Morbi News: ઉદ્યોગપતિએ પ્રાકૃતિક ખેતી અપનાવી – Morbi News: Businessman adopts natural farming | મોરબી


Last Updated:

સિરામિક ઉદ્યોગ માટે જાણીતા મોરબી જિલ્લામાં હવે એક નવી ઓળખ ઊભી થઈ રહી છે પ્રાકૃતિક ખેતીની. ઉદ્યોગની ચકચકાટ છોડીને માટીની સુગંધ સાથે જોડાયેલા અશોકભાઈ મોરડિયાએ ઝેરમુક્ત શાકભાજી દ્વારા સ્વાસ્થ્ય અને સંવેદનાનો સંદેશ આપ્યો છે. તેમની પ્રાકૃતિક ખેતી આજે માત્ર વ્યવસાય નહીં, પરંતુ લોકોમાં જાગૃતિ લાવતું જનઆંદોલન બની રહી છે.

+

ઉદ્યોગપતિએ

ઉદ્યોગપતિએ પ્રાકૃતિક ખેતી અપનાવી

મોરબી: ઉદ્યોગ અને સિરામિક માટે દેશભરમાં ઓળખ ધરાવતા મોરબી જિલ્લામાં હવે એક અનોખી અને પ્રેરણાદાયક ખેતી ક્રાંતિ જન્મ લઈ રહી છે. સિરામિક ઉદ્યોગમાં સફળ કારકિર્દી બાદ એક ઉદ્યોગપતિએ ગ્લેઝ અને કેમિકલ છોડીને માટીની સુગંધ સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. અશોકભાઈ મોરડિયા નામના આ ઉદ્યોગપતિ છેલ્લા 3 વર્ષથી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી દ્વારા ઝેરમુક્ત શાકભાજી ઉગાડી તેને સીધી ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છે. તેમનો આ પ્રયાસ આજે માત્ર વ્યક્તિગત વ્યવસાય નહીં પરંતુ સ્વાસ્થ્ય અને સંવેદનાનો જનઆંદોલન બની રહ્યો છે.

આજના સમયમાં વધતી બીમારીઓ અને ખોરાકમાં વધતા રાસાયણિક તત્વોને કારણે લોકો સ્વસ્થ જીવનશૈલી તરફ વળવા લાગ્યા છે. તે સમયે અશોકભાઈ મોરડિયાએ પ્રાકૃતિક ખેતીને જીવનનો ભાગ બનાવ્યો. રાજ્યપાલના પ્રાકૃતિક ખેતી અભિયાનથી પ્રેરાઈ તેમણે પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો સંપૂર્ણ ત્યાગ કર્યો. આજે તેઓ ‘સરિતા પ્રાકૃતિક સબ્જી સ્ટોર’ મારફતે શુદ્ધ, સાત્વિક અને તાજી શાકભાજી મોરબી શહેરના નાગરિકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છે. લોકોમાં ઝેરમુક્ત ખોરાક પ્રત્યે જાગૃતિ ફેલાવવી એ તેમનો મુખ્ય ઉદ્દેશ છે.

મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સતત વધી રહ્યો છે. હાલ જિલ્લામાં 16,000થી વધુ ખેડૂતો 9,000 હેક્ટરથી વધુ જમીનમાં રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો, જમીનની ઊર્વરતા વધવી અને લાંબા ગાળે વધુ ઉત્પાદન મળતું હોવાના કારણે ખેડૂતોમાં આ પદ્ધતિ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. અશોકભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બની રહ્યા છે.

પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘનજીવામૃત અને દશપર્ણી અર્ક જેવા જૈવિક દ્રાવણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિથી જમીન જીવંત રહે છે અને પાકમાં પોષક તત્વો કુદરતી રીતે વિકસે છે. રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. ગાય સહાય યોજના હેઠળ તેમજ મોડેલ ફાર્મ માટે 18,500 રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોને આપવામાં આવે છે. આ સહાય અને તાલીમના કારણે ખેડૂતોને નવી પદ્ધતિ અપનાવવાનો આત્મવિશ્વાસ મળે છે.

આ પણ વાંચો: હવે હાથમાં દાતેડી નહીં, ડ્રોનનું રીમોટ, રાજકોટના ગામડાંની દીકરીઓ બની ‘ડ્રોન દીદી’

જિલ્લા વહીવટી તંત્ર અને કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. મોડેલ ફાર્મ પર પ્રત્યક્ષ તાલીમ આપીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવે છે. આ તાલીમથી ખેડૂત માત્ર ખેતી પદ્ધતિ નહીં પરંતુ બજાર વ્યવસ્થા અને ગ્રાહકો સુધી સીધું વેચાણ કરવાની રીત પણ શીખી રહ્યા છે. પરિણામે ખેડૂત અને ગ્રાહક વચ્ચેનો સીધો સંબંધ મજબૂત બની રહ્યો છે.

રાજ્ય સરકારના 22498 કરોડના કૃષિ બજેટમાં પ્રાકૃતિક ખેતીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સરકારની નીતિ અને ખેડૂતોની પહેલથી ખેતી હવે ધીમે ધીમે ઝેરમુક્ત બની રહી છે. અશોકભાઈ મોરડિયાના પ્રયાસોથી સાબિત થાય છે કે ખેતી માત્ર જીવનનિર્વાહનું સાધન નહીં પરંતુ સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સમાજના કલ્યાણનું માધ્યમ બની શકે છે. મોરબીમાંથી શરૂ થયેલી આ પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ ગુજરાતને સ્વસ્થ, સમૃદ્ધ અને રસાયણમુક્ત ભવિષ્ય તરફ આગળ વધારતી જોવા મળી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *