Aravalli Police movie-style operation 912 bottles of foreign liquor seized after 25 km Bootlegger chase video goes viral | અરવલ્લી
Last Updated:
અરવલ્લી જિલ્લા LCBએ વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે ફિલ્મી દ્રશ્યો જેવો પીછો કરી મોટી સફળતા મેળવી છે. પોલીસ અને બુટલેગરો વચ્ચે સર્જાયેલા આ હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ લાખોની કિંમતનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.
અરવલ્લી: જિલ્લા એલસીબી પોલીસે બોલેરો કારનો 25 કિમી સુધી પીછો કરી મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ફિલ્મી ઢબે પકડી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, પોલીસે આ કાર્યવાહી એક ચોક્કસ બાતમીને આધારે હાથ ધરી હતી. જેમાં સફળતા મળતા પોલીસે અંદાજીત 2.60 લાખની કિંમતની કુલ 912 જેટલી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે, સાથે જ આ દારૂની હેરફેર કરતા બૂટલેગરને પોલીસે જેલભેગો કર્યો છે.
વિગતવાર વાત કરીએ તો, અરવલ્લી પોલીસને બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો મોટો જથ્થો મોડાસા પાસેથી લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, પરંતુ પોલીસને જોતા જ બુટલેગરોએ કાર હંકારી મૂકી હતી. પરિણામે પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે બુટલેગરોએ પકડાઈ જવાની બીકે મોડાસાના જીવણપુરથી ભાગવાનું શરૂ કર્યું હતું.
પોલીસે સતત પીછો ચાલુ રાખતા બુટલેગરોએ હાઈવે પર પૂરપાટ ઝડપે કાર દોડાવી હતી. ત્યારે અંદાજે 25 કિલોમીટર સુધી બૂટલેગર-પોલીસની વચ્ચે આ ભાગદોડ ચાલી હતી, જેના અંતે ભિલોડાના રામપુરી પાસે પોલીસ નજીક પહોંચી જતા બુટલેગરોએ પોતાની બોલેરો કાર ખેતરમાં ઉતારી દીધી હતી અને કારમાં સવાર બે ઈસમોએ અંધારાનો લાભ લઈ દોડીને ભાગવાની કોશિશ કરી હતી.
જોકે, સમગ્ર ઘટનામાં પોલીસની સતર્કતાને કારણે પોલીસના જવાનો ભોડવાની કોશિશ કરી રહેલા બંને ઈસમોની પાછળ દોડ્યા હતા, ત્યારે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો અન્ય એક સાથીદાર નાસી છૂટવામાં સફળ રહ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.
બાદમાં પોલીસે જ્યારે બોલેરો કારની તલાશી લીધી ત્યારે તેમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. તપાસ દરમિયાન કુલ 912 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી, જેની કિંમત અંદાજે 2.60 લાખ રૂપિયા આંકવામાં આવી છે. ત્યારે પોલીસે દારૂનો જથ્થો, બોલેરો કાર અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 10.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વધુમાં આ બનાવમાં પકડાયેલા આરોપીની ઓળખ રાજસ્થાનના જાલોરના રહેવાસી જોધારામ જાટ તરીકે થઈ છે. ત્યારે હાલમાં એલસીબી પોલીસે ઝડપાયેલા જોધારામ જાટ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ પકડાયેલા આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે, તેમજ ફરાર થઈ ગયેલા અન્ય આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Modasa,Sabar Kantha,Gujarat
Jan 30, 2026 12:51 PM IST
