Akshay Kumars Car Hits Auto Rickshaw in Mumbai; Two Injured
2 કલાક પેહલા
- કૉપી લિંક

અક્ષય કુમારની એસ્કોર્ટ કારે ઓટો રિક્ષાને ટક્કર મારતા બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. મુંબઈના જુહુ વિસ્તારમાં મુક્તેશ્વર રોડ પાસે સોમવારે રાત્રે સાડા આઠ વાગ્યા આસપાસ આ મોટો માર્ગ અકસ્માત થયો હતો.
ટક્કર એટલી જોરદાર હતી કે, ઓટો ચાલક અને તેમાં સવાર એક મુસાફર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
‘અક્ષય કુમારની કારે મારા ભાઈની રિક્ષાને ટક્કર મારી’
ઇજાગ્રસ્ત ઓટો-રિક્ષા ડ્રાઈવરના ભાઈ મોહમ્મદ સમીરે જણાવ્યું કે, ‘રાત્રે લગભગ 8:30 વાગ્યે તેમનો ભાઈ ઓટો ચલાવી રહ્યો હતો. તેની પાછળ અક્ષય કુમારની ઇનોવા કાર અને એક મર્સિડીઝ ચાલી રહી હતી. ત્યારે મર્સિડીઝે ઇનોવાને ટક્કર મારી અને ઇનોવા આગળ જઈને ઓટો સાથે અથડાઈ.’
આ પછી ઓટો પલટી ગઈ, જેના કારણે તેમના ભાઈ અને ઓટોમાં બેઠેલા એક મુસાફર ઓટો નીચે ફસાઈ ગયા. ઓટો સંપૂર્ણપણે તૂટી ગઈ અને તેમના ભાઈની હાલત ખૂબ ગંભીર છે.
સમીરે કહ્યું કે તેમની બસ એટલી જ માંગ છે કે, તેમના ભાઈની યોગ્ય સારવાર થાય અને ઓટોને જે નુકસાન થયું છે, તેનું વળતર આપવામાં આવે. તેમને આ સિવાય બીજું કંઈ જોઈતું નથી.
અકસ્માત સંબંધિત 4 તસવીરો…

કારની ટક્કર બાદ ઓટો રિક્ષાને ભારે નુકસાન થયું.

કારની ટક્કર બાદ ઓટોમાં ડ્રાઈવર અને મુસાફરો ફસાઈ ગયા.

ઓટો સાથે અથડાયા બાદ એક્ટરની કાર પલટી ગઈ.

અક્ષય કુમારની કારને ટક્કર મારનાર મર્સિડીઝ પણ ક્ષતિગ્રસ્ત થઈ છે.
એરપોર્ટથી ઘરે પરત ફરી રહ્યા હતો અક્ષય
જણાવવામાં આવી રહ્યું છે કે, અક્ષય કુમાર પત્ની ટ્વિંકલ ખન્ના સાથે વિદેશ યાત્રા બાદ એરપોર્ટથી ઘરે પરત ફરી રહ્યો હતો. બંને આગળ ચાલી રહેલી બીજી કારમાં સવાર હતા. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. જુહુ પોલીસે મર્સિડીઝ ડ્રાઈવર વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ કેસ નોંધ્યો છે.
સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા
અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો જ્યાં અક્ષયની ગાડી ઓટો ઉપર પલટી ગયેલી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર અકસ્માતના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સદનસીબે અકસ્માતમાં જાનહાનિ ટળી હતી પરંતુ અકસ્માતમાં સામેલ તમામ ગાડીઓને નુકસાન થયું છે.
અક્ષય કુમારની ટીમ તરફથી નિવેદનની રાહ
આ સમગ્ર મામલે અક્ષય કુમારની ટીમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. હાલમાં આ ઘટના બાદ વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ રહ્યો હતો, પરંતુ સ્થિતિને ઝડપથી કાબૂમાં લઈ લેવામાં આવી હતી. નોંધનીય છે કે, એક્ટર અને તેની પત્ની ટ્વિંકલ આ અકસ્માતમાં સુરક્ષિત છે.