રાત્રીના અકસ્માત ઘટાડા ગાયોને રેડિયમ બેલ્ટ લગાવ્યા – Radium belts were fitted to cows to reduce nighttime accidents | અમરેલી
Last Updated:
Sadak Suraksha Abhiyan 2026: અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં યુવાનોની માનવતાપૂર્ણ પહેલ આજે સમાજ માટે નવી પ્રેરણા બની રહી છે. શ્રીજી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા રાત્રિના સમયે રસ્તા પર બેઠેલી ગાયોના ગળામાં રેડિયમ બેલ્ટ લગાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના કારણે અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગૌસેવા સાથે માનવજીવન બચાવતી આ પહેલ સાવરકુંડલાના યુવાનોની સામાજિક જવાબદારી અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ બની છે.
અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં યુવાનોની એક અનોખી અને માનવતાપૂર્ણ પહેલ આજે ચર્ચાનું કેન્દ્ર બની છે. શહેરમાં કાર્યરત શ્રીજી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 1 વર્ષથી રાત્રિના સમયે રોડ પર અકસ્માત ન થાય તે માટે રસ્તા પર બેઠેલી ગાયોના ગળામાં રેડિયમ બેલ્ટ લગાવવામાં આવી રહી છે. આ પહેલથી અનેક અકસ્માતો અટક્યા છે અને ગાયોના જીવ બચ્યા છે.
સાવરકુંડલા શહેરમાં યુવાનો દ્વારા સંચાલિત આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રખડતા, બીમાર અને નિરાધાર પશુઓની સારવાર અને સંભાળ રાખવાનો છે. સાથે સાથે રોડ સેફટી અને અકસ્માત નિવારણ માટે પણ સતત ઝુંબેશ ચલાવવામાં આવે છે. રાત્રિના અંધકારમાં રસ્તા પર બેઠેલી ગાયો વાહનચાલકોને દેખાઈ ન પડતા અકસ્માતોની સંભાવના વધી જાય છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ગાયોના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવે છે જેથી તેઓ દૂરથી સ્પષ્ટ રીતે દેખાય.

યુવા કાર્યકર પાર્થ સૂચકે ટ્રસ્ટ સાથે જોડાણ વિશે જણાવ્યું કે તેમણે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ પૂર્ણ કર્યો છે અને છેલ્લા પાંચ વર્ષથી ગૌસેવા સાથે સંકળાયેલા છે. ગૌસેવા ઉપરાંત, રોડ સેફટી, અકસ્માત નિવારણ અને સામાજિક જાગૃતિના અનેક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં અંદાજે રૂપિયા 3 લાખના ખર્ચે 6,000 જેટલી ગાયોને રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા છે.

આ ટ્રસ્ટની સ્થાપના પાંચ વર્ષ પહેલા એક દુઃખદ ઘટના પછી થઈ હતી. પાર્થ સૂચક જણાવે છે કે મહુવા-સાવરકુંડલા રોડ પર રાત્રે એક મોટરસાયકલ ચાલકનો રસ્તા પર બેઠેલી ગાય સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજા થઈ હતી અને ગાય પણ ઘાયલ થઈ હતી. બંનેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાએ ચાર મિત્રોને ખૂબ અસર કરી અને તેમણે નક્કી કર્યું કે આવા અકસ્માતો અટકાવવા અને ગાયોને બચાવવા માટે સંગઠિત રીતે કામ કરવું જોઈએ. આ રીતે ચાર યુવકોથી શરૂ થયેલું નાનું ગ્રુપ આજે 40 યુવાનોની મજબૂત ટીમ બની ગયું છે.

ટ્રસ્ટ સાથે સંકળાયેલા તમામ યુવાનોની ઉંમર 20 થી 40 વર્ષની છે. દરેક યુવાન પોતપોતાના વ્યવસાય કે નોકરીમાં વ્યસ્ત છે, પરંતુ રોજની ફરજ પૂરી કર્યા પછી સાંજે અને રાત્રે ગૌસેવામાં સમય આપે છે. ગાયોની સારવાર, બીમાર પશુઓની સંભાળ, રસ્તાઓ પર રેડિયમ બેલ્ટ લગાવવાની કામગીરી અને જોખમી સ્થળોએ રેડિયમ પટ્ટા લગાવવાનું કાર્ય આ ટીમ કરે છે.
આ સમગ્ર કામગીરીમાં થતો ખર્ચ તમામ 40 યુવાનો પોતાની રીતે વહેંચીને ઉઠાવે છે. કોઈ પણ વ્યક્તિગત લાલચ વિના, નિસ્વાર્થ સેવાના ભાવથી આ યુવાનો સમાજ માટે કાર્ય કરી રહ્યા છે. આ પહેલને શહેરવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સાવરકુંડલાના યુવાનોની આ ગૌસેવા માત્ર પશુપ્રેમનું ઉદાહરણ નથી, પરંતુ માનવજીવન બચાવવાની પણ મહત્વપૂર્ણ પહેલ છે. રાત્રિના અકસ્માતોમાં ઘટાડો લાવી, ગાય અને માનવી બંનેના જીવ બચાવતી આ ઝુંબેશ અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.
