ગાયોને છોડાવવા સાંગાબાપાએ આપ્યુ બલિદાન – Sangabapa sacrificed himself to save the cows | અમરેલી
Last Updated:
અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલી સાંગાબાપાની ખાંભી આજે પણ શ્રદ્ધા અને બલિદાનની જીવંત કથા કહે છે. ગાયોને બચાવવા માટે અશ્વ પર સવાર થઈ તલવાર સાથે લડેલા સાંગાબાપાએ પોતાનો જીવ અર્પણ કર્યો હતો. વર્ષો જૂની આ ગાથા આજે પણ સ્થાનિક લોકો માટે આસ્થા, સાહસ અને સંસ્કારનું પ્રતીક બની રહી છે.
અમરેલી: અમરેલી જિલ્લામાં અનેક દેવી-દેવતાઓના દેવસ્થાન આવેલા છે, જેની સાથે કંઈક ને કંઈક ઇતિહાસ જોડાયેલો છે. આ સાથે સાથે અનેક પરિવારોના સુરાપુરા દાદાની ખાંભીઓ, સ્થાનો વગેરે આવેલા છે, જેનો પણ કંઈક ને કંઈક ઇતિહાસ રહેલો હોય છે. ત્યારે સાવરકુંડલા નજીક વિસ્તારમાં સાંગાબાપાની ખાંભી આવેલી છે, જેનો ખૂબ જૂનો ઇતિહાસ રહેલો છે. આજે પણ સ્થાનિક લોકોમાં અખંડ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર આ જગ્યા છે.
ભાવનગરના રાજાએ આંબરડીના જોગીદાસ બાપુ ખુમાણને પકડવા માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ તેઓ પકડાતા ન હતા. એ વખતે કોઈએ સલાહ આપી કે ગાયોને પકડી લઈએ તો જોગીદાસ બાપુ તેમને છોડાવવા જરૂર આવશે. આ ગાયો પલાણીયા બીડ વિસ્તારમાં રાખવામાં આવી હતી. ગાયોને છોડાવવા માટે જોગીદાસ બાપુ જ્યારે આવી રહ્યા હતા, ત્યારે સાવરકુંડલા નજીકના જુના ચરખા ગામના સાંગા બાપા જોગીદાસ બાપુ પાસેથી રજા લઈને પોતાના અશ્વ અને તલવાર સાથે ગાયોને છોડાવવા પલાણીયા બીડ વિસ્તારમાં પહોંચી ગયા હતા. ગાયો છોડાવી પરંતુ પોતાનો જીવ ગુમાવ્યો. આજે અહીં તેમની સ્મૃતિમાં ખાંભી ઊભી છે, જ્યાં અનેક લોકો શ્રદ્ધા ભરીને આવતા રહે છે.
આ અંગે જનાર્દનભાઈ દિલીપભાઈ તેરૈયાએ જણાવ્યું કે સાંગાબાપા એ અમારા સુરાપુરા છે. તેનો ઇતિહાસ એવો છે કે ભાવનગરના રાજાએ આંબરડીના જોગીદાસ બાપુ ખુમાણને પકડવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે પકડાતા ન હતા. ત્યારે કોઈએ તેઓને સમાચાર આપ્યા કે જોગીદાસ બાપુ ખુમાણને પકડવા હોય તો ગાયોને પકડશો તો ગાયોને છોડાવવા માટે અવશ્ય આવશે. તે સમયે આજે સાવરકુંડલા નજીક પલાણીયા બીડ વિસ્તાર આવેલો છે ત્યાં ગાયોને પૂરવામાં આવી હતી.

તે સમયે જોગીદાસ બાપુ ખુમાણ ચલાળામાં હતા. ત્યાં તેમને ખબર પડી કે તેમને પકડવા માટે ગાયોને પકડવામાં આવી છે. તે સમાચાર સાંભળીને જોગીદાસ બાપુએ જણાવ્યું કે “મારે પકડાવું મંજૂર છે, પરંતુ ગાયો ભૂખી રહે તે મંજૂર નથી.” આ વાત સાંભળ્યા બાદ જોગીદાસ બાપુ ખુમાણ ચાલીને અમારા મૂળ ગામ જુના ચરખા પહોંચી ગયા. ત્યાં અમારા સાંગા બાપા જોગીદાસ બાપુને ઓળખી ગયા. સાંગા બાપાએ જોગીદાસ બાપુને જમવા માટે કહ્યું, પરંતુ જોગીદાસ બાપુએ તેમને સમગ્ર બનાવની વાત કરી.
તે સમયે સાંગાબાપા પોતે પણ ક્રોધિત થયા અને તેમના ઘરમાંથી તલવાર લઈને અશ્વ પર સવાર થઈ જોગીદાસ બાપુ ખુમાણને ચેતવણી આપી કે ગાયોને છોડાવવાની જવાબદારી મારી છે, તમારે જવાનું નથી. તેમ તેમણે પલાણીયામાં આવીને ગાયોને છોડાવ્યા અને પોતે બલિદાન આપ્યું. અમે સાંગા બાપાની માનતા આળવી માનીએ છીએ અને તેમના પ્રત્યે અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવીએ છીએ. આસપાસના અનેક વિસ્તારોમાંથી લોકો પોતાની આસ્થા અને માનતા સાથે અહીંયા દર્શન કરવા માટે આવે છે.