India Pakistan; U19 ODI World Cup 2026 Schedule & Match Fixtures
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક

અંડર-19 વનડે વર્લ્ડ કપ 2026ની 16મી આવૃત્તિ આજથી શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટ 15 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી બે આફ્રિકન દેશો ઝિમ્બાબ્વે અને નામીબિયામાં રમાશે. આ વર્લ્ડ કપમાં કુલ 41 મેચ રમાશે.
22 દિવસ સુધી ચાલનારી આ મેગા ઇવેન્ટમાં 16 ટીમ ખિતાબ માટે મેદાનમાં ઉતરશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા છે, જ્યારે સૌથી વધુ પાંચ વખત ટ્રોફી જીતી ચૂકેલું ભારત છઠ્ઠું ટાઇટલ જીતવા માટે મેદાનમાં હશે.
સ્ટોરીમાં U-19 વર્લ્ડ કપ સંબંધિત સંપૂર્ણ માહિતી…
ક્યાં અને ક્યારે રમાશે મેચ?
વર્લ્ડ કપની તમામ મેચ ઝિમ્બાબ્વે અને નામીબિયામાં રમાશે. મેચો સ્થાનિક સમય અનુસાર સવારે 9:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ભારતીય સમય મુજબ બપોરે 1 વાગ્યાથી રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ 15 જાન્યુઆરીએ ભારત અને અમેરિકા વચ્ચે ઝિમ્બાબ્વેના બુલાવાયો સ્થિત ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે.

ફોર્મેટ શું હશે?
તમામ મેચ 50-50 ઓવરની હશે. ટુર્નામેન્ટની શરૂઆત ગ્રૂપ સ્ટેજથી થશે, જ્યાં 16 ટીમને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે અને દરેક ટીમ પોતાના ગ્રૂપની બાકીની ટીમ સામે એક-એક મેચ રમશે. ગ્રૂપ સ્ટેજ પછી દરેક ગ્રૂપની ટોપ-3 ટીમ એટલે કે કુલ 12 ટીમ સુપર સિક્સ માટે ક્વોલિફાય કરશે, જ્યારે ચોથા સ્થાને રહેલી ટીમ પ્લેસમેન્ટ મેચ રમશે.
સુપર સિક્સ સ્ટેજમાં 12 ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે. ગ્રૂપ-A અને ગ્રૂપ-Dની ટોપ-3 ટીમ મળીને એક ગ્રૂપ બનાવશે, જ્યારે ગ્રૂપ-B અને ગ્રૂપ-Cની ટોપ-3 ટીમ બીજા સુપર સિક્સ ગ્રૂપમાં સામેલ થશે.
આ તબક્કાની સૌથી ખાસ વાત એ છે કે ગ્રૂપ સ્ટેજમાં જે ટીમને હરાવીને કોઈ ટીમ સુપર સિક્સમાં પહોંચે છે, તેમની સામે મેળવેલા પોઈન્ટ્સ આગળ પણ ઉમેરવામાં આવશે. સુપર સિક્સ પછી બંને ગ્રૂપની ટોપ-2 ટીમ સેમિફાઇનલમાં પહોંચશે અને પછી વિજેતા ટીમ 6 ફેબ્રુઆરીએ હરારેમાં ફાઇનલ રમશે.

ભારતનો ગ્રૂપ અને મુકાબલા
ભારતને ગ્રૂપ-Bમાં રાખવામાં આવ્યું છે, જ્યાં તેનો મુકાબલો ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને અમેરિકા સામે થશે. ટીમ તેની તમામ ગ્રૂપ મેચ ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં રમશે.
ટુર્નામેન્ટ પહેલા રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ભારતને એક જીત અને એક હારનો સામનો કરવો પડ્યો. પ્રથમ મેચમાં ભારતે સ્કોટલેન્ડને હરાવ્યું, જેમાં વૈભવ સૂર્યવંશીએ 50 બોલમાં 96 રન બનાવ્યા. બીજી પ્રેક્ટિસ મેચમાં ટીમને ઇંગ્લેન્ડ સામે નજીકની હારનો સામનો કરવો પડ્યો.


ભારત-પાકિસ્તાન મેચ થશે કે નહીં
આ અંડર-19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને અલગ-અલગ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, ગ્રૂપ સ્ટેજમાં બંને ટીમ વચ્ચે ટક્કર થશે નહીં. જોકે, જો બંને ટીમ સુપર સિક્સ કે સેમિફાઇનલ સુધી પહોંચે છે, તો નોકઆઉટ સ્ટેજમાં ભારત-પાકિસ્તાન મુકાબલો જોવા મળી શકે છે. તાજેતરમાં જ બંને ટીમ વચ્ચે અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ટક્કર થઈ હતી, જ્યાં પાકિસ્તાને ભારતને હરાવીને ખિતાબ જીત્યો હતો.
ભારતના નામે 5 U-19 વર્લ્ડ કપ ટાઇટલ
ભારત અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી સફળ ટીમ રહી છે. ટીમ અત્યાર સુધી પાંચ વખત (2000, 2008, 2012, 2018 અને 2022) આ ખિતાબ જીતી ચૂકી છે, જ્યારે 2006, 2016, 2020 અને 2024માં ટીમ રનરઅપ પણ રહી હતી.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા છે, જેણે 2024ની ફાઇનલમાં ભારતને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી કુલ ચાર વખત ચેમ્પિયન બની ચૂક્યું છે. આ ઉપરાંત પાકિસ્તાને બે વખત, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ એક-એક વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂક્યા છે.

કયા ખેલાડીઓ પર રહેશે નજર
આ વર્લ્ડ કપમાં ઘણા એવા ખેલાડીઓ છે, જે આગળ જઈને પોતાના દેશ માટે રમી શકે છે. ભારતના વૈભવ સૂર્યવંશી, જેણે માત્ર 14 વર્ષની ઉંમરે સદી ફટકારીને નામ બનાવ્યું છે. પાકિસ્તાનના સમીર મિન્હાસે અંડર-19 એશિયા કપ ફાઇનલમાં ભારત સામે 172 રનની ઇનિંગ રમી હતી.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ઓલિવર પીક પાછલો U-19 વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ રહ્યો છે અને આ વખતે પણ ટીમનું નેતૃત્વ કરશે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર અલી રઝાએ પાકિસ્તાન સુપર લીગ અને એશિયા કપમાં પોતાની સ્પીડ અને વિકેટ લેવાની ક્ષમતાથી પ્રભાવિત કર્યા છે, જ્યારે જાપાનનો ઉભરતા ઓલરાઉન્ડર ચાર્લી હારા-હિન્જે સ્પિન બોલિંગની સાથે ઉપયોગી બેટિંગના દમ પર ટુર્નામેન્ટમાં સરપ્રાઈઝ પેકેજ સાબિત થઈ શકે છે.

14 વર્ષના વૈભવ સૂર્યવંશી IPLમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરના ખેલાડી છે.
કઈ કઈ ટીમ રમી રહી છે
વર્લ્ડ કપમાં સામેલ 16 ટીમમાંથી, ગત સિઝનની ટોપ-10 ટીમે સીધું ક્વોલિફિકેશન મેળવ્યું હતું, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ જેવી મજબૂત ટીમનો સમાવેશ થાય છે. યજમાન હોવાને કારણે ઝિમ્બાબ્વેને પણ સીધું ટુર્નામેન્ટમાં સ્થાન મળ્યું છે, જ્યારે સહ-યજમાન નામીબિયા ક્વોલિફાય કરી શક્યું નથી.
ક્વોલિફાયર દ્વારા ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવનારી અન્ય ટીમ અફઘાનિસ્તાન, જાપાન, અમેરિકા, સ્કોટલેન્ડ અને તાન્ઝાનિયા છે. તાન્ઝાનિયા તેની પ્રથમ ICC ગ્લોબલ ટુર્નામેન્ટ રમશે. આફ્રિકા ક્વોલિફાયરમાં તેણે તેની તમામ 5 મેચ જીતીને નામીબિયા, કેન્યા અને નાઇજીરીયા જેવી ટીમને પાછળ છોડી દીધી હતી.
કયા મેદાનમાં કેટલી મેચ રમાશે
વર્લ્ડ કપ માટે કુલ પાંચ મેદાન પસંદ કરવામાં આવ્યા છે. ટુર્નામેન્ટમાં ઝિમ્બાબ્વેમાં 25, જ્યારે નામીબિયામાં 16 મેચનું આયોજન થશે. ગ્રૂપ સ્ટેજના 24 મુકાબલાઓમાંથી 12-12 મેચ બંને દેશોમાં રમાશે. ઝિમ્બાબ્વેમાં મેચ ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, હરારે સ્પોર્ટ્સ ક્લબ અને તાકાશિંગા સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. જ્યારે નામીબિયામાં મેચ નામીબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ અને એચપી ઓવલમાં રમાશે. સેમિફાઇનલમાં એક મુકાબલો ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ (3 ફેબ્રુઆરી) અને બીજો હરારે સ્પોર્ટ્સ ક્લબ (4 ફેબ્રુઆરી)માં થશે, જ્યારે ફાઇનલ મેચ 6 ફેબ્રુઆરીએ હરારેમાં રમાશે.

શું DRS (રિવ્યુ) હશે
ના. અંડર-19 વર્લ્ડ કપ 2026માં DRSનો ઉપયોગ કરવામાં આવશે નહીં. જોકે, તમામ મેચમાં ટીવી અમ્પાયર હાજર રહેશે, જે થર્ડ અમ્પાયરના નિર્ણયો અને રિપ્લેથી મેદાન પરના અમ્પાયરોને મદદ કરશે, પરંતુ ખેલાડીઓને રિવ્યુ લેવાનો અધિકાર રહેશે નહીં.
કોહલી-રોહિત-જાડેજા જેવા ખેલાડીઓ અહીંથી જ નીકળ્યા
અંડર-19 વર્લ્ડ કપનું પ્રથમ આયોજન 1988માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1998થી આ ટુર્નામેન્ટ નિયમિતપણે દર બે વર્ષે યોજાતી 16 ટીમની સ્પર્ધા બની ગઈ. આ જ વર્લ્ડ કપમાંથી વિરાટ કોહલી, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, સ્ટીવ સ્મિથ, કેન વિલિયમસન અને જો રૂટ જેવા અનેક દિગ્ગજ ખેલાડીઓ બહાર આવ્યા.

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે 2008માં U-19 વર્લ્ડ કપ જીત્યો હતો.
ભારતની ટીમ
આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા (વાઇસ કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, આરોન જ્યોર્જ, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ પંગાલિયા (વિકેટકીપર), આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, મોહમ્મદ ઇનાન, હેનિલ પટેલ, દીપેશ દેવેન્દ્રન, કિશન કુમાર સિંહ અને ઉધવ મોહન.
નીચે આખા વર્લ્ડ કપનું શેડ્યૂલ જુઓ…


મેચ લાઇવ ક્યાં જોઈ શકાશે?
ભારતમાં અંડર-19 વર્લ્ડ કપ 2026ની મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ પર થશે. ટીવી પર લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કના ચેનલો પર કરવામાં આવશે. આ ઉપરાંત ટુર્નામેન્ટ સંબંધિત દરેક અપડેટ, સમાચાર તમે દિવ્ય ભાસ્કર એપ પર પણ ફોલો કરી શકો છો.
—————————–
સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો…
15 વર્ષનો છોકરો કોહલીને મળવા મેદાનમાં ઘૂસ્યો:વિરાટને ભેટીને ભાવુક થયો, રાહુલનું સેન્ચુરી પછી ‘બેબી’ સેલિબ્રેશન; મેચના મોમેન્ટ્સ-રેકોર્ડ્સ

ન્યૂઝીલેન્ડે ભારતને બીજી વન-ડેમાં 6 વિકેટે હરાવીને 3 મેચની સિરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી. રાજકોટમાં બુધવારે ભારતે 284 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે ડેરીલ મિચેલની સદીની મદદથી ટાર્ગેટ ચેઝ કરી લીધો. સંપૂર્ણ સમાચાર વાંચો…