લગ્ન સિઝનમાં મોટો ઝટકો! સિંગતેલના ભાવ પહોંચ્યા આસમાને, એક મહિનામાં કેટલો થયો વધારો? – 15 kg of groundnut oil increased by Rs 200 | રાજકોટ


Last Updated:

groundnut oil prices: સમગ્ર સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવ ફરી એકવાર ચિંતાજનક રીતે વધી રહ્યા છે. મગફળી યાર્ડમાં ભરપૂર આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનામાં 15 કિલોના ડબ્બામાં રૂપિયા 200નો વધારો નોંધાયો છે, જ્યારે તાજેતરમાં એક જ દિવસમાં રૂપિયા 40 જેટલો ઉછાળો આવતા સામાન્ય ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે.

+

મગફળીના

મગફળીના 15 કિલો તેલમાં 200 રૂપિયાનો વધારો

રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવ ફરી એકવાર ચિંતાજનક રીતે વધી રહ્યા છે. એક તરફ મગફળી યાર્ડમાં ભરપૂર આવક નોંધાઈ રહી છે, તો બીજી તરફ સિંગતેલના ભાવ સતત ઉપર જ જઈ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં 15 કિલોના સિંગતેલના ડબ્બામાં અંદાજે રૂપિયા 200નો વધારો થયો છે, જ્યારે તાજેતરમાં તો એક જ દિવસમાં રૂપિયા 40 જેટલી તેજી નોંધાતા ગ્રાહકોની ચિંતા વધતી જઈ રહી છે. હાલ રાજકોટમાં સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ સરેરાશ 2800 રૂપિયા આસપાસ પહોંચ્યો છે. લગ્નની સિઝન અને બારમાસી વપરાશ માટે ઘરમાં તેલ ભરવાની પરંપરાગત સિઝન શરૂ થતા બજારમાં માંગ વધી છે. વધતી માંગ અને બજારમાં અનિશ્ચિતતાના માહોલને કારણે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના સીધા અસર સામાન્ય ઘરખર્ચ પર પડી રહી છે.

મગફળી યાર્ડની વાત કરીએ તો રાજકોટ યાર્ડમાં દરરોજ હજારો ક્વિન્ટલ મગફળીની આવક નોંધાઈ રહી છે. આવકના આંકડા જોતા ભાવ ઘટવા જોઈએ તેવી અપેક્ષા હોય, પરંતુ વેપારીઓનું કહેવું છે કે બજારમાં આવતી મગફળીમાં સારી ગુણવત્તાની અછત છે. મોટા પ્રમાણમાં આવક હોવા છતાં ગુણવત્તાવાળી મગફળી ઓછી મળતી હોવાથી તેલ ઉત્પાદન ખર્ચ વધે છે અને તેનો સીધો ભાર ભાવ પર પડે છે.

વેપારીએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં જ સિંગતેલના ડબ્બામાં રૂપિયા 200 સુધીનો વધારો થયો છે. ખાસ કરીને તાજેતરના દિવસોમાં ભાવમાં અચાનક તેજી આવી છે, જેમાં એક જ દિવસે રૂપિયા 40 જેટલો વધારો નોંધાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે માત્ર સિંગતેલ જ નહીં પરંતુ કપાસિયા તેલમાં રૂપિયા 40 અને પામોલીન તેલમાં પણ રૂપિયા 30 સુધીનો વધારો જોવા મળ્યો છે. બજારમાં તેલના તમામ વિકલ્પો મોંઘા બનતા ગ્રાહકો માટે વિકલ્પ પસંદ કરવો મુશ્કેલ બન્યો છે. આ અગાઉ પણ નવેમ્બર મહિનામાં મગફળીની આવક વધવા છતાં સિંગતેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. તે સમયે 15 કિલોના ડબ્બાનો ભાવ રૂપિયા 2415માંથી વધીને રૂપિયા 2625 સુધી પહોંચ્યો હતો. હાલ ફરી એકવાર એ જ પરિસ્થિતિ ઉભી થઈ છે, જેમાં યાર્ડમાં આવક હોવા છતાં ભાવમાં ઘટાડાની બદલે વધારો જ જોવા મળી રહ્યો છે.

મગફળીના ભાવમાં પણ છેલ્લા સમયમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ પ્રતિ મણ મગફળીના ભાવમાં રૂપિયા 200થી વધુનો વધારો નોંધાયો છે. પરિણામે તેલ ઉત્પાદકો માટે કાચા માલનો ખર્ચ વધી ગયો છે, જે અંતે ગ્રાહકો સુધી પહોંચે છે. ખાસ કરીને ઓર્ગેનિક અને ઘાણી પદ્ધતિથી બનતા સિંગતેલના ડબ્બાના ભાવ તો રૂપિયા 3200 સુધી પહોંચી ગયા છે. આરોગ્ય જાગૃતિને કારણે આવા તેલની માંગ વધતા તેના ભાવમાં સામાન્ય સિંગતેલ કરતાં વધુ તેજી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ઓછી જમીનમાં બહુવિધ પાકોથી વધુ આવક, ખેડૂતે બોર અને ચીકુ ઉગાડ્યા, વર્ષે લાખોની આવક

બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવનારા દિવસોમાં લગ્ન અને તહેવારની સિઝન વધુ તેજ બનશે, જેના કારણે સિંગતેલની માંગમાં વધારો થવાની શક્યતા છે. જો મગફળીની ગુણવત્તાની સમસ્યા યથાવત રહેશે તો સિંગતેલના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા નકારી શકાતી નથી. આવી સ્થિતિમાં એક તરફ યાર્ડમાં આવક આશાજનક દેખાઈ રહી છે, તો બીજી તરફ સિંગતેલની મોંઘવારી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગ્રાહકો માટે સતત ચિંતા બની રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *