયેલાં આક્રમણો દરમિયાન મંદિરની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા શૂરવીરોને સમર્પિત એક શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૧૦૮ અશ્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રા ‘શંખ સર્કલ’થી શરૂ થઈ ‘હમીરજી ગોહિલ સર્કલ’ સુધી નીકળશે.

વધુમાં, સોમનાથ મંદિરના પ્રાંગણમાં ૨,૫૦૦ ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને ૭૨ કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે. સાથે જ ૧,૦૦૦ કલાકારો દ્વારા મંદિરની અંદર અને બહાર શંખનાદ કરી વાતાવરણને શિવમય બનાવવામાં આવશે. આ પર્વને વધુ ભવ્ય બનાવવા માટે શિવ ભક્તિ, ભજન અને લોક ડાયરા માટે સમગ્ર વિસ્તારમાં ૨૦ જેટલા ભવ્ય સ્ટેજ તૈયાર કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સોમનાથ સ્વાભિમાન પર્વમાં રાજ્યભરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેનોની સુવિધા પણ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે તા. ૮, ૯ અને ૧૦ જાન્યુઆરી દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. સાથે જ યાત્રિકો માટે રહેવા, જમવા અને દર્શન માટેની તમામ સુવિધાઓ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં હવે ‘સોમનાથ કોરિડોર’ને પણ સ્વીકૃતિ મળી છે, જેના કારણે આ વિસ્તારમાં પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અયોધ્યા, કાશી અને દ્વારકાની જેમ સોમનાથ પણ આજે વિશ્વકક્ષાએ ભારતની આધ્યાત્મિક ઓળખ બની રહ્યું છે. આ પર્વમાં દેશભરના હજારો સાધુ-સંતો અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *