WPLમાં ગુજરાતની ચોથી જીત:દિલ્હીને 3 રનથી રોમાંચક મેચમાં હરાવ્યું, મૂનીની ફિફ્ટી; સોફી ડિવાઇનને 4 વિકેટ
![]()
વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સીઝનમાં ગુજરાત જાયન્ટ્સે ચોથી જીત મેળવી લીધી છે. ટીમે મંગળવારે વડોદરામાં દિલ્હી કેપિટલ્સને 3 રનથી રોમાંચક મેચમાં હરાવી દીધું. આ સાથે ટીમ પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને પણ પહોંચી ગઈ. ગુજરાત તરફથી બેથ મૂનીએ ફિફ્ટી ફટકારી. જ્યારે સોફી ડિવાઈને 4 અને રાજેશ્વરી ગાયકવાડે 3 વિકેટ લીધી. મજબૂત શરૂઆત બાદ ગુજરાતે સતત વિકેટ ગુમાવી
કોટાંબી સ્ટેડિયમમાં દિલ્હીએ બોલિંગ પસંદ કરી. ગુજરાતે ત્રીજા ઓવરમાં પહેલી વિકેટ ગુમાવી દીધી, પરંતુ બેથ મૂની અને અનુષ્કા શર્માએ ટીમને સંભાળી લીધી. બંનેએ ફિફ્ટી પાર્ટનરશિપ કરી લીધી. અનુષ્કા 25 બોલમાં 39 રન બનાવીને આઉટ થઈ. તેની વિકેટ પડ્યા બાદ ટીમ વેરવિખેર થવા લાગી. મૂની એક છેડે ટકી રહી, તેણે ફિફ્ટી પણ ફટકારી, પરંતુ તેની સામે કેપ્ટન એશ્લે ગાર્ડનર 2 રન બનાવીને આઉટ થઈ ગઈ. જ્યોર્જિયા વેરહેમ 11, ભારતી ફૂલમાલી 3, કનિકા આહુજા 3, કાશ્વી ગૌતમ 2 અને રેણુકા ઠાકુર 3 રન જ બનાવી શકી. મૂની 58 રન બનાવીને આઉટ થઈ. શ્રી ચારણીને 4 વિકેટ મળી
આખરમાં તનુજા કંવરે 11 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારીને 21 રન બનાવ્યા અને સ્કોર 174 સુધી પહોંચાડ્યો. દિલ્હી તરફથી શ્રી ચારણીએ 4 વિકેટ લીધી. શિનેલે હેનરીને 2 વિકેટ મળી. મેરિઝન કેપ, નંદની શર્મા અને મિન્નુ મણિએ 1-1 વિકેટ લીધી. દિલ્હીએ સતત વિકેટ ગુમાવી
175 રનના ટાર્ગેટ સામે દિલ્હી કેપિટલ્સે સતત વિકેટ ગુમાવી. શેફાલી વર્મા 14, લિઝેલ લી 11, લૌરા વોલ્વાર્ટ 24, જેમિમાહ રોડ્રિગ્સ 16 અને શિનેલે હેનરી 9 રન બનાવીને આઉટ થઈ ગઈ. મેરિઝન કેપ ખાતું પણ ખોલી શકી નહીં. ટીમે 100 રન પર 6 વિકેટ ગુમાવી દીધી. નિકી પ્રસાદે છેલ્લે સ્નેહ રાણા સાથે લડત આપી, પરંતુ તે પણ ટીમને જીત અપાવી શકી નહીં. નિકીએ 47 અને સ્નેહે 29 રન બનાવ્યા. ગુજરાત માટે સોફી ડિવાઇને 4 અને રાજેશ્વરી ગાયકવાડે 3 વિકેટ લીધી. એશ્લે ગાર્ડનરને 1 વિકેટ મળી. ટૉપ-2માં પહોંચી ગુજરાત
7માંથી ચોથી મેચ જીતીને ગુજરાતે 8 પોઇન્ટ્સ મેળવી લીધા છે. ટીમે મુંબઈ ઈન્ડિયન્સને પાછળ છોડીને બીજા નંબર પર પણ સ્થાન મેળવી લીધું છે. ગુજરાતની છેલ્લી મેચ 30 જાન્યુઆરીએ મુંબઈ સામે જ છે. આ મેચ જીતનારી ટીમ પ્લેઑફમાં પોતાની જગ્યા પાક્કી કરી લેશે. બેંગલુરુ 10 પોઇન્ટ્સ સાથે પહેલા નંબર પર છે અને પ્લેઑફમાં પણ જગ્યા બનાવી ચૂકી છે. દિલ્હી 6 પોઇન્ટ્સ સાથે ચોથા અને યુપી 4 પોઇન્ટ્સ સાથે છેલ્લા નંબર પર છે. બંને 1 ફેબ્રુઆરીએ એકબીજાનો સામનો કરશે.
Source link