ચાંદખેડા સ્વામિનારાયણ મંદિર પાસે ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂ | અમદાવાદ
Last Updated:
Ahmedabad Fire: અમદાવાદના ચાંદખેડામાં આવેલી ઇ-કોમર્સ કંપીના ગોડાઉનમાં સવારે 6 વાગ્યે આગ લાગી હતી. આ આગ બુઝાવવાની કામગીરીમાં 11 વાહનો અને 35થી વધારે કર્મચારીઓ જોડાયેલા હતા. હાલ આગ સંપૂર્ણ રીતે કાબૂમાં છે.
અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં ટીપી 44 સ્વામિનારાયણ મંદિર પાસેના વિસ્તારમાં ઇ-કોમર્સ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની દુર્ઘટના ઘટી છે. ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ફાયરની ટીમ દ્વારા કલાકોની જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવામાં આવી છે.
ચાંદખેડામાં લાગેલી ભીષણ આગ અંગે ફાયર વિભાગે માહિતી આપી છે. ડિવિજનલ ફાયર ઓફિસર, બી.બી. રાવલના જણાવ્યા પ્રમાણે, શહેરના ચાંદખેડા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની પાછળ એક ઓનલાઇન ડિલિવરી કંપનીના ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગ આજે 22મી જાન્યુઆરીના રોજ સવારે 6 વાગ્યાની આસપાસ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ આગ બુઝાવવાની કામગીરીમાં 11 વાહનો અને 35થી વધારે કર્મચારીઓ જોડાયેલા હતા. હાલ આગ સંપૂર્ણ રીતે કાબૂમાં (સવારે 9 વાગે) છે. જે બાદ કૂલિંગની કામગીરી થઈ રહી છે. આમાં સ્ટ્રક્ચરલ ડેમેજ છે જેથી એસ્ટેટ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે, આગ લાગી ત્યારે આ ઓનલાઇન ડિલિવરી કંપનીના બે માણસો હાજર હતા. જોકે, આ આગ કઈ રીતે લાગી તે અંગેની કોઈ માહિતી નથી. કંપનીમાં હાજર લોકોએ કહ્યું હતું કે, ગોડાઉનની પાછળ કંઈક સ્પાર્ક થયું હતું. જ્યાં ઓઇલ ડેપો હતો ત્યાંથી આગની શરૂઆત થઈ હતી તેવું તેમણે જણાવ્યું છે. જોકે, આ અંગે તપાસ થઈ રહી છે. આ લોકો ગ્રોસરી અને શાકભાજીની સપ્લાય કરતા હોય તેવું પ્રાથમિક ધોરણે જણાઈ આવ્યું છે.
Ahmedabad,Gujarat
