BJP President Election Notification Issued; Nitin Navin Acting Chief
નવી દિલ્હી7 કલાક પેહલા
- કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે પાર્ટીએ નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, 19 જાન્યુઆરીના રોજ આ માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે, જ્યારે 20 જાન્યુઆરીના રોજ BJPના નવા અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવશે.
હાલમાં નીતિન નબીનને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પાર્ટી તેમને જ બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટી શકે છે. ગયા વર્ષે 14 ડિસેમ્બરે નીતિન નબીનને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા.
ભાજપે વર્ષ 2020માં જેપી નડ્ડાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા હતા. 2024માં તેમનો કાર્યકાળ પૂરો થયો હતો. ત્યારથી તેઓ એક્સટેન્શન પર હતા. નડ્ડા હાલમાં કેન્દ્રમાં સ્વાસ્થ્ય મંત્રાલય સંભાળી રહ્યા છે.

BJPના રાષ્ટ્રીય રિટર્નિંગ ઓફિસરે શિડ્યૂલ જાહેર કર્યું
ભાજપના રાષ્ટ્રીય રિટર્નિંગ ઓફિસર કે. લક્ષ્મણે ચૂંટણીનું શિડ્યૂલ જાહેર કર્યું. એ મુજબ, પક્ષપ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો 19 જાન્યુઆરીના રોજ બપોરે 2થી 4 વાગ્યાની વચ્ચે ભરી શકાશે અને ઉમેદવારો એ જ દિવસે સાંજે 5થી 6 વાગ્યાની વચ્ચે પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે.
લક્ષ્મણે કહ્યું હતું કે જો જરૂર પડશે તો 20 જાન્યુઆરીએ મતદાન થશે અને એ જ દિવસે નવા ચૂંટાયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પક્ષના મુખ્યાલયમાં યોજાશે.

જો નીતિન નબીન જ રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તો સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ હશે
હાલમાં પાર્ટીએ નીતિન નબીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. તેમની ઉંમર 45 વર્ષ છે. ભવિષ્યમાં જો નીતિનને જ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે છે તો તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ બનનારી સૌથી યુવા વ્યક્તિ હશે.
ભાજપની નવી ટીમમાં 80% યુવાનોને લાવવાનો માર્ગ નબીન સાફ કરશે
નીતિનના કાર્યકારી અધ્યક્ષ બનવાની સાથે જ ભાજપમાં 80% યુવાનોને આગળ લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે, જોકે નવી ટીમ બનવામાં લગભગ 6 મહિના લાગશે, પરંતુ એટલું સ્પષ્ટ છે કે ટીમમાં મહામંત્રી અને મંત્રી જેવાં મુખ્ય પદો પર મોટા ભાગના 50 વર્ષથી ઓછી ઉંમરના હશે.
5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ છે. નીતિન આ મુજબ જ ટીમ બનાવશે. એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે સામાન્ય રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ જુનિયર અથવા સમકક્ષોને જ મહાસચિવ, સચિવ જેવાં પદો પર રાખે છે.
