સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડીઝને 2 વિકેટે હરાવ્યું:T20 સિરીઝ પર કબજો; ક્વિન્ટન ડી કોકે 43 બોલમાં સદી ફટકારી
![]()
સાઉથ આફ્રિકાએ બીજી T20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે. સુપરસ્પોર્ટ પાર્કમાં રમાયેલી આ મેચમાં ક્વિન્ટન ડી કોકની તોફાની સદીને કારણે સાઉથ આફ્રિકાએ 222 રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો. ડી કોકે લગભગ ત્રણ વર્ષ પછી ઘરઆંગણે પોતાની પ્રથમ T20 ઇન્ટરનેશનલ રમતા માત્ર 43 બોલમાં સદી પૂરી કરી. સાઉથ આફ્રિકાએ આ મેચ 15 બોલ બાકી રહેતા જીતી લીધી. ડી કોકે 115 રનની ઇનિંગ્સમાં 10 છગ્ગા ફટકાર્યા
ક્વિન્ટન ડી કોકે મેચની શરૂઆતથી જ કેરેબિયન બોલરો પર દબાણ બનાવી દીધું હતું. તેણે પોતાની 115 રનની ઇનિંગ્સમાં 49 બોલ રમ્યા, જેમાં 10 છગ્ગા અને 6 ચોગ્ગા સામેલ હતા. ડી કોકે માત્ર 21 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને આગામી 22 બોલમાં તેને સદીમાં બદલી દીધી. આખી ઇનિંગ્સ દરમિયાન તેણે માત્ર 8 ડોટ બોલ રમ્યા. આ તેના T20 કારકિર્દીની બીજી સદી છે. આ સાથે તેણે T20 ક્રિકેટમાં પોતાના 12,000 રન પણ પૂરા કર્યા અને ફાફ ડુ પ્લેસિસને પાછળ છોડીને સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ T20 રન બનાવનાર ખેલાડી બની ગયો. રિકલ્ટન સાથે 162 રનની ભાગીદારી
ડિકોકને બીજી વિકેટ માટે રાયન રિકેલ્ટનનો જોરદાર સાથ મળ્યો. બંનેએ મળીને માત્ર 72 બોલમાં 162 રનની ભાગીદારી કરી. નંબર 3 પર બેટિંગ કરવા આવેલા રિકેલ્ટને પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમતા 25 બોલમાં અડધી સદી ફટકારી. તે 77 રન બનાવીને અણનમ રહ્યો. આ મેદાન પર આ પાંચમી વખત છે જ્યારે કોઈ ટીમે 200થી વધુનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો છે. કિંગ-હેટમાયર વચ્ચે 115 રનની ભાગીદારી
પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત શાનદાર રહી હતી. બ્રેન્ડન કિંગ (11 બોલમાં 27 રન) અને શિમરોન હેટમાયરે મળીને પહેલી 10 ઓવરમાં ટીમનો સ્કોર 115 રન સુધી પહોંચાડી દીધો હતો. છેલ્લી ઓવરોમાં શેરફેન રધરફોર્ડે વિસ્ફોટક બેટિંગ કરી. તેણે માત્ર 24 બોલમાં 57 રન બનાવ્યા, જેની મદદથી વેસ્ટ ઇન્ડીઝે 221 રનનો સ્કોર બનાવ્યો. કેરેબિયન ટીમે છેલ્લી 5 ઓવરમાં 76 રન જોડ્યા. મિડલ ઓવર્સમાં કેશવ મહારાજે મેચને પલટી
એક સમયે લાગતું હતું કે વેસ્ટ ઇન્ડીઝ 250 રન પાર કરી જશે, પરંતુ કેશવ મહારાજે 15મી ઓવરમાં રોવમેન પોવેલ અને પછી શિમરોન હેટમાયરને આઉટ કરીને વેસ્ટ ઇન્ડીઝની રન ગતિ રોકી દીધી. 12મીથી 16મી ઓવરની વચ્ચે વેસ્ટ ઇન્ડીઝે માત્ર 27 રન બનાવ્યા અને 3 વિકેટ ગુમાવી દીધી. ખરાબ ફિલ્ડિંગ વેસ્ટ ઇન્ડીઝને મોંઘી પડી
વેસ્ટ ઇન્ડીઝના બોલરો અને ફિલ્ડરો દબાણ સહન કરી શક્યા નહીં. જેડન સીલ્સે શોર્ટ થર્ડ મેન પર રાયન રિકેલ્ટનનો સરળ કેચ છોડી દીધો. ત્યારે તે માત્ર 17 રન પર હતો. આ ઉપરાંત એનરિક નોર્કિયાની એક ઓવરમાં બ્રેન્ડન કિંગે 24 રન બનાવ્યા હતા, પરંતુ બાદમાં કેરેબિયન બોલરો ડીકોકની તોફાની બેટિંગને રોકવામાં નિષ્ફળ રહ્યા.
Source link